• ગુરુવાર, 30 જુલાઈ, 2026

કચ્છના 65 ટકા ડેમ હજુય ખાલીખમ

ભુજ, તા. 28 : કચ્છમાં અડધો અષાઢ વીતી ગયા બાદ પણ સંતોષકારક વરસાદ વરસ્યો નથી. જિલ્લામાં હજુ સરેરાશનો ચોથા ભાગનો વરસાદ પણ ન વરસતાં મોટા ભાગના ડેમ-જળાશયો જળતરસ્યા રહ્યા છે. કચ્છમાં ડેમ-તળાવોને જળમગ્ન બનાવવા માટે વરસાદનો એક મોટો સાર્વત્રિક રાઉન્ડ અનિવાર્ય બન્યો છે. હાલમાં વરસેલો ધીમીધારનો વરસાદ કૃષિ ક્ષેત્રને થોડીક રાહત આપશે તેવું આ ક્ષેત્ર સાથે જોડાયેલા તજજ્ઞો કહી  રહ્યા છે. - 65 ટકા ડેમ તળિયાઝાટક : કચ્છમાં મધ્યમ સિંચાઈ યોજનાના 20 અને નાની સિંચાઈ યોજનાના 170 મળી 190 જેટલા ડેમ આવેલા છે.  વર્તમાન સ્થિતિએ મધ્યમ અને નાની સિંચાઈના 65 ટકા ડેમ તળિયાઝાટક જોવા મળી રહ્યા છે. 35 ટકા ડેમ એવા છે કે, જેમાં વત્તાં-ઓછાં પ્રમાણમાં પાણીનો સંગ્રહ થયેલો જોવા મળી રહ્યો છે. મધ્યમ સિંચાઈનો કાયલા, સાનધ્રો, રુદ્રમાતા અને ડોણ ડેમ સાવ ખાલીખમ થઈ ગયા છે, તો નાની સિંચાઈના ડેમોનો કુલ જળસંગ્રહ 12 ટકા જેટલો જ રહ્યો છે. મધ્યમ કક્ષાના સિંચાઈ ડેમોમાં પણ 25 ટકા પાણીનો જથ્થો બચ્યો છે. - આઠ તાલુકામાં સ્થિતિ ચિંતાજનક : કચ્છમાં રાપર અને ભચાઉ એ બે તાલુકા એવા છે કે, જેમાં કંઈક અંશે સારો કહી શકાય તેવો  વરસાદ પડયો છે. સારી મેઘકૃપાનાં કારણે આ બન્ને તાલુકામાં ડેમ-જળાશયો અને તળાવમાં નવું પાલર પાણી હિલોળા લેતું જોવા મળી રહ્યું છે. બાકીના આઠ તાલુકામાં જળસંગ્રહની સ્થિતિ ચિંતાજક જોવા મળી રહી છે. - સૌથી ઓછો વરસાદ અને જળસંગ્રહ કચ્છમાં : આખા રાજ્યમાં ઝોન વાઈઝ જોવા જઈએ તો સૌથી ઓછો 19 ટકા વરસાદ કચ્છમાં અત્યાર સુધી વરસ્યો છે. અપૂરતી મેઘમહેરનાં કારણે જ ચાર ઝોનમાં સૌથી ઓછો જળસંગ્રહ પણ કચ્છના ડેમોમાં થયેલો જોવા મળી રહ્યો છે, જો વરસાદનો સાર્વત્રિક ભારે રાઉન્ડ આવે તો જ કચ્છમાં જળસંકટનું અત્યારનું ચિંતાજનક દેખાતું ચિત્ર પલટાઈ શકે છે. - જળસ્તરમાં ઝડપથી ઘટાડો : વરસાદનો મહત્ત્વનો તબક્કો સંતોષકારક વરસાદ વરસ્યા વિનાનો પસાર થઈ રહ્યો હોવાનાં કારણે ડેમોમાં જળસ્તર ઝડપથી ઘટી રહ્યું છે. એક માસ પૂર્વે ડેમોમાં 32 ટકાથી વધુ જળસંગ્રહ હતો તે હવે 25 ટકાએ આવી ગયો છે. મધ્યમની તુલનાએ નાની સિંચાઈના ડેમોમાં જળસંગ્રહની સ્થિતિ વધુ ચિંતા ઉપજાવે તેવી છે. - પાછોતરા વરસાદ પર આશા : ભૂતકાળમાં ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં વ્યાપક પ્રમાણમાં ભારે વરસાદ વરસતાં ડેમો-જળાશયો છલકાઈ ગયા હતા. આ વખતે પ્રાચીન વર્ષા વિજ્ઞાનના મતે પાછોતરો વરસાદ સારો વરસે તેવું અનુમાન લગાવાયું છે, ત્યારે ડેમ - જળાશયોને જળતરબોળ કરવા માટે હવે પાછોતરા વરસાદી રાઉન્ડ પર આશા રાખવી પડે તેવું લાગી રહ્યું છે. આગામી સમયમાં જે સિસ્ટમ સર્જાઈ છે તે કચ્છને જળસંકટમાંથી મુક્તિ અપાવે તેવી આશા સેવાઈ રહી છે. 

Panchang

dd