અમદાવાદ, તા. 12 (અમારા પ્રતિનિધિ તરફથી) : પ્રતિભાશાળી
રમતવીરોને પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશથી ક્રાંતિકારી સુધારા સાથેની શક્તિદૂત 2.0 યોજનાનો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે આજે ગાંધીનગરમાં
મહાત્મા મંદિર ખાતે આરંભ થયો છે. રમશે ગુજરાત, જીતશે ગુજરાતના મંત્ર સાથે અમલી બનેલી આ યોજના અંતર્ગત 799 પ્રતિભાશાળી ખેલાડીઓને તેમની
ઉત્કૃષ્ટ રમતગમત સિદ્ધિઓ બદલ એકલવ્ય એવોર્ડ, સરદાર પટેલ એવોર્ડ અને જયદીપાસિંહજી એવોર્ડ અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા
હતા.. સાથે જ રાજ્યભરમાં રૂ. 388 કરોડથી વધુ રકમના વિવિધ રમત સંકુલ તથા લાયબ્રેરી જેવા કુલ 37 જેટલા માળખાકીય પ્રકલ્પોનું
લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન નાયબ મુખ્યમંત્રી
હર્ષ સંઘવીએ યોજનાની વિશેષતા અને ખેલાડીઓનો ઉત્સાહ વધારતા કહ્યું કે, આવનારા 10 વર્ષ ગુજરાતના ખેલાડીઓના છે.
આ યોજના ગુજરાતના યુવાનોનું ભવિષ્ય બદલશે. તેમણે કહ્યું કે, શક્તિદૂત 2.0 યોજનાથી ગુજરાતને મોટો ફાયદો
થશે. નાયબ મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે, યોજના હેઠળ સરકાર ખેલાડી દીઠ સવા ચાર લાખ રૂપિયા ખર્ચશે. ખેલાડીઓને ટ્રાનિંગ
માટે દુનિયાના ખૂણેખૂણામાં મોકલાશે. બધા જ બાળકો શક્તિદૂતના લાભાર્થી બની શકે છે. વર્ષ
2030 સુધી ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય
કક્ષાની વ્યવસ્થા ઊભી થશે. ઈન્ટરનેશનલ કોચની વ્યવસ્થા પણ ઊભી કરાશે. સ્પોર્ટસ સાયન્સ, સ્પોર્ટસ મેડિસિન ક્ષેત્રે પણ કામ થશે. ગુજરાતના
ખેલાડીઓ દુનિયામાં ભારતનો તિરંગો લહેરાવશે. `શક્તિદૂત 2.0' અંતર્ગત હવે
દિવ્યાંગ રમતવીરો માટે 50 બેઠકોનું
ખાસ આરક્ષણ રાખવામાં આવ્યું છે. આ યોજનાનો મુખ્ય ધ્યેય રાજ્યના આશાસ્પદ ખેલાડીઓની ક્ષમતાને
ઓળખી તેમને જરૂરિયાત મુજબની રમતગમત સુવિધાઓ, પૌષ્ટિક આહાર, આધુનિક સાધનો, દેશ-વિદેશમાં
તાલીમ, નિષ્ણાંત પ્રશિક્ષકો અને મેડિકલ સહાય પૂરી પાડીને ઓલિમ્પિક્સ
અને એશિયન ગેમ્સ જેવા આંતરરાષ્ટ્રીય મંચ માટે ચેમ્પિયન તૈયાર કરવાનો છે.