ભુજ, તા. 28 : કચ્છમાં છેલ્લા કેટલાક સમયથી
રોડ અકસ્માતોમાં બબોઈ, વેજુ,
કાચબા, શિયાળ, તીતર,
શેળો, બૂલબૂલ, સાહુડી તેમજ
બિનઝેરી સાપ સહિત અનેક વન્યજીવોનાં મૃત્યુની સંખ્યામાં સતત વધારો થતાં પર્યાવરણપ્રેમીઓમાં
ચિંતા ફેલાઈ છે. વાહનોનું વધતું જતું પ્રમાણ, ખાસ કરીને ઔદ્યોગિકીકરણના
કારણે પરિવહન માટે દિવસ-રાત દોડતાં ભારે વાહનો, વધુ ઝડપ અને જાગૃતિના
અભાવને કારણે અનેક નિર્દોષ વન્યજીવો અકસ્માતનો ભોગ બની રહ્યા છે. આ સ્થિતિ માત્ર વન્યજીવો
માટે જ નહીં, પરંતુ કચ્છની સમૃદ્ધ જૈવવિવિધતા માટે પણ ગંભીર ચિંતાનો
વિષય બની છે. માર્ચ-2026થી સામાજિક કાર્યકર અને પર્યાવરણપ્રેમી
મહેન્દ્ર ભાનાણી દ્વારા રોડ અકસ્માતમાં મૃત્યુ પામેલા વન્યજીવોનું ઋઙજ લોકેશન સાથે
ફોટોગ્રાફિક દસ્તાવેજીકરણ કરવામાં આવી રહ્યું છે. એકત્રિત થયેલા આંકડાઓ દર્શાવે છે
કે, કચ્છના કેટલાક માર્ગો પર વારંવાર અકસ્માતો થતા
હોવાથી તે વિસ્તારો હવે `રોડ કિલ હોટસ્પોટ' તરીકે ઊભરી રહ્યા છે. નિરીક્ષણ દરમિયાન બબોઈ,
વેજુ, કાચબા, શિયાળ,
તીતર, શેળો, બૂલબૂલ,
સાહુડી તેમજ બિનઝેરી સાપ સહિત અનેક વન્યજીવો મૃત હાલતમાં જોવા મળ્યા
હતા. ખાસ કરીને સાપ અંગે સમાજમાં રહેલી ગેરસમજ ચિંતાજનક છે. મોટાભાગના લોકો દરેક સાપને
ઝેરી માની લે છે, જ્યારે હકીકતમાં મોટાભાગના સાપ બિનઝેરી હોય
છે અને ઉંદર જેવા નુકસાનકારક જીવાતોનું નિયંત્રણ કરીને ખેતી અને પર્યાવરણ માટે અત્યંત
ઉપયોગી સાબિત થાય છે. ખેતીના વિસ્તારોમાં ઢુવા, ઝાડીઓ અને કુદરતી
વનસ્પતિ સતત દૂર થવાને કારણે વન્યજીવોના રહેઠાણ અને ખોરાકના સ્ત્રોત ઘટી રહ્યા છે.
પરિણામે તેઓ ખોરાક, પાણી અને આશ્રયની શોધમાં રસ્તા ઓળંગવા મજબૂર
બને છે અને વાહનોની અડફેટે ચડી મૃત્યુ પામે છે. ચિંતાજનક બાબત એ પણ છે કે, રોડ પર મૃત્યુ પામેલા વન્યજીવોને ખાવા માટે ઘો, શિયાળ
અને અન્ય માંસાહારી પ્રાણીઓ આવે છે, જેના કારણે તેઓ પણ અકસ્માતનો
ભોગ બને છે. જો આવા મૃત વન્યજીવોને સમયસર રોડ પરથી હટાવીને સલામત સ્થળે ખસેડવામાં આવે,
તો અનેક અન્ય વન્યજીવોના જીવ બચાવી શકાય. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને
વન વિભાગ, માર્ગ અને મકાન વિભાગ, સ્થાનિક
તંત્ર, CSR હેઠળ કાર્યરત કંપનીઓ તથા સામાજિક
સંસ્થાઓએ સંયુક્ત પ્રયાસો કરવાની તાતી જરૂર છે. સંવેદનશીલ વિસ્તારોમાં વન્યજીવ ચેતવણીના
બોર્ડ, સ્પીડ લિમિટનું કડક પાલન, રાત્રિના સમયે વિશેષ મોનિટારિંગ, રોડ કિલ હોટસ્પોટનું
વૈજ્ઞાનિક સર્વેક્ષણ, વાઇલ્ડલાઇફ ક્રોસિંગની વ્યવસ્થા તથા વ્યાપક
જનજાગૃતિ અભિયાન જેવાં પગલાં હવે સમયની માંગ બની ગયાં છે.