• મંગળવાર, 25 ઑગસ્ટ, 2026

યુવાશક્તિ દેશની શિક્ષણ વ્યવસ્થામાં બદલાવનું નેતૃત્વ લે

ભુજ, તા. 24 : દેશની શિક્ષણ વ્યવસ્થા બદલાવવામાં યુવાનોની ભૂમિકા મહત્ત્વની રહેશે, તેવું પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ભુજ ખાતે કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ એન.એસ.યુ.આઈ. આયોજિત સરસ્વતી સન્માન કાર્યક્રમમાં બોલતા આ મુજબ જણાવ્યું હતું. ટાઉનહોલ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ સહિતના અન્ય અગ્રણીઓના હસ્તે 1350થી વધુ તેજસ્વી છાત્રોનું સન્માન કરી તેમની શૈક્ષણિક સિદ્ધિને બિરદાવવામાં આવી હતી. પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષે ઉપસ્થિત યુવા છાત્રોને સંબોધતાં કહ્યું કે, વર્તમાન સમયે દેશની શિક્ષણ વ્યવસ્થા સંકટમાં છે. તાજેતરમાં દિલ્હીના જંતરમંતર ખાતે થયેલા જેન-ઝી આંદોલનનો ઉલ્લેખ કરી શ્રી ચાવડાએ યુવા શક્તિના આ આંદોલને સાબિત કરી બતાવ્યું છે કે, યુવાનો ધારે તે કરી શકવા અને કરી શકાવવા સક્ષમ છે. કોંગ્રેસ પાર્ટી હંમેશાં યુવાનોના અવાજને બુલંદ બનાવવામાં સહયોગ આપશે તેવી ખાતરી આપી યુવા શક્તિને પોતાના હક્ક-અધિકાર માટે જાગૃત બનીને લડત ચલાવવાની શીખ આપી હતી. એનએસયુઆઈના નશામુક્ત કેમ્પસ અભિયાનની સરાહના કરી યુવાનોને વ્યસનમુક્ત બને તેવો સંકલ્પ લેવા કહ્યું હતું.  સરસ્વતી સન્માન સમારોહના આ આયોજન માટે તેમણે એનએસયુઆઈ કચ્છની ટીમને અભિનંદન પાઠવ્યા હતા. કચ્છ એનએસયુઆઈ દ્વારા આયોજિત સરસ્વતી સન્માન સમારોહમાં ધોરણ 10, 12 કોલેજ અને માસ્ટર ડિગ્રીના 1350 છાત્રોનું સન્માન કરાયું હતું. સમારોહમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડા, કાર્યકારી પ્રમુખ ઈન્દ્રવિજયસિંહ ગોહિલ, યૂથ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પ્રવીણસિંહ વનોલ, એનએસયુઆઈના પ્રદેશ પ્રમુખ નરેન્દ્રભાઈ સોલંકી, પ્રદેશ મુખ્ય પ્રવક્તા મનીષભાઈ દોશી તથા કચ્છ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ વી.કે. હુંબલ, નવલસિંહ જાડેજા, નીતેશભાઈ લાલન સહિત અન્ય અગ્રણીઓ હાજર રહ્યા હતા. એનએસયુઆઈના પ્રમુખ ઋષિરાજસિંહ જાડેજા, તીર્થભાઈ ઠક્કર, કૃષ્ણરાજસિંહ જાડેજા, જાનવીબેન ઠક્કર, ગંગાબેન, સંદીપ રામ, ધૈર્યરાજસિંહ જાડેજા, વિશ્વરાજાસિંહ વાળા સહિતે જહેમત ઉઠાવી હતી. સંચાલન અંજલિબેન ગોરે કર્યું હતું. કોંગ્રેસ સમિતિના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તમામ વિદ્યાર્થીઓને ડોક્યુમેન્ટ ફાઈલ, બોલપેન અને પ્રમાણપત્ર એનાયત કરી પ્રોત્સાહિત કરાયા હતા.

Panchang

dd