કોઈ પણ લોકશાહી માટે સમાચાર માધ્યમોની નિષ્પક્ષતા હંમેશાં અનિવાર્ય
રહી છે. આધુનિક સમયમાં સોશિયલ મીડિયાનું ચલણ પણ વધી રહ્યંy છે. પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયાના
નિયમન માટે કાયદાકીય વ્યવસ્થા છે, પણ સોશિયલ
મીડિયાના માધ્યમો મોટાભાગે વિદેશોથી સંચાલિત થતા હોવાથી તેમના નિયમનનું કામ મુશ્કેલ
બની રહે છે. એવા સંખ્યાબંધ પ્રસંગો સામે આવી ચૂક્યા છે, જેમાં
આવા અનિયંત્રિત અને બેજવાબદાર માધ્યોમેએ વિવિધ દેશોમાં અંધાધૂંધી ફેલાવી હોય,
પણ હવે આવા માધ્યમો તેમની મરજી મુજબના કન્ટેન્ટને પ્રાધાન્ય આપીને કે
તેને ડિલિટ કરીને વિરોધને હિંસાનું સ્વરૂપ આપવામાં ભૂમિકા ભજવતા હોવાની ચોંકાવનારી
હકીકતો સામે આવી રહી છે. રાજધાની દિલ્હીમાં કોકરોચ જનતા પાર્ટી (સીજેપી)ના વિરોધ પ્રદર્શન
દરમ્યાન સોશિયલ મીડિયા કંપની મેટાએ નાણાં લઈને
અમુક ખાસ પ્રકારના કન્ટેન્ટને અસમાન્ય રીતે વધુ ફેલાવ્યું હતું, જ્યારે બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંબોધનની રીલના પ્રસારને મર્યાદિત
કરાઈ હતી. સરકાર સ્વાભાવિક રીતે આ હકીકતથી
ચિંતીત બની છે. મેટા કંપનીના ટોચના અધિકારીઓને કડક આદેશ સાથે જવાબ આપવા બોલાવાયા હતા.
કંપનીએ ખુલાસો કર્યો છે અને વડાપ્રધાનના સંબોધનને યુ ટયુબ પર થોડા સમય માટે ગુમ કરી
દેવાયા અંગે માફી પણ માગી છે. જો કે, સરકારે હવે મેટા પાસેથી
આ માધ્યમના નિયંત્રણ સંબંધિત ટેકનિકલ વિગતો રજૂ કરવાની તાકીદ પણ કરી છે. પોતાને અમેરિકાના
કાયદાને આધિન માનતી મેટા જેવી કંપનીઓ સામાન્ય રીતે ભારત જેવા દેશોમાં કન્ટેન્ટના ખેલમાં
પોતે સ્થાનિક કાયદાની પહોંચથી પર હોવાની હવા ઊભી કરતી રહે છે, પણ હવે ભારત જેવા વિશાળ બજારમાં પોતાની ઉપર પ્રતિબંધ લદાયા એમ મેટાને પોષાય
તેમ નથી. એટલા માટે તેના ટોચના અધિકારીઓ તાબડતોબ દિલ્હી આવ્યા અને કેન્દ્રીય માહિતી
ટેક્નોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવને મળીને ખુલાસા કર્યા છે. ભારતના આ ચકચારી કિસ્સા
દરમ્યાન મેટાને બાળ યૌન શોષણને લગતા કન્ટેન્ટ બદલ અમેરિકા સરકારે એક અબજ ડોલર જેટલો
દંડ ફટકાર્યો હોવાના અહેવાલ છે. અમેરિકા સરકારનાં આ પગલાંથી ભારત માટે મેટા સામે કાર્યવાહીને
બળ મળશે. જો કે, હવે વાત વડાપ્રધાન મોદીની માફી માગવાથી પૂરી
થઈ નથી. ભારત સરકારે મેટા પાસેથી આ માધ્યમના સંચાલન માટે ચાવીરૂપ અલ્ગોરીધમ કઈ રીતે
કામ કરે છે ? તેના કન્ટેન્ટનું નિયમન કઈ રીતે થાય છે
? ભારતીય કાયદાના પાલન માટે શું વ્યવસ્થા છે ? ડીપફેક અને બાળકોના યૌન શોષણને લગતા કન્ટેન્ટને રોકવાની શું વ્યવસ્થા છે
? આ સવાલોના જવાબ માગ્યા છે. આવા ઓનલાઈન માધ્યમોમાં કન્ટેન્ટને નિયંત્રિત
કરવાની વ્યવસ્થા માનવીય નહીં પણ અલ્ગોરીધમ દ્વારા થતી હોય છે. કંપનીઓ તેમની મુનસફી
મુજબના અલ્ગોરીધમ તૈયાર કરીને પોતાના પ્લેટફોર્મનું નિયમન તેને હવાલે કરી દેતી હોય
છે. ઉલ્લેખનીય છે કે, ભારતમાં એક વિશાળ વર્ગ આજકાલ સોશિયલ મીડિયાના
મંચને અનુસરે છે. હવે આ લોકપ્રિયતાનો ગેરલાભ આવી બહુરાષ્ટ્રીય કંપનીઓ ઉઠાવવા લાગી છે. ચૂંટણીઓ કે લોકોના વિરોધ જેવા પ્રસંગોએ લોકોને ગેરમાર્ગે
દોરવામાં આવા માધ્યમો હવે સક્રિય ભૂમિકા ભજવતા હોવાની ચોંકાવનારા આરોપો સામે આવતા રહ્યા
છે, પણ તાજેતરના આંદોલન દરમ્યાન નાણાં લઈને મેટાએ કન્ટેન્ટમાં
વહાલા-દવલાની નીતિ અપનાવી હોવાનો સ્વીકાર કરીને આ આરોપો સાચા હોવાનું પ્રથાપિત થઈ ચૂંક્યું
છે, પણ હવે આવા માધ્યમો ભવિષ્યમાં આવી નકારાત્મક ભૂમિકા ભજવવાથી
અળગા રહે તે માટે સરકારે તેના કડક વલણને જાળવી રાખીને પગલાં લેવાની ખાસ જરૂરત છે.