• સોમવાર, 27 જુલાઈ, 2026

રામનાં નામે રાજકારણ બંધ કરો : નેતાઓને સુપ્રીમ અનુરોધ

સંસદના વર્ષાસત્રના પ્રથમ દિવસે જ્યારે વિપક્ષોએ અયોધ્યાનાં રામમંદિરને મળેલી ભેટની ચોરીનો મુદ્દો ઉઠાવીને ધાંધલ મચાવી ત્યારે આ મુદ્દા ઉપર રાજકારણ નહીં કરવાનો સુપ્રીમ કોર્ટના અનુરોધની અવગણના જ થઈ રહી હતી. અયોધ્યામાં દેવદ્રવ્યની ચોરી  થઈ તે પછી રામ જન્મભૂમિ ટ્રસ્ટ અને રાજ્ય સરકારે જરૂરી તપાસ માટે વિશેષ સમિતિની નિમણૂક કરી હતી તેની કાર્યવાહી પણ હવે પૂરી થઈ છે અને અહેવાલ સુપરત પણ થયો છે, પણ આ દરમિયાન સુપ્રીમ કોર્ટને ઢગલાબંધ અરજીઓ મળી છે કે, તપાસમાં દરમિયાનગીરી કરો. આવી અરજીઓ પાછળ એક જ કારણ હતું કે, રાજ્ય સરકારની તપાસ ઉપર ભરોસો નથી ? રાજ્ય સરકારે તપાસ સમિતિ ગઠિત કરી અને તેની કાર્યવાહી શરૂ થઈ, ત્યારે પણ રાજકીય વિરોધી નેતાઓએ આક્ષેપો જારી રાખ્યા કે, `મોટા અપરાધીઓને છાવરવા, બચાવવા માટે તપાસ સમિતિ નીમવામાં આવી છે ! રાજકારણ પ્રેરિત આવા આક્ષેપ - થતા રહ્યા કારણ કે, વિરોધીઓનો વ્યૂહ ચોરી પકડાયા પછી પણ ટ્રસ્ટને બદનામ કરવાનો હતો, અને છે!' આખરે શ્રીરામનું નામ બદનામ કરવાનો આશય હોય તે દેખીતું છે. સુપ્રીમ કોર્ટે તપાસમાં દરમિયાનગીરી કરવાની માગણીના અરજદારોને અનુરોધ કર્યો છે કે, `રાજકારણ - રાજરમત રમવાની જરૂર નથી, બંધ કરો.' પણ રાજકારણ બંધ થવાની આશા રાખવી વ્યર્થ છે કારણ કે, વિપક્ષો હવે રામનું નામ બચાવવા`ના' નામે બદનામ કરીને ચૂંટણીમાં ફાયદો ઉઠાવવા માગે છે. ભાજપે ભવ્ય શ્રીરામમંદિર નિર્માણનું વચન પાળી બતાવ્યું તેથી હિન્દુ મત મળ્યા તે વિશે શંકા કે પ્રશ્ન નથી, પણ હવે સેક્યુલરવાદીઓ ચોરી તથા તપાસમાં અવિશ્વાસ વ્યક્ત કરીને - શ્રીરામમાં જ અવિશ્વાસ ફેલાવવા માગે છે તેથી જ સડક પછી સંસદમાં પણ આ મુદ્દો ઉઠાવાઈ રહ્યો છે ! રામનું નામ લેનારાઓને દુશ્મન ગણાવનારા નેતાઓ હવે રામનામની ધૂન લગાવી રહ્યા છે ! રામને `બચાવવા' નીકળ્યા છે! આ દરમિયાન ઉત્તરપ્રદેશ સરકારે નીમેલી તપાસ સમિતિનો અહેવાલ આવી ગયો છે, તેનો અભ્યાસ કરીને સુપ્રીમ કોર્ટના ત્રણ ન્યાયમૂર્તિઓની બેંચ 27મી જુલાઈએ જરૂરી સૂચના આપશે. કોર્ટે સોલિસીટર જનરલને પૂછ્યું હતું કે, જે તપાસ સમિતિએ તપાસ કરી તેના દ્વારા જ પ્રથમદર્શી માહિતીના રિપોર્ટની તપાસ થઈ રહી છે? ત્યારે તુષાર મહેતાએ કહ્યું કે, હવે જે તપાસ થઈ રહી છે તે પોલીસ સુપરિન્ટેન્ડેન્ટની દેખરેખ હેઠળ પોલીસ દ્વારા થઈ રહી છે. આ તબક્કે સુપ્રીમ કોર્ટે વિશેષ તપાસ સમિતિની જરૂર ઉપર ભાર મૂકીને કહ્યું છે કે, જે સમિતિએ એફઆઇઆર નોંધાયા પહેલાં તપાસ કરી હતી તેને હવે જવાબદારી સોંપવી જોઈએ, સ્થાનિક પોલીસને નહીં, કારણ કે શરૂઆતથી જે અફસરે તપાસ કરી હોય તેઓ જ વધુ માહિતગાર હોય. આવી તપાસ સમિતિ નીમાય ત્યાં સુધીમાં પ્રથમ અહેવાલનો અભ્યાસ કરીને કોર્ટ નક્કી કરશે કે, વધુ સૂચના આપવાની જરૂર છે કે નહીં. આ દરમિયાન રાજ્ય સરકાર ફરીથી વિશેષ તપાસ સમિતિ દાનચોરીના કેસમાં તપાસ કરાવશે. આ સમિતિ અત્યારે પોલીસ દ્વારા તપાસ થઈ રહી છે તેના ઉપર દેખરેખ રાખશે. સુપ્રીમ કોર્ટ કોઈ અલગ તપાસ સમિતિ હાલના તબક્કે નહીં નીમે. 

Panchang

dd