ગાંધીધામ, તા. 28 : દેશના તમામ મહાબંદરોમાં પ્રથમ
એવા દીનદયાલ પોર્ટ ઓથોરિટી દ્વારા સશત્ર સેના
ધ્વજદિન ભંડોળમાં માતબર રકમનો સહયોગ આપવામાં આવ્યો હતો. યુદ્ધ હોય કે શાંતિ
દેશની સશત્ર સેનાઓ દેશની સેવામાં પોતાનું યોગદાન આપે છે. આપણી ભારતીય સેના દેશના સીમાડાઓની
સુરક્ષા કરતાં-કરતાં હસતા મુખે શહાદત વહોરી લે છે અને દેશની આંતરિક કુદરતી કે બિનકુદરતી
આપદાઓની ઘડીમાં પણ નાગરિક પ્રશાસનને જરૂરી મદદ અને સહાયતા પહોંચાડવા અગ્રેસર રહે છે.
જવાનો અને તેમના પરિવારજનો પ્રત્યે સન્માનની
લાગણી પ્રદર્શિત કરવા અને તેમના માટેની વિવિધ કલ્યાણકારી પ્રવૃત્તિઓ અને યોજનાઓના સંચાલનને વેગ મળે તે માટે
ડીપીએ દ્વારા 20 લાખનો ચેક ભંડોળમાં આપવામાં
આવ્યો હતો. જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયા, મદદનીશ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ
અધિકારી હિરેન લિંબાચિયાએ ડીપીએ પ્રશાસન પ્રત્યે
આભારની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે જિલ્લાની
વિવિધ સંસ્થાઓ અને નાગરિકોને સશત્ર સેના ધ્વજાદિન ફાળા માટે યથાયોગ્ય સહયોગ કરવા અનુરોધ
કર્યો છે.