ભુજ, તા. 12 : ભુજના છતરડી તળાવના રમણીય કાંઠે
એકતા સોસાયટીની બાજુમાં આવેલાં ચારસો વર્ષ પુરાતન ઇતિહાસ ધરાવતું રાજાશાહી યુગનું સ્વયંભૂ
બિહારીલાલ (દૂધેશ્વર) મહાદેવ મંદિર ભુજવાસીઓ માટે અને શિવભક્તો માટે સાક્ષાત તીર્થધામ
છે. રાજાશાહી યુગમાં જ્યારે ભુજનો વિકાસ પાંચ નાકા અને છઠ્ઠીબારી પૂરતો જ સીમિત હતો
ત્યારે મહાદેવ નાકા બહાર છતરડી તળાવમાં સ્વયંભૂ શિવલિંગનું પ્રાગટય થયું હતું. નિરંતર
ભ્રમણ કરતા સાધુ -સંત -મહાત્માઓ મહાદેવ નાકા બહાર આવેલાં મહાદેવ મંદિરમા દર્શન, સેવા-પૂજા કરતા. એ મુજબ એક વખત બિહારી નાગાબાવાઓની
જમાત છતરડી તળાવમાં સ્નાન કરી રહી હતી. ત્યારે તેઓને તળાવ કિનારે સ્વયંભૂ શિવલિંગનાં
દર્શન થયાં હતાં. આ શિવલિંગની તે સમયે આ બિહારી મહાત્માઓએ સેવા-પૂજા કરી. અન્ય એક કથા
મુજબ તળાવ કિનારે આવેલાં આ સ્વયંભૂ શિવલિંગ પર ગાયના આંચળમાંથી દૂધની ધારા થતી,
તેથી તે દૂધેશ્વર મહાદેવ તરીકે પણ પ્રસિદ્ધ થયા. સિત્તેરના દાયકામાં
ભારત ભ્રમણે નીકળેલા અયોધ્યા હનુમાનગઢી ખાખી અખાડાના રામદાસજી મહારાજ ગુરુ સુખરામદાસજી
મહારાજ મૌનીબાપુ તીર્થભ્રમણ કરતાં ભુજમાં આવ્યા ત્યારે સૌ પ્રથમ તેઓએ બિલેશ્વર મંદિરનાં
દર્શન કર્યાં હતાં. એંસીના દાયકામાં છતરડી તળાવ કાંઠે આવેલા સ્વયંભૂ બિહારીલાલ- દૂધેશ્વર
મંદિરના મહંત પદે આરૂઢ થયા હતા. ગૌભક્ત મૌનીબાપુએ મંદિર પરિસરમાં વિશાળ ગૌશાળા,
વિશ્વકલ્યાણ અર્થે યજ્ઞમાં નિરંતર આહુતિ આપવા માટે યજ્ઞશાળા તેમજ શિક્ષણ
શાળાની દેવી મા સરસ્વતીનાં મંદિરનું નિર્માણ કર્યું હતું. મૌનીબાપુએ ગૌસેવાની સાથોસાથ
ગૌશાળાની ગાયોનાં દૂધમાંથી બનતી છાશની નિ:શુલ્ક પરબ શરૂ કરી તેમજ ગાયના ઘીમાંથી મંદિરમાં
નિત્ય દીપમાળા કરીને મંદિરને નિરંતર દીપોત્સવી પર્વ જેવું ઝગમગતું રાખ્યું છે. વર્ષ
દરમ્યાન દસથી બાર ભંડારા શિવભક્તો માટે બાપુએ મંદિરમાં નિરંતર ચાલુ રાખ્યા. બિહારીલાલ
મંદિર પરિસરમાં મહંતે 2001ના ભૂકંપ
સમયે ભૂકંપ પીડિતો માટે અન્નક્ષેત્ર અને રહેવાની સુવિધારૂપ સેવા કરી હતી. કારગિલ યુદ્ધ
વખતે પણ મંદિર દ્વારા દાન આપવામાં આવ્યું. ભૂકંપ બાદ પૂજ્ય બાપુએ શતાયુથી વધુ વયધારી
ગુરુતુલ્ય પૂજ્ય પ્રયાગદાસજી મહારાજની પણ અખંડ સેવા કરી. બિહારીલાલ મહાદેવ મંદિરને
નાનક્ડી દેરીરૂપ મંદિરમાંથી વિકાસના સર્વોચ્ચ શિખરે પહોંચાડીને ભુજનું તીર્થધામ બનાવનાર
મૌનીબાપુ તા. 18 જુલાઇ, 2024ના બ્રહ્મલીન
થયા હતા.