વિદ્યાર્થીઓનું ઘડતર અને ચણતર શિક્ષકો કરે પણ એ શિક્ષકોને તાલીમ
આપી શિક્ષકત્વથી સજ્જ કરે એવા કચ્છના શિક્ષક-પ્રશિક્ષકો ગુરુ મહિમા અને શિક્ષકોની જવાબદેહિતા
વિશે શું વિચારે છે એ જાણવા ગુરુપૂર્ણિમાના અવસરે કચ્છમિત્રએ અહીં પ્રયાસ કર્યો છે.
સૌને ગુરુપૂર્ણિમાની શુભેચ્છા સાથે ઓજસ્વી-તેજસ્વી શિક્ષક સામર્થ્યની અભ્યર્થના છે.
- શિક્ષક તરીકેના કૌશલ્યો તાલીમાર્થીને
વધુ સજ્જ બનાવે : મહારાણી ગંગાબા સાહેબ જિલ્લા શિક્ષણ અને
તાલીમ ભવન, ભુજના પ્રાચાર્ય ડો. દક્ષા
મહેતા-ગોર પોતાની 30 વર્ષની અધ્યાપન
સફરને યાદ કરી જણાવે છે કે, શિક્ષકની સજ્જતા
વધારવા એક જ બાબત કહેવી જરૂરી જણાય છે - 'તાલીમાર્થીઓ કન્ટેન્ટથી
સજ્જ હોય છે. શિક્ષક તરીકેના કૌશલ્યો તેમને વધુ સજ્જ બનાવે છે. માત્ર જરૂર તો યુવા
હૃદયને સમજવાની, તેમના જીવનની સમસ્યાઓ તે અધ્યાપકને સહજ રીતે
જણાવી શકે તેવું વાતાવરણ સર્જાવાની... તેમની સમસ્યાઓ ઉકેલાઈ જશે તો તેમણે આગળ વધતાં
કોઈ રોકી શકશે નહીં. ઇનોવેટીવ આઈડિયાઝ અને આઉટ ઓફ બોક્સ થિન્કિંગ તેમનામાં હોય જ છે.
અધ્યાપક તરીકે સહેજ ઈશારો કરતાં તેઓ સમગ્ર આયોજન સફળતાપૂર્વક પાર પડે છે. - ભાવિ શિક્ષકોમાં પ્રાયોગિક
કૌશલ્ય ખીલે તે જરૂરી : એસ.ડી. શેઠિયા કોલેજ ઓફ એજ્યુકેશન-મુંદરાના
પ્રિન્સિપાલ ડો. કૈલાસ એમ. નાંઢા શિક્ષક-પ્રશિક્ષણમાં શું કરવું તેના પ્રત્યુત્તરમાં
કહે છે, એક બી.એડ. કોલેજના આચાર્ય તરીકે શિક્ષક સજ્જતા
વધારવા માટે હું ગુણવત્તાયુક્ત તાલીમ અને આધુનિક શિક્ષણ પદ્ધતિઓ પર વિશેષ ભાર મૂકીશ.
ભાવિ શિક્ષકોમાં પ્રાયોગિક કૌશલ્ય ખીલે તે માટે માઇક્રો ટાચિંગ, પ્રત્યક્ષ વર્ગખંડ અનુભવ અને આઇ.સી.ટી. (ઈંઈઝ) ટેક્નોલોજીના ઉપયોગને પ્રોત્સાહન
આપીશું. સાથે જ, અસરકારક વર્ગખંડ સંચાલન અને બાળ મનોવિજ્ઞાન સમજી
શકાય તે માટે નિષ્ણાતોના સેમિનાર યોજી શકાય. શિક્ષક માત્ર જ્ઞાન આપનાર નહીં,
પણ વિદ્યાર્થીઓમાં મૂલ્યોનું સિંચન કરનાર સક્ષમ માર્ગદર્શક બને તે જ
અમારો મુખ્ય ધ્યેય રહેશે. શિક્ષકમાં રાષ્ટ્ર પ્રત્યેની ભાવનામાં વધારો થાય તેવા કાર્યક્રમોને
અગ્રિમતા આપીશ. - તાલીમને વધુ
પ્રયોગલક્ષી, ટેક્નોલોજી
આધારિત, સંશોધનમુખી અને અનુભવો સાથે જોડવી જોઈએ : ડી.ડી. કોલેજ ઓફ એજ્યુકેશન-આદિપુરના નિવૃત્ત પ્રાચાર્ય ડો. સિલ્વિયા થોમસ અવતરણ ટાંકતાં કહે છે, “The mediocre teacher tells. The good teacher explains. The superior teacher
demonstrates. The great teacher inspires.” – William Arthur Ward બી.એડ. તાલીમ
માત્ર શિક્ષક બનાવવાની પ્રક્રિયા નથી, પરંતુ શિક્ષકના વ્યક્તિત્વ, મૂલ્યો, વ્યાવસાયિક કૌશલ્યો અને સામાજિક જવાબદારીનું ઘડતર કરવાની યાત્રા છે. શિક્ષકની
સજ્જતામાં વધારો કરવા માટે તાલીમને વધુ પ્રયોગલક્ષી, ટેક્નોલોજી
આધારિત, સંશોધનમુખી અને શાળાના વાસ્તવિક અનુભવો સાથે જોડવાની
જરૂર છે. સતત અધ્યયન અને આત્માચિંતન જ શિક્ષકને પ્રેરણાદાયી ગુરુ બનાવે છે. - શિક્ષકનું સાચું શિક્ષણ ક્યારેય પૂર્ણ થતું નથી : એમ.ડી. કોલેજ ઓફ એજ્યુકેશન,
હરિપર-ભુજના આચાર્ય ડો. હિમાંશુ ડી. પટેલ પોતાના અનુભવ વર્ણવતાં કહે
છે, ગુરુપૂર્ણિમા એ માત્ર ગુરુના આદર-સત્કાર કે પૂજનનો દિવસ નથી,
પરંતુ શિક્ષક તરીકે પોતાની જવાબદારીનું આત્માચિંતન કરવાનો એક અવસર છે.
