રાજકોટ, તા. 28 : (પ્રતિનિધિ તરફથી) રાજકોટનાં આંગણે મોરારિબાપુની રામકથાનો પાવન અવસર ફરી એકવાર આવ્યો છે. ફૂલછાબ અત્યંત ગૌરવ સાથે ગુરુપૂર્ણિમાના પાવન અવસરે એ ઘોષણા કરી રહ્યું છે કે, 2027ના આરંભે રાજકોટમાં મોરારિબાપુની રામકથાનું આયોજન ફૂલછાબ દ્વારા કરવામાં આવ્યું છે. મોરારિબાપુ અને ફૂલછાબનો સંબંધ સાડા ચાર દાયકા જૂનો છે. ફૂલછાબ એવોર્ડમાં તથા અન્ય કોઈ પણ કાર્યક્રમોમાં બાપુની ઉમળકાભેર ઉપસ્થિતિ હોય છે, પરંતુ આ તો એક મોટો અવસર અને ઉપલબ્ધિ છે કે, બાપુએ ફૂલછાબને કથા આપી છે. ગુજરાતી પત્રકારત્વમાં શિરમોર, પરંપરા જાળવીને આધુનિકતાને પણ અપનાવનારું ઐતિહાસિક અખબાર સૌરાષ્ટ્રની પ્રજાના પ્રશ્નોના ઉકેલ માટે સદા સક્રિય રહ્યું છે. મોરારિબાપુની વ્યાસપીઠ પણ એક પ્રકારે વ્યાસપીઠ છે. રામકથાનાં માધ્યમથી સામાજિક પરિવર્તન માટેનું એક અભિયાન લઈને મોરારિબાપુ વર્ષોથી વિહાર કરી રહ્યા છે. સત્ય, પ્રેમ, કરુણા એ ત્રણ શબ્દોને મંત્રોનું રૂપ આપીને બાપુએ તેને વિશ્વવ્યાપ્ત બનાવ્યા છે. ફૂલછાબનાં માધ્યમથી દરરોજ કથાના અહેવાલ મળે છે. ફૂલછાબ આયોજિત શાંતિયાત્રા હોય, એવોર્ડ હોય કે નવા મુદ્રણ મશીનનું ઉદ્ઘાટન હોય, મોરારિબાપુ પ્રેમથી ઉપસ્થિત રહ્યા છે. હવે તો તેઓ જાન્યુઆરી 2027માં નવ દિવસ રામકથા કરશે. સૌરાષ્ટ્ર ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી હાર્દિક મામણિયાએ આ અનુસંધાને કહ્યું હતું કે, જન્મભૂમિ જૂથ, સૌરાષ્ટ્ર ટ્રસ્ટ આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં શિક્ષણ ક્ષેત્ર માટે બહુ મોટાપાયે ઉત્કર્ષનાં કાર્યો કરવા ઈચ્છે છે. શાળાનાં મકાનો બાંધવા, જૂની શાળાઓનું સમારકામ કરાવવું, સ્માર્ટ ક્લાસ, શિષ્યવૃત્તિથી લઈને અનેક બાબતો તેમાં સમાવિષ્ટ છે. આ કથા થકી બાપુ અને વ્યાસપીઠના આશિષ પ્રાપ્ત થાય, વિશ્વસ્તરે મોટું ભંડોળ એકત્ર થાય અને આ દિશામાં અમે કામ કરી શકીએ તે અમારો મનોરથ છે. રાજકોટની રામકથા સ્મરણીય બની રહેશે. જન્મભૂમિ જૂથના મોવડીઓનાં માર્ગદર્શનમાં કથાની તૈયારી આરંભાઈ છે. ટૂંક સમયમાં કથાની વિશેષ વિગતો જાહેર થશે. જેમને પણ જાણ થઈ છે કે રાજકોટમાં કથા યોજાવાની છે તેમનાં હૃદયમાં ઉત્સાહ સમાતો નથી. રાજકોટનાં આંગણે પુન: બાપુ કથા ગાશે તે વાત જ અનોખી છે. - રામકથા અને રાજકોટ : મોરારિબાપુની પ્રથમ રામકથા રાજકોટમાં 1976ની 22 નવેમ્બરથી 30 નવેમ્બર સુધી યોજાઈ હતી. 1982માં 26 માર્ચથી 3 એપ્રિલ, 1986માં 20 સપ્ટેમ્બરથી 28 સપ્ટેમ્બર સુધી યોજાઈ હતી. ત્યારે બાપુ બન્ને સમય કથા કરતા. ત્યારબાદ 1998માં માનસ મુદ્રિકા, 2007માં માનસ વાલ્મીકિ, 2012માં માનસ હરિહર અને 2024માં માનસ સદભાવના કથા રાજકોટના રેસકોર્સ મેદાનમાં યોજાઈ હતી. માનસ મુદ્રિકા (12 સપ્ટેમ્બર 1998થી 20 સપ્ટેમ્બર 1998)