• બુધવાર, 29 જુલાઈ, 2026

ધાણેટીના અંડરપાસ માટે 35.65 કરોડ મંજૂર કરાયા

રતનાલ, તા. 28 :  જિલ્લાના ભુજ તાલુકાના સમૃદ્ધ અને ઔદ્યોગિક રીતે ઉભરી રહેલાં ધાણેટી ગામના સર્વાંગી વિકાસ અને ગ્રામજનોની વર્ષો જૂની ટ્રાફિક સહિતની સમસ્યાઓના કાયમી ઉકેલ માટે અને ભવિષ્યને ધ્યાનમાં રાખીને  રાજ્ય સરકાર દ્વારા અંડરબ્રિજનાં નિર્માણ માટે 35.65 કરોડ મંજૂર કરાયા છે. રાજ્યમંત્રી દ્વારા આ માટે સક્રીય પ્રયાસ હાથ ધરાયા હતા. આ અંગે મળતી વિગતો મુજબ  ગામના ધંધા, રોજગાર, ઉદ્યોગો,ચાઈનક્લે વ્યવસાય, ટ્રક ટ્રાન્સપોર્ટ વ્યવસાય અને ભવિષ્યની જરૂરિયાતોને  ધ્યાનમાં રાખીને ધાણેટી ગ્રામ પંચાયત દ્વારા અને ગ્રામના સર્વે સમાજને સાથે રાખીને રજૂઆત કરાઈ હતી. માત્ર એક વર્ષના ટૂંકા ગાળામાં આ રજૂઆત ફળદાયી બની છે. ધાણેટી વિસ્તારમાં સતત વધતી વાહનવ્યવહારની ગતિ અને હાઇવે પરથી પસાર થતા ગ્રામજનો, ખેડૂતો, પશુપાલકો તથા શાળાએ જતાં બાળકોની સુરક્ષા માટે અંડરપાસ અત્યંત જરૂરી હતો. ધાણેટી ગ્રામ પંચાયત પરિવાર અને ગ્રામજનો દ્વારા સતત રજૂઆત  કરાઈ હતી.  રાજ્યના ઉચ્ચ ટેકનિકલ  શિક્ષણ મંત્રી અને અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાએ અંગત રસ દાખવીને આ કામગીરીને મંજૂર કરાવી છે. આ મંજૂર થયેલાં વિકાસકામોમાં ધાણેટી ગ્રામ પંચાયતની રજૂઆત અન્વયે રામકૃષ્ણ નગર ધાણેટી ખાતે 17.50 કરોડના ખર્ચે  વ્હીકલ અંડરપાસ તેમજ ભુજ-ભચાઉ હાઇસ્પીડ કોરિડોર પર ધાણેટી બસ સ્ટેશન ખાતે 18.15 કરોડના બજેટ સાથે લાઈટ વ્હીકલ અંડરપાસ  અને બંને બાજુ સ્લિપ રોડ નિર્માણની કામગીરીનો સમાવેશ થાય છે. લોકહિત અને ગ્રામીણ સુવિધા માટે રાજ્યમંત્રીએ  વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને  પણ વાકેફ કર્યા હતા. ધાણેટી સરપંચ, ઉપસરપંચ તથા ગ્રામ પંચાયતના સભ્યો અને ગામના સર્વે સમાજના આગેવાનો દ્વારા  રાજ્યમંત્રી  પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરાઈ હતી. ગામના આગેવાનોએ આ ઐતિહાસિક ભેટ મળી હોવાનું ઉમેર્યું હતું. - ગ્રામજનોમાં ઉત્સાહ, ઉદ્યોગકારોએ નિર્ણયને આવકાર્યો : રતનાલ, તા. 28 : ધાણેટીની સમસ્યા ઉકેલવા માટેના પ્રકલ્પ માટે બજેટની મંજૂરી મળતાં જ ધાણેટી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકોમાં આનંદનો માહોલ છવાયો છે. સ્થાનિક ધંધા-રોજગાર સાથે જોડાયેલા વેપારીઓ અને ઉદ્યોગકારોએ પણ આ નિર્ણયને આવકારી જણાવ્યુ હતું કે, હાઇસ્પીડ કોરિડોર પર અંડરપાસ અને સ્લિપ રોડ બનવાથી અકસ્માતોનું પ્રમાણ નહિવત થઈ જશે અને માલસામાન તથા મુસાફરોના આવાગમનમાં સમયની મોટી બચત થશે.  

Panchang

dd