નવી દિલ્હી, તા. 12 : અલ્હાબાદ
હાઈકોર્ટના પૂર્વ ન્યાયમૂર્તિ યશવંત વર્મા સાથે જોડાયેલા રોકડ કાંડમાં તપાસ સમિતિના
અહેવાલમાં મોટો ખુલાસો થયો છે. લોકસભા અધ્યક્ષ દ્વારા રચાયેલી તપાસ સમિતિએ તેમની સામે
લગાવવામાં આવેલા ત્રણેય આરોપને સાચા ગણાવ્યા છે. આજે લોકસભામાં રજૂ થયેલા અહેવાલમાં
તેમને દોષિત ઠેરવવામાં આવ્યા છે. જો કે, અહેવાલમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, આ મામલામાં
કોઈ પ્રકારનાં ષડયંત્રના સંકેતો મળ્યા નથી, હવે સરકાર સંસદના
શિયાળુ સત્રમાં જસ્ટિસ વર્મા વિરુદ્ધ મહાભિયોગની પ્રક્રિયા શરૂ કરે તેવી પૂરી શક્યતા
છે. બીજી તરફ કાયદાકીય નિષ્ણાતોએ કહ્યું હતું કે, હવે ન્યાયાધીશ
સામે એફઆઈઆર પણ નોંધાઈ શકે છે. આ મામલો દિલ્હીમાં ન્યાયમૂર્તિ વર્માનાં સત્તાવાર નિવાસસ્થાનમાંથી
રોકડ રકમ મળી આવવા અને ત્યારબાદ શરૂ થયેલી તપાસ સાથે જોડાયેલો છે. ત્રણ સભ્યની તપાસ
સમિતિએ રોકડની હાજરી, તેની સાથે જોડાયેલા પુરાવાઓની જાળવણી અને
ન્યાયમૂર્તિ વર્મા દ્વારા આપવામાં આવેલાં સ્પષ્ટીકરણ અંગે ગંભીર સવાલો ઊઠાવ્યા છે.
સમિતિએ પોતાના તારણમાં ન્યાયમૂર્તિને દોષિત ગણાવ્યા છે. અહેવાલ અનુસાર, નવી દિલ્હીના 30, તુઘલક ક્રેસન્ટ
સ્થિત સત્તાવાર નિવાસસ્થાનના સ્ટોરરૂમમાંથી મોટી સંખ્યામાં 500ના મૂલ્યની નોટો મળી હતી. સમિતિએ
જણાવ્યું હતું કે ન્યાયમૂર્તિ આ નોટો ત્યાં કેવી રીતે પહોંચી, તેનો સ્ત્રોત શું હતો અને તેની માલિકી કોની
હતી તે સંતોષકારક રીતે સમજાવી શક્યા નહોતા. સ્ટોરરૂમમાં રહેલા ભૌતિક પુરાવાઓને સુરક્ષિત
અથવા સંરક્ષિત રાખવામાં આવ્યા નહોતા. સમિતિએ જણાવ્યું કે કાયદેસર રીતે સીલ કરવામાં
આવે અને સ્થળનું નિરીક્ષણ થાય તે પહેલાં જ સ્ટોરરૂમની સ્થિતિમાં ફેરફાર થઈ ગયો હતો.
ત્યારબાદ રોકડની નોટો પણ ઉપલબ્ધ રહી નહોતી. આ નોટો આખરે ક્યાં ગઈ તે બાબતને પણ સમિતિએ
અસ્પષ્ટ ગણાવી છે. ખાસ કરીને 22 માર્ચ 2025ના જસ્ટિસ વર્મા દ્વારા આપવામાં
આવેલા જવાબ અને ત્યારબાદ અપનાવવામાં આવેલાં વલણને સમિતિએ પરિસ્થિતિને અનુરૂપ સ્પષ્ટ
અને સંતોષકારક ગણ્યું નહોતું. સમિતિએ જણાવ્યું હતું કે તેમના જવાબમાં આ પરિસ્થિતિમાં
અપેક્ષિત સ્પષ્ટતા, પારદર્શિતા
અને સંસ્થાકીય જવાબદારી જોવા મળી નહોતી. સ્વતંત્ર સત્તાવાર સાક્ષીઓ અને અન્ય પુષ્ટિકારક
સામગ્રી સાથે તેમના જવાબની સરખામણી કર્યા બાદ સમિતિએ તેમના જવાબને અસંતોષકારક ગણાવ્યો.