• શુક્રવાર, 14 ઑગસ્ટ, 2026

લાપતાની તરત એફઆઈઆર થાય : સુપ્રીમ

નવી દિલ્હી, તા. 12 : સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, લાપતા લોકોના મામલામાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ તરત જ એફઆઈઆર કરવાનો આદેશ દરેક વ્યક્તિ ઉપર લાગુ થાય છે. ભલે ઉમર કે લિંગ કોઈપણ હોય. કોર્ટે અમુક રાજ્યો દ્વારા વ્યક્તિ શબ્દનો અર્થ માત્ર બાળકો લાપતા થવાનો માનતા હેરાની વ્યક્ત કરી હતી. શીર્ષ અદાલતે કહ્યું હતું કે, આદેશ એકદમ સ્પષ્ટ હતો. અદાલતે આદેશનું પાલન ન કરતાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવ અને પોલીસ અધિકારીઓને અવામાનનાની નોટિસ જારી કરતાં આદેશ આપ્યો હતો કે, આગામી સુનાવણી દરમિયાન વ્યક્તિગત રીતે અદાલત સમક્ષ હાજર થાય અને અદાલત સમક્ષ સોગંદનામાં મારફતે બતાવે કે, આદેશનું પાલન ન કરવા બદલ તેમની સામે કાર્યવાહી કેમ ન કરવામાં આવે ? હવે આ મામલે આગામી સુનાવણી પાંચ સપ્ટેમ્બરના રોજ થવાની છે. સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ અહસાનુદ્દીન અમાનુલ્લાહ અને આર. મહાદેવનની પીઠે પાંચમી ઓગસ્ટે તામિલનાડુના જી. ગણેશની અરજી ઉપર આદેશ આપ્યો હતો. જેમની પુત્રી 2011મા ચેન્નઈથી લાપતા થઈ હતી. અદાલતે આદેશમાં લાપતા લોકોના મામલે તરત જ એફઆઈઆર કરવાનો નિર્દેશ આપ્યો હતો અને કહ્યું હતું કે માનવ તસ્કરી વિરોધી યુનિટને ચાર અઠવાડિયાની અંદર પૂરી રીતે કામ કરવાને લાયક બનાવવામાં આવે.

Panchang

dd