• બુધવાર, 29 જુલાઈ, 2026

દોઢ મહિનામાં 1800થી વધુ ઓનલાઈન ફરિયાદ

ગાંધીધામ, તા. 28 : ગાંધીધામ - આદિપુર જોડિયા શહેરો સહિત કોર્પોરેશનના 188 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં મુશ્કેલીઓ ઓછી થવાના બદલે સમસ્યાઓ વધી છે. લગભગ દોઢ મહિનામાં 1800થી વધુ ઓનલાઇન ફરિયાદ આવી છે અને 800થી વધુ જનસુવિધા કેન્દ્રમાં ફરિયાદો આવી છે. જમીન ઉપર કામગીરી કરીને સમસ્યાઓનું સમાધાન કરવાના બદલે અલગ-અલગ વિભાગો ઓફિસમાં બેઠા-બેઠા કોમ્પ્યુટર ઉપર ફરિયાદો સોલ્વ બતાવતા હોવાથી લોકોમાં આક્રોશ ફેલાયો છે. ગાંધીધામ-આદિપુર જોડિયા શહેરોમાં વ્યાપક સમસ્યાઓ છે. રોડ-રસ્તા ઉપર ખાડાઓ છે. વરસાદી પાણી ભરાય છે, સ્ટ્રીટલાઈટની યોગ્ય સુવિધાનો અભાવ છે, સફાઈ નિયમિત થતી નથી, પરિણામે ગંદકી ફેલાયેલી છે, ગટર ચેમ્બરમાંથી ઊભરાઈને દૂષિત પાણી રોડ ઉપર ફરી વળે છે. પીવાનું પાણી નિયમિત મળતું નથી. આ સહિતની વ્યાપક અને ગંભીર સમસ્યાઓ છે, પરંતુ તંત્રના ઉચ્ચ અધિકારીઓ અને એન્જિનીયરોને તેના રૂપકડા વિકાસનાં ચશ્માંમાંથી લોકોને કનડતી સમસ્યાઓ દેખાતી નથી. પરિણામે જોડિયા શહેરોના ચાર લાખ લોકોને મુસીબતનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઉપરાંત મહાનગરપાલિકામાં સમાવેશ થયેલા કિડાણા, ભારાપર ગળપાદર, શિણાય, અંતરજાળ, મેઘપર કુંભારડી તથા મેઘપર બોરીચી, પડાણા ખારીરોહર, ચુડવા તથા મીઠીરોહર સહિતના ગ્રામીણ વિસ્તારમાં વ્યાપક સમસ્યાઓ છે, પરંતુ ગામડાંઓ ઉપર ધ્યાન અપાતું નથી. કરોડો રૂપિયાની ગ્રાન્ટો વિસ્તારના વિકાસ માટે અપાય છે તેના થકીથી લોકોની સમસ્યાઓ હલ કરવાની છે, પરંતુ આવું થતું ન હોવાનું જાણકારો જણાવી રહ્યા છે.  હાલના સમયમાં સૌથી વધુ ફરિયાદો રોડ-રસ્તાની છે, બાંધકામ વિભાગને લગતી વ્યાપક ફરિયાદો છે, દોઢ મહિના દરમિયાન 1800થી વધુ ઓનલાઇન ફરિયાદ આવી છે, તેમાં લગભગ બધા વિભાગોની ફરિયાદો છે. આ વિભાગીય વડાઓએ તેમના કર્મચારીઓ સાથે સ્થળ ઉપર જઈને સમસ્યાઓનું સમાધાન લાવવાનું છે, પણ આવું થતું નથી.  ઓફિસમાં બેઠા-બેઠા કોમ્પ્યુટર ઉપર ઓનલાઇન ફરિયાદોનો નિકાલ દર્શાવવામાં આવી રહ્યો છે. આદિપુર-ગાંધીધામના અનેક નાગરિકોએ આ બાબતે આક્રોશ વ્યક્ત કર્યો છે. ગુજરાત સરકારના ઉચ્ચ અધિકારીઓની વીસી હોય છે, ત્યારે મહાનગરપાલિકાના અધિકારીઓને ફરિયાદોનો નિકાલ યાદ આવે છે અન્યથા ઉચ્ચ અધિકારીઓ આ બાબતે કોઈ ધ્યાન આપતા નથી, તેનું પરિણામ લોકોને ભોગવવું પડી રહ્યું છે. ઓનલાઇન ફરિયાદો હલ થતી નથી, એટલે લોકો પગરખા ઘસીને મહાનગરપાલિકાની મુખ્ય કચેરીએ ધક્કા ખાય છે અને ફરિયાદ બૂકમાં ફરિયાદ નોંધાવે છે, તેમ છતાં તેનો કોઈ નિકાલ આવતો નથી. - ખાડા પૂરવા માટે પાલિકા પાસે બજેટ નથી ! : અલગ - અલગ વિસ્તારમાંથી લોકો ખાડાઓ પૂરવા માટે ઓનલાઇન ફરિયાદ કરે છે, ત્યારે પાલિકાનો સૌથી બુદ્ધિશાળી વિભાગ એટલે આઉટસોર્સિંગથી ભરતી થયેલા ઈજનેરોના આ વિભાગ દ્વારા ખાડા પૂરવા માટે બજેટ નથી. બજેટ આવશે પછી ખાડા પૂરવામાં આવશે તેવા જવાબો આપવામાં આવી રહ્યા છે. નવો રસ્તો બનાવવાનો નથી, રિ- સર્ફાસિંગની કામગીરી કરવા માટે લોકો કહેતા નથી, માત્ર ખાડા પૂરવા માટે કહે છે અને તેમાં આવા જવાબો આપવામાં આવતાં નાગરિકોમાં આક્રોશ ફેલાયો છે. - મેઘપર બોરીચી પ્રત્યે ઓરમાયું વર્તનના આક્ષેપો : મહાનગરપાલિકામાં સમાવેશ થયેલા મેઘપર બોરીચીમાં વ્યાપક સમસ્યાઓ છે. લોકો ફરિયાદો કરે છે, સમસ્યાનું સમાધાન આવતું નથી.  તંત્ર મેઘપર બોરીચી પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરતું નથી, ઓરમાયું વર્તન કરવામાં આવતું હોવાના આક્ષેપો આ ગામના લોકો કરી રહ્યા છે. મહાનગરપાલિકાની એપ ઉપર લોકો ફરિયાદ કરે છે, પરંતુ પરિણામ મળતું નથી.    

Panchang

dd