• ગુરુવાર, 13 ઑગસ્ટ, 2026

નાની ખાખર ગ્રામસભામાં ખાનગી કંપનીનો ઉગ્ર વિરોધ

નાની ખાખર : (તા. માંડવી), તા. 12 : માંડવી તાલુકાના નાની ખાખર ગામે યોજાયેલી ખાસ ગ્રામસભા દરમિયાન `ગ્રેવિટા કંપની' મુદ્દે સ્થાનિક ગ્રામજનો અને ખેડૂતોએ એકસૂરે ભારે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. કંપનીના પ્રોજેક્ટને કારણે ગામના પર્યાવરણ, ખેતી અને સ્થાનિક લોકોના હિતો પર વિપરિત અસર થવાની ભીતિ વ્યક્ત કરીને લોકોમાં ભારે અસંતોષ જોવા મળ્યો હતો. આ ગ્રામસભામાં ખેડૂતો અને ગ્રામજનોના વ્યાપક હિતોને ધ્યાનમાં રાખીને એક મહત્ત્વપૂર્ણ ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો, જેમાં ગ્રેવિટા કંપનીને આપવામાં આવેલી બાંધકામની મંજૂરી તાત્કાલિક અસરથી રદ કરવાનો નિર્ણય લેવાયો છે. આ અંગે પંચાયત દ્વારા કંપનીને વિધિવત નોટિસ ફાળવવામાં આવશે અને ગ્રામસભામાં પસાર કરાયેલા આ ઠરાવને આગામી દિવસોમાં ઉચ્ચ કક્ષાએ રાજ્ય સરકાર સમક્ષ રજૂ કરવામાં આવશે. સ્થાનિક લોકો અને ખેડૂતોનું સ્પષ્ટ કહેવું છે કે, ગામનાં હિતમાં યોગ્ય નિર્ણય લેવાય તે અત્યંત જરૂરી છે અને જો આવનારા સમયમાં પ્રશાસન દ્વારા ગ્રામજનોની આ માગણીઓ પ્રત્યે યોગ્ય ધ્યાન આપવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. આ મહત્ત્વપૂર્ણ ગ્રામસભામાં નાનીખાખર ગામના ભાઈઓ-બહેનો, ખેડૂતો અને સામાજિક આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Panchang

dd