આધુનિક સમયમાં ઈન્ટરનેટ અને તેને આધારિત ડિજિટલ પ્લેટફોર્મનું ચલણ અર્માદિત વધી ગયું છે. આજે શિક્ષણથી
માંડીને વેપાર અને વ્યવસાય સુધી આવા પ્લેટફોર્મ એક તરફ આશીર્વાદરૂપ બની રહ્યા છે, ત્યારે તેના ઉપયોગથી બાળકોના માનસિક સ્વાસ્થ્ય
સામે જોખમ ઊભું થઈ રહ્યાની ચોંકાવનારી હકીકતો સામે આવી રહી છે. બાળકોને ડિજિટલ દુનિયામાં સલામત રાખવાની અનિવાર્યતા હવે વિશ્વના
દેશોમાં અનુભવાઈ રહી છે. એક તરફ ઓસ્ટ્રેલિયા સહિતના દેશોએ બાળકોને આવા જોખમી સોશિયલ
મીડિયા પ્લેટફોર્મના ઉપયોગની મનાઈ ફરમાવી છે, તો બીજી તરફ અમેરિકાએ
આવા વૈશ્વિક પ્લેટફોર્મ્સ પર ભારે દંડ ફટકારવાનું શરૂ કર્યું છે. આરંભમાં તમામ વર્ગ
માટે ઉપયોગી, માહિતીપ્રદ અને મનોરંજક બની રહેલા ડિજિટલ માધ્યમના
જોખમો હવે ચિંતાજનક રીતે સામે આવી રહ્યા છે. આ માધ્યમોના ઉપયોગથી બાળકોની મનોસ્થિતિ
પર પડતી અવળી અસરના જોખમોના સંદર્ભમાં અમેરિકાની એક અદાલતે ફેસબુક અને ઈન્સ્ટાગ્રામની
માલિક કંપની મેટા ઉપર પ6.70 કરોડ ડોલરનો
ભારે દંડ ફટકાર્યો છે. આમ તો આ કંપનીએ ગયાં વર્ષે લગભગ 60 અબજ ડોલરનો જંગી નફો રળ્યો
હતો, એટલે તેને આ દંડ ચૂકવવાનું મુશ્કેલ નહીં રહે.
જો કે, અદાલતે મેટાને તેના પ્લેટફોર્મમાં જે સુધારા કરીને બાળકોની
સલામતીને સુનિશ્ચિત કરવાનો આદેશ કર્યો છે, તે આ કંપની માટે સરળ
રહે તેમ નથી. આદાલતે આ દંડનો આદેશ કરતી વેળાએ સ્વીકાર્યું છે કે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ બાળકોના માનસિક સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. આ
પ્લેટફોર્મને જે રીતે તેયાર કરાયું છે તે બાળકોમાં તેની લત લગાવે તેવું છે. બાળકોને
યૌન શોષણથી બચાવવામાં પણ મેટા વિફળ રહી છે. અદાલતે તેણે ફટકારેલા દંડનો એક હિસ્સો આવા
પ્લેટફોર્મથી અસર પામેલાના કલ્યાણ માટે ખર્ચવાનો આદેશ કર્યો છે. મેટા કંપનીની સામેનું
એક બીજું જોખમ પણ તોળાય છે. જે અદાલતે દંડનો આદેશ કર્યો છે, તે
ન્યૂ મેક્સિકો રાજ્યની છે. આવા સંખ્યાબંધ કેસ અન્ય રાજ્યોમાં પણ મેટા સામે ચાલી રહ્યા
છે. અમેરિકાની અદાલતે મેટાને સલામતીના ધોરણો અમલી બનાવવા આદેશ કર્યો છે. આ ધોરણો આગામી
પાંચ વર્ષ સુધી અમલી રાખવાની તાકીદ કરાઈ છે. ખેરખર તો આવાં પગલાં માત્ર અમેરિકા પૂરતા
મર્યાદિત રાખવાને બદલે તેનો વૈશ્વિક સ્તરે અમલ થવો જોઈએ. સાથોસાથ મેટા દ્વારા જે ધોરણો
અમલી બને તેની સતત ચકાસણી કરવા અને તેનો અન્ય પ્લેટફોર્મ માટે પણ ફરજિયાત અમલ કરાવવાના
કાયદા દરેક દેશે ઘડી કાઢવા જોઈએ.