સુખપર (તા. ભુજ), તા. 2 : લગભગ 25 હજારની વસતી
ધરાવતાં ભુજ તાલુકાના સુખપર ગામમાં માધવ સ્મૃતિ ટ્રસ્ટ છેલ્લાં 22 વર્ષથી આરએસએસ પ્રેરિત અખિલ
ભારતીય શૈક્ષણિક સંગઠન વિદ્યાભારતી સાથે સંલગ્ન રહીને ગામમાં શૈક્ષણિક કાર્ય ચલાવી
રહ્યું છે અને વર્તમાનમાં આ સંસ્થા સંચાલિત શ્યામ સરસ્વતી શિશુવાટિકા અને વિદ્યામંદિરમાં
450થી વધુ બાળક ખૂબ જ સામાન્ય
ફી સાથે શિક્ષણ મેળવી રહ્યાં છે. ઓસ્ટ્રેલિયા સ્થિત એક દાતાના આર્થિક સહયોગથી માતાજીના
મંદિરના નામ ઉપરથી મા ગાત્રાળ સંસ્કાર કેન્દ્રના નામે આયોજિત એક નાનકડા નામકરણ કાર્યક્રમમાં
અહીંના બાળકોએ પ્રાર્થના, ધૂન,
રાસ ગરબા સહિતના કાર્યક્રમો યોજી
આવડત દેખાડી હતી. તે જોઈને ઉપસ્થિત સૌ ગ્રામજનો અને કોલીવાસના લોકો સહિત સૌએ
આવા લાંબા અને સાતત્યપૂર્ણ પ્રયાસોની સરાહના કરી હતી. વંચિત અને ઉપેક્ષિત વિસ્તારના
શૈક્ષણિક ઉત્થાન માટે દરેક સક્ષમ ધાર્મિક અને સામાજિક સંસ્થાઓ આગળ આવે તે સમયની માંગ
હોવાનું પણ જણાવાયું હતું. આ સંસ્થા દ્વારા ગામના કોલીવાસમાં સ્થાનિકે ગાત્રાળ માતાજીના
મંદિરમાં ગત બે વર્ષથી ગામના અભાવગ્રસ્ત એવાં બાળકો માટે દાતાઓના સહયોગથી નિ:શુલ્ક
રીતે સંસ્કાર કેન્દ્ર પણ ચાલી રહ્યું છે. સામાન્ય મજૂરી કામ સાથે જોડાયેલા આ વિસ્તારના
અશિક્ષિત લોકોમાં વ્યાપ્ત વ્યસનોનું પ્રમાણ નવી પેઢીમાં ન આવે તે માટે નાનપણથી એમને
સંસ્કારી બનાવવાં એ મોટો પડકાર છે. અહીંના બાળકો સરકારી શાળામાં જાય છે, પરંતુ વાલીઓ અભણ હોવાથી બાળક શાળામાં શું શીખે છે તેની કંઈ જ ખબર ન પડે,
પણ માધવ સ્મૃતિ ટ્રસ્ટ દ્વારા જે શિક્ષિકા બહેનો સંસ્કાર કેન્દ્રનું
સંચાલન કરે છે તેઓ અક્ષરજ્ઞાન સાથે શુદ્ધ આચાર, વિચાર અને વ્યવહારને
ધ્યાને લઈને હાથપગ ધોવા, સમયસર વાળ અને નખ કાપવા, તેલ નાખી માથું ઓળવું, ધોયેલા કપડાં પહેરવાં,
પ્રાર્થના, ગીત, શ્લોક અને
ભજન ગાવાં, તિલક કરવા સહિતના સંસ્કારો પણ આપવામાં આવે છે. જેની
ધીમે-ધીમે બાળકો પર સકારાત્મક અસર થઈ રહી છે. આ કાર્યક્રમમાં સૌ ટ્રસ્ટીગણ ઉપરાંત ભુજ
તા. પં. પ્રમુખ લક્ષ્મીબેન ખેતાણી, મંદિરના પૂજારી ધનજીભાઈ કોલી
અને ગામના અન્ય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હોવાનું સંસ્થાના પ્રમુખ કાનજીભાઈ વેકરિયાની
યાદીમાં જણાવાયું હતું.