• ગુરુવાર, 30 જુલાઈ, 2026

રાષ્ટ્રીય નશામુક્તિ અભિયાનને મળશે નવી ઊર્જા

ભુજ, તા. 28 : ભારતને વર્ષ 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવાના સંકલ્પને સાકાર કરવા માટે યુવાશક્તિનું ચારિત્ર્યવાન, સ્વસ્થ અને નશામુક્ત હોવું અત્યંત આવશ્યક છે. આ જ ભાવનાને કેન્દ્રસ્થાને રાખીને અણુવ્રત વિશ્વ ભારતી સોસાયટી દ્વારા `નશામુક્ત યુવા - વિકસિત ભારત' નામના રાષ્ટ્રીય જનજાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. અભિયાનમાં ભારત સરકારના યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય તથા માય ભારતનો સહયોગ પ્રાપ્ત થયો છે. અભિયાનના ભાગરૂપે રવિવાર, 2 ઓગસ્ટ, 2026ના સવારે 10:00 વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશભરના યુવાનોને વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધિત કરશે. તેઓ યુવાનોને જીવનમાં ક્યારેય પણ કોઈ પણ પ્રકારના નશાનો સ્વીકાર ન કરવાની પ્રેરણા આપશે અને સમગ્ર દેશને નશામુક્ત ભારતના રાષ્ટ્રીય સંકલ્પ સાથે જોડાવા આહ્વાન કરશે. કાર્યક્રમ દરમિયાન લાખો યુવાનો એકસાથે નશામુક્તિની પ્રતિજ્ઞા લેશે. અણુવ્રત વિશ્વ ભારતી સોસાયટીનાં માર્ગદર્શન હેઠળ ચાલતું આ અભિયાન અણુવ્રત અનુશાસ્તા આચાર્ય મહાશ્રમણજીની પ્રેરણાથી આગળ વધી રહ્યું છે. કાર્યક્રમમાં વિવિધ પ્રેરક વક્તાઓ યુવાનોને નશાના શારીરિક, માનસિક, પારિવારિક અને સામાજિક દૂષ્પરિણામો વિશે માહિતગાર કરશે. આ અભિયાન અંતર્ગત દેશભરના તમામ નાગરિકોને માય ભારત પોર્ટલ પર ઓનલાઈન નોંધણી કરીને નશામુક્તિની પ્રતિજ્ઞા લેવા જણાવાયું છે. અભિયાનના રાષ્ટ્રીય સંયોજક સી.એ. મુદિત ભંસાલી અને દિનેશ છાજેડે દેશના તમામ યુવાનો, વિદ્યાર્થીઓ, શિક્ષકો, વાલીઓ, સામાજિક સંસ્થાઓ, ધાર્મિક સંગઠનો અને જાગૃત નાગરિકોને આ ઐતિહાસિક અભિયાનમાં સક્રિય સહભાગી બનવા અપીલ કરી છે.  અણુવ્રત સમિતિ ભુજ દ્વારા પણ જિલ્લાની તમામ શૈક્ષણિક સંસ્થાઓ, યુવા સંગઠનો, સામાજિક સંસ્થાઓ, મહિલા મંડળો, વેપારી સંગઠનો તથા જાગૃત નાગરિકોને આ કાર્યક્રમમાં જોડાઈ  `નશામુક્ત યુવા - વિકસિત ભારત'ના સંકલ્પને સાકાર બનાવવા અને વ્યસનમુક્ત, સંસ્કારી, સ્વસ્થ તથા ચારિત્ર્યવાન સમાજનાં નિર્માણમાં સહભાગી બનવા અનુરોધ કરવામાં આવ્યો છે, તેવું અણુવ્રત સમિતિ ભુજના અધ્યક્ષ મહેશ પ્રભુલાલ મહેતાએ જણાવ્યું હતું. 

Panchang

dd