• ગુરુવાર, 13 ઑગસ્ટ, 2026

આસામ અને હિમાચલમાં પૂરનો કહેર

નવી દિલ્હી, તા. 12 : આસામ  અને હિમાચલમાં  આજે પણ વરસાદના કારણે ગંભીર સ્થિતિ સર્જાયેલી છે. આસામના ચાર જિલ્લાના લગભગ 1.12 લાખથી વધુ લોકો પૂરપ્રભાવિત થયા છે અને જ્યાં પહેલાંથી જ પૂર આવી ચૂક્યું છે તેવા વિસ્તારોમાં પણ હજુ વધુ વરસાદ થવાનું પૂર્વાનુમાન છે. જ્યારે હિમાચલમાં કાંગડા, ચંબા અને મંડી  જિલ્લાઓને એલર્ટ કરવામાં આવ્યા છે અને આ સિઝનમાં અત્યાર સુધી 910 કરોડની મિલકતો નષ્ટ થવા સાથે ભૂસ્ખલનથી 14 લોકોનાં મોત થયા હોવાનું સામે આવ્યું છે. આસામ રાજ્યના આપત્તિ વ્યવસ્થાપન વિભાગના એક અધિકારીએ જણાવ્યું છે કે નદીઓનું જળસ્તર ભયજનક સપાટીથી ઉપર આવી ચૂકયું છે, જેથી તેની આસપાસના વિસ્તારોમાં પણ પૂરના પાણી ફરી વળવાનો ખતરો છે. બીજી તરફ ગોલાઘાટ જિલ્લાના નુમાલીગઢમાં ધનસિરી નદીમાં ભયંકર પૂરની સ્થિતિ સર્જાઈ છે. જ્યાં નદીનાં પાણી સતત વધવાના કારણે લોકોને ત્યાંથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે. માળખાંગત સુવિધાઓનાં નુકસાનમાં આડબંધ, ધોરીમાર્ગ, પુલો વિ. ક્ષતિગ્રસ્ત થયા છે. જેથી પ્રશાસને 92 જિલ્લામાં રાહત શિબિરો મારફતે 30,205 રાહત પહોંચાડવાનું  શરૂ  કર્યું છે. હિમાચલમાં  તંત્ર દ્વારા સાવચેતી રાખવા જણાવતાં નદી-નાળાં અને જ્યાં ભૂસ્ખલન થવાની સંભાવનાઓ રહેલી છે તેવા વિસ્તારોમાં પ્રવાસ ન કરવાની સલાહ આપવામાં આવી છે.  છેલ્લા ત્રણ દિવસમાં 204 સડક, 45 વીજળીના ટ્રાન્સફોર્મર અને 84 પેયજળ યોજનાઓ બંધ થઈ ગઈ છે. સરકારી અને ખાનગી સંપત્તિઓ મળીને અત્યાર સુધી રૂા. 910 કરોડની મિલકતનું નુકસાન થયું છે. જેમાં સૌથી વધુ રૂા. 686 કરોડનું નુકસાન પીડબલ્યુડી વિભાગને થયું છે અને જળશક્તિ વિભાગને રૂા. 203 કરોડની નુકસાની થઈ છે. ભારે વરસાદ અને પૂરના કારણે 67 ઘર જમીનદોસ્ત થઈ ચૂક્યાં છે અને 268 મકાનને આંશિક નુકસાન પહોચ્યું છે. લેન્ડસ્લાઈડની ઘટનામાં 14 લોકો જીવ ખોઈ ચૂક્યા છે, જ્યારે પૂરમાં તણાઈ જવાથી એક વ્યક્તિ મૃત્યુ પામી છે. બન્ને રાજ્યોની સરકારો દ્વારા રાહત બચાવ કામગીરી શરૂ કરીને લોકોને રાહત પહોંચાડવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે.

Panchang

dd