• બુધવાર, 29 જુલાઈ, 2026

લંકા સામેની ટેસ્ટ ટીમમાં સારાંશ જૈન સામેલ

મુંબઇ, તા. 28 : ભારતીય ટેસ્ટ ટીમમાં 33 વર્ષના ઓફ સ્પિનર સારાંશ જૈનને પહેલીવાર તક મળી છે. શ્રીલંકા વિરુદ્ધ ઓગસ્ટમાં રમાનારી બે ટેસ્ટની ટીમ બીસીસીઆઇ દ્વારા આજે જાહેર થઇ છે, જેમાં 33 વર્ષીય સારાંશ જૈનનો સમાવેશ કરાયો છે. આ ઉપરાંત રવીન્દ્ર જાડેજા અને જસપ્રિત બુમરાહનું પુનરાગમન થયું છે. બુમરાહ ફિટનેસ ટેસ્ટ ક્લિયર કરશે પછી જ ટીમ સાથે જોડાશે. સ્નાયુ ખેંચાઇ જવાની ઇજાને લીધે વોશિંગ્ટન સુંદર પહેલી ટેસ્ટ માટે ઉપલબ્ધ રહેશે નહીં. વોશિંગ્ટનની ઇજાને લીધે સારાંશ જૈન માટે ટીમનો રસ્તો ખુલ્યો હતો. તેણે હાલમાં જ શ્રીલંકા પ્રવાસમાં ભારત એ ટીમ તરફથી ચાર દિવસીય મેચમાં અણનમ 70 રન કર્યા હતા અને સાત વિકેટ લીધી હતી. સાઇ સુદર્શનનો પણ ફિટનેસ કલીયરન્સની શરતે ટીમમાં સમાવેશ કરાયો છે. તેણે શ્રીલંકા પ્રવાસમાં ઈન્ડિયા એ ટીમ તરફથી બે સદી કરી હતી. દેવદત્ત પડીક્કલ ટેસ્ટ ટીમમાં ટકી રહ્યો છે. બુમરાહ સાથે ઝડપી બોલિંગ મોરચે મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા અને અનકેપ્ડ ગુરુનર બ્રાર છે. અફઘાનિસ્તાન સામેની ટેસ્ટમાં પદાર્પણ સાથે સાત વિકેટ લેનારો સ્પિનર માનવ સુથાર ટીમમાં છે. જાડેજાની વાપસીથી હર્ષ દુબેને જગ્યા મળી નથી. ભારત-શ્રીલંકા વચ્ચે પહેલી ટેસ્ટ 1પ ઓગસ્ટથી ગોલમાં અને બીજી ટેસ્ટ 23 ઓગસ્ટથી કોલંબોમાં રમાશે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ફાઇનલ મુકાબલાની રેસમાં ટકી રહેવા બન્ને ટીમ માટે આ શ્રેણી ઘણી  મહત્ત્વની છે. ભારતીય ટેસ્ટ ટીમ : શુભમન ગિલ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ (વાઇસ કેપ્ટન), સાઇ સુદર્શન, રિષભ પંત (વિકેટકીપર), ધ્રુવ જુરેલ (વિકેટકીપર), દેવદત્ત પડીક્કલ, રવીન્દ્ર જાડેજા, સારાંશ જૈન, કુલદીપ યાદવ, માનવ સુથાર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા અને ગુરનૂર બ્રાર. 

Panchang

dd