નવી દિલ્હી, તા. 12 : ટાટા સન્સની
આગામી 18 ઓગસ્ટના યોજાનારી વાર્ષિક સામાન્ય
સભા (અઋખ) પહેલાં ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરને રાજીનામું આપી દીધું છે. ચંદ્રશેખરને
જણાવ્યું છે કે, મેં ટાટા ગ્રુપમાં મારી
વ્યાવસાયિક કારકિર્દીના 40 વર્ષ પૂરાં
કર્યાં છે. આ પ્રતિષ્ઠિત સંસ્થામાં યોગદાન આપવાની અમૂલ્ય તક મળવા બદલ હું કૃતજ્ઞ છું.
છેલ્લા એક દાયકાથી ટાટા સન્સનું નેતૃત્વ કરવું એ મારા માટે મોટું સન્માન અને મોટી જવાબદારી
રહી છે. ચંદ્રશેખરનનો વર્તમાન કાર્યકાળ ફેબ્રુઆરી-2027 સુધીનો છે. તેમણે કહ્યું છે કે, મેં આ હોદ્દા માટે યોગ્ય ટ્રાન્ઝિશન સુનિશ્ચિત
કરવા બોર્ડને ટૂંક સમયમાં જ ઉત્તરાધિકારી નક્કી કરવા કહ્યું છે. હું કોઈ જ રિ-એપોઇન્ટમેન્ટ
નથી ઈચ્છતો. ચંદ્રશેખરન 1987માં ટાટા
ગ્રુપમાં જોડાયા હતા, 2009માં ટીસીએસના સીઈઓ બન્યા હતા
અને 2017માં ટાટા સન્સના ચેરમેન તરીકેનો
કાર્યભાર સંભાળ્યો હતો. આ દરમિયાન જૂથે એર ઇન્ડિયા દુર્ઘટના, ટીસીએસ પર કિંમતોનું દબાણ અને જેગ્યુઅર લેન્ડ
રોવર પર સાયબર હુમલા જેવા મોટા સંકટોનો સામનો કર્યો હતો. આ રાજીનામું શેરધારકો સાથેના
તણાવ અને ચંદ્રશેખરન તથા ટાટા ટ્રસ્ટના ચેરમેન નોએલ ટાટા વચ્ચેના મતભેદો વચ્ચે આવ્યું
છે. ચંદ્રશેખરને કહ્યું છે કે, બોર્ડના એક સભ્યે 2027 પછી મારો કાર્યકાળ લંબાવવા
સમર્થન કર્યું ન હતું. મને સર્વાનુમતે સમર્થન ન મળવાના કારણે રાજીનામું આપી રહ્યો છું.