ભુજ, તા. 28 : કચ્છમાં વરસાદના વિરામ વચ્ચે
છેલ્લા બે દિવસથી ધૂપ-છાંવનો માહોલ જિલ્લામાં છવાયેલો જોવા મળી રહ્યો છે. વાદળો અને
તડકો જાણે કે સંતાકૂકડી રમી રહ્યા હોય તેવો નજારો હાલમાં દેખાઇ રહ્યો છે. વરસાદના વિરામ
સાથે મહત્તમ પારો ઊંચકાતાં ઉકળાટ વધ્યો છે. ભુજમાં 34, તો કંડલા (એ.)માં 34.2 ડિગ્રી મહત્તમ તાપમાને લોકોએ ગરમીનો અનુભવ કર્યો હતો. હવામાન
વિભાગે જિલ્લામાં હળવા - મધ્યમ વરસાદની આગાહી યથાવત્ રાખી છે. 31 જુલાઇ બાદ વરસાદનો વિસ્તાર
અને તીવ્રતા વધે તેવું અનુમાન વ્યક્ત કરાયું છે. બંગાળની ખાડીમાં સર્જાયેલું ડીપ ડિપ્રેશન
ગુજરાત તરફ આવી રહ્યું છે, જેની અસર હેઠળ
કચ્છમાં પણ વરસાદનો એક સારો રાઉન્ડ આવી શકે છે. હાલ તો કચ્છની આશા વરસાદના આ રાઉન્ડ
પર મંડરાયેલી જોવા મળી રહી છે. નલિયાના અહેવાલ અનુસાર અબડાસા તાલુકામાં હજુ જોઇએ તેવો
વરસાદ ન પડતાં ખેડૂતો અને માલધારીઓમાં ચિંતા જોવા મળી રહી છે. જખૌ બંદરના કિનારે અરબસાગર
પરથી જળ ભરીને આવતાં કાળા ડિબાંગ વાદળો પસાર થતાં જોઇ શકાય છે, પણ મેઘરાજા વરસવામાં હાથતાળી આપી જાય છે.