મુંબઈ, તા. 12 : કુર્લા (પશ્ચિમ) વિસ્તારમાં
ચિરાગનગર સ્થિત ગૌસિયા ચાલ પર બુધવારે વહેલી સવારે પહાડનો એક મોટો હિસ્સો ધરાશાયી થયો
હતો. ભારે વરસાદને કારણે થયેલા આ ભૂસ્ખલનમાં અત્યાર સુધીમાં છ લોકોનાં મોત થયા હોવાના
અહેવાલ છે, જ્યારે અનેક લોકો કાટમાળ
નીચે દબાયા હોવાની આશંકા છે. ઘટના બનતાં જ રાહત અને બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું
છે અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મુંબઈ મહાનગરપાલિકા
અનુસાર, આ ઘટનાની જાણ વહેલી સવારે 3:48 વાગ્યે થઈ હતી. દુર્ઘટના સ્થળે ફાયર બ્રિગેડની ટીમ, મુંબઈ પોલીસ, 108 એમ્બ્યુલન્સ, એનડીઆરએફ અને બીએમસીના સ્થાનિક કર્મચારીઓ તાત્કાલિક
પહોંચી ગયા હતા તેમજ કાટમાળ નીચે ફસાયેલા લોકોને શોધવા માટે ખાસ `િવક્ટિમ-ડિટેક્શન કેમેરા'નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેથી ઝડપથી લોકોને બહાર કાઢી શકાય. ડીસીપી ગણેશ શિંદેના જણાવ્યા અનુસાર,
ઘાટકોપર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવતા અશોકનગર અને કુર્લા ક્ષેત્રમાં
મૂશળધાર વરસાદના કારણે જમીન ધસી પડી હતી. બચાવ કામગીરી દરમિયાન શરૂઆતમાં બે મૃતદેહ
બહાર કાઢવામાં આવ્યા હતા અને ઘાયલોને સારવાર અર્થે કુર્લા ભાભા હોસ્પિટલમાં ખસેડવામાં
આવ્યા સ્થાનિક પ્રશાસનના જણાવ્યા મુજબ, હજુ પણ ચારથી આઠ લોકો
કાટમાળ નીચે ફસાયેલા હોવાની શક્યતા છે. ઘટનાસ્થળે તબીબી સેવાઓ અને બચાવ દળ સતત તહેનાત
છે અને ક્રેન તેમજ અન્ય સાધન-સામગ્રી વડે કાટમાળ હટાવવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ
રાખવામાં આવી છે.