• ગુરુવાર, 30 જુલાઈ, 2026

ધાર્મિક કાર્યક્રમો થકી એકતા-આધ્યાત્મિક જાગૃતિનું નિર્માણ

અંજાર, તા. 28 : જિલ્લાના રાપર તાલુકાના રવ વાગડનાં પ્રસિદ્ધ યાત્રાધામ કુળદેવી  રવેચી માતાજીનાં  મંદિરે  આગામી 27 માર્ચ, 2027થી સમગ્ર વિશ્વમાં  જાણીતા ભાગવતાચાર્યનાં વ્યાસાસનેથી ભાગવત કથાનું આયોજન કરવામા આવ્યું છે.  આ સમગ્ર ધાર્મિક મહોત્સવનું રવેચી માતાજી મંદિર પરિવાર દ્વારા શ્રદ્ધા, ભક્તિ અને સેવાભાવ સાથે હાથ ધરવામાં આવશે. આયોજન માટે  તેમજ ભાગવતાચાર્ય  ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના આશીર્વાદ અને માર્ગદર્શન મેળવવા માટે આહીર સમાજના અગ્રણી અને ઉદ્યોગપતિ બાબુભાઈ હુંબલની આગેવાની તળે  વિવિધ સમાજના લોકોએ પોરબંદર સ્થિત સાંદીપનિ આશ્રમ ખાતે  મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન ભાગવત સપ્તાહનાં આયોજન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ભાગવતાચાર્યએ  સમગ્ર આયોજન અંગે માર્ગદર્શન આપતાં જણાવ્યું કે, ધાર્મિક કાર્યક્રમો સમાજમાં સંસ્કાર, એકતા, ધર્મ, પ્રચાર અને આધ્યાત્મિક જાગૃતિનું નિર્માણ કરે છે તેમજ સમાજમાં સદાચાર, આધ્યાત્મિક જાગૃતિ અને માનવમૂલ્યોનું સિંચન કરતું દિવ્ય માધ્યમ શ્રીમદ્ ભાગવત છે.  તેમણે આ સમગ્ર આયોજન ભવ્ય સફળતા પ્રાપ્ત કરે અને હજારો ભાવિકો માટે આધ્યાત્મિક પ્રેરણાનું કેન્દ્ર બને તેવાં આશીર્વાદ પાઠવ્યાં હતાં. આ પ્રસંગે રવેચી માતાજી મંદિરના મહંત હિરાગિરિ બાપુ સહિત સમાજના વિવિધ અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત આગેવાનોએ આ આયોજનને સમાજ માટે ગૌરવરૂપ ગણાવી તેને સફળ બનાવવા સર્વાંગી સહયોગ આપવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. શ્રીમદ્ ભાગવત સપ્તાહ દરમિયાન ધર્મપ્રેમી ભાવિકોને  ભાઈશ્રી રમેશભાઈ ઓઝાનાં  વ્યાસાસનેથી શ્રીમદ્ ભાગવતના રસપાનનો  લાભ પ્રાપ્ત થશે. આ ભાગવત સપ્તાહમાં કચ્છ સહિત ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી હજારોની સંખ્યામાં ધર્મપ્રેમી ભાવિકો ઊમટી પડશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. - ધાર્મિક મહોત્સવ સમાજ એકતાનું  અનોખું કેન્દ્ર બનશે : અંજાર, તા. 28 : આ ધાર્મિક મહોત્સવ ભક્તિ, સંસ્કાર, આધ્યાત્મિક ચિંતન અને સામાજિક એકતાનું અનોખું કેન્દ્ર બનશે તેવી લાગણી આયોજકો દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી. રવેચી માતાજીના પાવન ધામમાં યોજાનાર આ  કથાનું આયોજન ભક્તિ, સંસ્કૃતિ અને ભારતીય આધ્યાત્મિક પરંપરાના ભવ્ય ઉત્સવરૂપે ઉજવાશે તેવું બાબુભાઈ હુંબલે જણાવ્યું હતું.   

Panchang

dd