• મંગળવાર, 25 ઑગસ્ટ, 2026

ઘર બાંધવા જમીનનો ટુકડો માગતા સરકારી કર્મચારીઓની વ્યથા

ગિરીશ જોશી દ્વારા : ભુજ, તા. 24 : બે-બે દાયકાથી પોતાનાં સપનાંનું ઘર બનાવવા માગતા સરકારી કર્મચારીઓ 30-35 વર્ષથી સરકારી નોકરી કરી ચૂક્યા છે. છતાં નિયમો પ્રમાણે કચ્છમાં જમીનનો ટુકડો નહીં ફાળવતાં 1100 જેટલા કર્મીમાં હતાશા જોવા મળે છે. નિવૃત્ત થઇ ગયા હવે  કયા ભરોશા હૈ જિંદગી કા... એમ જણાવીને પોતાના પરિવારનાં ભવિષ્ય માટે નાનકડો આશિયાનો બનાવવા સરકાર સમક્ષ ગુહાર લગાવે છે કે, ઉદ્યોગોને લાખો એકર જમીન આપો, પરંતુ અમને તો સો ચોરસ વારનો એક ટુકડો જોઇએ છે.

છેલ્લે 2023માં ફાળવણી

2023માં કચ્છના 158 સરકારી કર્મચારીઓને રહેણાકના પ્લોટ ફાળવવામાં આવ્યા હતા અને આ પ્લોટની પણ વર્ષોની માગણી પછી ફાળવણી કરવામાં આવી હતી, પરંતુ અત્યારે જે અરજદારો બે - બે દાયકાથી માગણી કરતા આવે છે તેઓને પ્લોટ ફાળવવા કોઇ કાર્યવાહી નહીં થતાં નિરાશા વધતી જાય છે.

તો કચ્છમાં આપો

બે દિવસ પહેલાં અંકલેશ્વરમાં સરકારી કર્મચારીઓને રહેણાકના પ્લોટ ફાળવવામાં આવ્યા છે, તો કચ્છના અરજદારોએ પોતાનો અવાજ ઉઠાવ્યો ને કહ્યું કે, અમારો શું વાંક છે, દર વર્ષે જંત્રીના ભાવ વધતા જાય છે, તો સો ચોરસ વાર માટે હવે 50-60 લાખ કાઢવા કયાંથી ?

માગણી વખતના ભાવ

ખરેખર જ્યારે આનંદીબેન પટેલ મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે ભુજના કાર્યક્રમમાં એક દાખલો આપ્યો કે રાજ્યનાં એક સ્થળે વર્ષોથી જમીનની માગણી કરનારાને જમીન તો ફાળવાઇ, પરંતુ તેની માગણી જૂની હોવાથી માગણી વખતના જે ભાવ હતા તે જ ભાવ લેવામાં આવ્યા હતા. અરજદારોએ જણાવ્યું કે, 2001થી કેટલાક માગણી કરતા આવે છે છતાં પણ પ્લોટ મળતા નથી. વગવાળાને ત્યાર પછીની માગણી હતી છતાં રહેણાકના પ્લોટ ઓછા ભાવે ફાળવાયા છે, આવી સરકારની પોતાના જ સરકારી કર્મચારીઓ માટે ભેદભાવભરી નીતિ સામે નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી.

દુ:ખી થઇ ગયા છીએ

આવા જ એક અસરગ્રસ્ત કર્મચારી પ્લોટની માગણી કરતાં-કરતાં હવે નિવૃત્ત થઇ ગયા છે. 2003થી અરજી કરી ચૂકેલા નીતિનભાઇ અંતાણીએ દુ:ખ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, મેં  જ્યાં પ્લોટની માગણી કરી છે, ત્યાં જંત્રીના ભાવ સતત વધતા જાય છે, અહીંથી તમામ હકારાત્મક અભિપ્રાય સાથે ફાઇલ ગાંધીનગર ગઇ અને એક ટકા પ્રમાણે રકમ ભરપાઇ કરી દેવામાં આવી છે. છતાં નિર્ણય લેવાતો નથી. સરકારી કર્મચારીઓ માટે સરકાર પણ જો હકારાત્મક છે તો શા માટે ફાળવણીમાં વિલંબ કરવામાં આવે છે, તેવો તેમણે સવાલ કર્યો હતો.

જંત્રી વધ્યા કરે છે

આવા જ એક અરજદાર હિતેશ ગોર કહે છે કે, 2004થી અરજી કરનારાઓને પ્લોટ ફાળવાતા નથી, મોટા ભાગના નિવૃત્ત થઇ ગયા છે, ભાવ વધે છે, નિવૃત્ત થઇ ગયા બાદ મકાન કેમ બાંધી શકાય, આ બધી વ્યથા તેમણે ઠાલવી હતી. નાના ચોથા વર્ગના કર્મચારીઓ હવે વધતા જંત્રીના ભાવનાં કારણે લાખો રૂપિયા પ્લોટના ભરી શકે નહીં છતાં નિર્ણય લેવાતો નથી એ કમનસીબી છે.

1100 અરજી

બીજી બાજુ ભુજમાં કલેક્ટર કચેરીમાં તપાસ કરાતાં જાણવા મળ્યું કે, 1100 સરકારી કર્મચારીઓની પ્લોટ માટે અરજીઓ પેન્ડિંગ છે, સિનિયોરિટી પ્રમાણે યાદી બને છે અને જમીન ફાળવવામાં આવે છે.

જમીન શોધાય પછી પ્લોટ

મળેલી માહિતી પ્રમાણે સરકારી કર્મચારીઓની પ્લોટ માટે વધતી માગણી પ્રમાણે જમીન શોધવામાં આવે છે, કેમ કે, હવે ભુજમાં જમીન જે રીતે ઉપલબ્ધ હોય એ રીતે વ્યવસ્થા ગોઠવવામાં આવે છે. દરખાસ્ત  મંજૂર થાય પછી પ્લોટ ફાળવણીના ડ્રે કરાય છે. વ્યક્તિગત પ્લોટ શોધીને અરજી કરી હોય તેવા અરજદારોની સંખ્યા 9 છે, જે પાત્રતાવાળા છે અને આ માટે ફાળવણી કરવાની પ્રક્રિયા સરકાર કક્ષાએ ચાલુ છે, તેવું જણાવાયું હતું.

Panchang

dd