નવી દિલ્હી, તા. 28 : દિવસો સુધી
ચાલેલી મડાગાંઠ બાદ અંતે આજે લોકસભામાં પેપર લીક વિરોધી સુધારા ખરડા પર ચર્ચા શરૂ થઈ
શકી હતી. રાત્રે 11 વાગ્યા સુધી
ચાલેલી ચર્ચામાં એક તરફ સરકારે આ બિલને વિદ્યાર્થીઓનાં હિત માટે પોતાની પ્રતિબદ્ધતા
સમાન ગણાવ્યું હતું, તો બીજી તરફ
વિપક્ષોએ દેખાવકારો પર લાઠીચાર્જ મુદ્દે સરકાર પર પ્રહારો કર્યા હતા. ચર્ચા સ્થગિત
થયા બાદ બુધવારે સવારે સંસદ કાર્યવાહી આગળ વધારશે. પીએમોના રાજ્ય કક્ષાના કેન્દ્રીય
મંત્રી જિતેન્દ્રસિંહે આ સુધારા ખરડો રજૂ કરતાં જણાવ્યું હતું કે, આ સંશોધનોથી કાયદો વધુ કડક બનશે. બીજી તરફ કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ કહ્યું
હતું કે, યુવા પ્રદર્શનકારો પર લાઠીચાર્જથી સરકારની પ્રતિષ્ઠા
ઝંખવાય છે. આવતીકાલે લોકસભામાં વિરોધ પક્ષ નેતા રાહુલ ગાંધી ચર્ચામાં ભાગ લેશે. દરમ્યાન
બિલ્કિશ બાનો કેસમાં દોષિતોની મુક્તિ વિશે આપેલાં એક જૂનાં નિવેદનને કારણે દેશના નવા
શિક્ષણમંત્રી પ્રહલાદ જોશી વિપક્ષના નિશાન ઉપર આવી ગયા છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી
અને પ્રિયંકા ગાંધી વાડરા બન્નેએ આ મુદ્દે કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી
પર આકરા પ્રહારો કર્યા હતા. રાહુલ ગાંધીએ સંસદની
બહાર પત્રકારો સાથે વાતચીત દરમિયાન પ્રહલાદ જોશીને નવા શિક્ષણમંત્રી બનાવવાના નિર્ણય
સામે ભારે નારાજગી વ્યક્ત કરી હતી. બીજી તરફ, પ્રિયંકા ગાંધીએ
પણ સંસદમાં આ નિર્ણયને લઈને વડાપ્રધાન પર સવાલો ઉઠાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે,
બિલ્કિશ બાનો કેસમાં દોષિતોની મુક્તિના સમયે પ્રહલાદ જોશીએ કહ્યું હતું
કે, મને તેમાં કંઈ ખોટું લાગતું નથી, કારણ
કે, આ કાયદાકીય પ્રક્રિયાનો એક ભાગ છે. મંત્રીએ દલીલ કરી હતી
કે, લાંબો સમય જેલમાં રહેલા દોષિતોની મુક્તિ માટે કાયદામાં જોગવાઈઓ
ઉપલબ્ધ છે. પ્રહલાદ જોશીને શિક્ષણમંત્રી બનાવવાના
નિર્ણયનો વિરોધ કરતાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, આટલા બધા
યુવાનો શિક્ષણ વ્યવસ્થાને લઈને વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા અને ઘણી યુવતીઓ પણ પ્રદર્શન
કરી રહી હતી. તેમને માર મારવામાં આવ્યો. ભાજપે એવી વ્યક્તિને બેસાડી છે, જે બળાત્કારીઓના રક્ષક છે, જે સૌથી ખરાબ વ્યક્તિ છે.
કોંગ્રેસ નેતાએ આગળ કહ્યું હતું કે, જે વ્યક્તિ એવું
કહે કે, બળાત્કારીઓને સુરક્ષાની જરૂર છે, તેનાથી વધુ ખરાબ કોઈ હોઈ શકે નહીં. આ ભારતના શિક્ષણમંત્રી છે. આ આશ્ચર્યજનક
બાબત છે. વડાપ્રધાનના મંત્રીમંડળમાં ઘણા લોકો હતા અને તેઓ કોઈને પણ પસંદ કરી શકતા હોત,
પરંતુ તેમણે એવી વ્યક્તિની પસંદગી કરી જે બળાત્કારીઓને રક્ષણ આપે છે.
આ ખૂબ જ ચોંકાવનારું છે. પ્રિયંકા ગાંધીએ પણ સંસદમાં પ્રહલાદ જોશીને શિક્ષણમંત્રી બનાવવાના
નિર્ણય સામે વાંધો વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, વડાપ્રધાને
નવા શિક્ષણમંત્રીની પસંદગી કરી અને એવી વ્યક્તિને સત્તા સોંપી છે, જેમણે એક ગર્ભવતી મહિલાના બળાત્કારીઓની મુક્તિને સમર્થન આપ્યું હતું. દેશની
કરોડો દીકરીઓને વડાપ્રધાને શું સંદેશ આપ્યો છે ? વડાપ્રધાને પોતાના
સલાહકારો બદલી નાખવા જોઈએ એમ પ્રિયંકાએ ઉમેર્યું હતું. ઉલ્લેખનીય છે કે, નીટ પેપર લીકના વિરોધ વચ્ચે વિપક્ષની માંગ બાદ ધર્મેન્દ્ર પ્રધાને શિક્ષણમંત્રી
પદેથી રાજીનામું આપ્યું હતું. 25 જુલાઈએ તેમનાં રાજીનામાં બાદ કેન્દ્ર સરકારે પ્રહલાદ જોશીને
શિક્ષણ મંત્રાલયનો કાર્યભાર સોંપ્યો છે.