શિક્ષક-પ્રશિક્ષણ કે તાલીમ ભાવિ શિક્ષકને માત્ર વિષયનું જ્ઞાન જ નહીં, પરંતુ બાળકને સમજવાની દૃષ્ટિ, શિક્ષણ પ્રત્યેની સંવેદના
અને વર્ગખંડમાં અસરકારક કાર્ય કરવા માટે સક્ષમ બનાવે છે. સાચો શિક્ષક વર્ગખંડમાં માત્ર
પાઠ ભણાવતો નથી, પરંતુ વિચારશીલ, સંવેદનશીલ
અને જવાબદાર નાગરિકોનું ઘડતર કરે છે. શિક્ષકની સજ્જતા સતત અભ્યાસ, નવીન શિક્ષણ પદ્ધતિઓ અને ટેક્નોલોજીનો સ્વીકાર, આત્માચિંતન
અને જીવનભર શીખવાની ભાવનાથી જ સમૃદ્ધ બને છે. શિક્ષક-પ્રશિક્ષણ એ માત્ર ડિગ્રી મેળવવાનો
માર્ગ નથી, પરંતુ સંવેદનશીલ, જવાબદાર અને
મૂલ્યનિષ્ઠ શિક્ષક ઘડવાનો પાયો છે. શિક્ષકનું સાચું શિક્ષણ ક્યારેય પૂર્ણ થતું નથી.
- તાલીમી કોલેજોમાં સાંપ્રત સમયે
મોટા પડકાર : શેઠ એલ.એન. પીટીસી કોલેજ-મુંદરાના આચાર્ય
રાજેન્દ્ર કુબાવત જણાવે છે કે, સાંપ્રત
સમાજમાં ગુરુનો અર્થ બદલાયો છે, આજે શિક્ષણ પ્રશિક્ષણ આપતી તાલીમી
કોલેજોમાં પણ સાંપ્રત સમયે મોટા પડકારના નગારા વાગી રહ્યા છે. આજની પેઢીમાંથી ઘણાંને
માર્કશીટ અને ઉત્તમ રિઝલ્ટ જોઈએ છે, પણ શિક્ષકનો પરિશ્રમ નહીં.
ગુરુ પ્રત્યેના આદરમાં ક્યાંક ને ક્યાંક ઓટ દેખાય છે. PTC (નવું નામ - ડિપ્લોમા ઇન એલિમેન્ટરી
એજ્યુકેશન-D.El.Ed..) કોલેજમાંથી તાલીમ મેળવી
નીકળેલા શિક્ષકને પણ ઘણીવાર `માત્ર સરકારી
નોકરિયાત' તરીકે જ જોવાય છે. સંસ્કારનું સિંચન કરતી તાલીમ
સંસ્થાઓમાં જે ગુણવત્તા જૂની પેઢીમાં જોવા મળતી હતી એવી ગુણવત્તા આધુનિક પેઢીમાં જોવા
મળી રહી નથી, તેમ છતાં ભારતીય સંસ્કૃતિમાં ગુરુના અપાર આદરના
કરને ગુરુ પ્રત્યે માન-સન્માન વધશે એવો વિશ્વાસ છે. - ગુરુ-શિષ્ય સંબંધ મૂલ્યો, સંવાદ અને વ્યવહારથી મજબૂત બને : વી. ડી. ઠક્કર
બી.એડ. કોલેજ-ગાંધીધામમાં પાંચ વર્ષ અને પીટીસી કોલેજમાં ચાર વર્ષનો અધ્યાપક તરીકે
અનુભવ લેનારા એસ.પી. વિદ્યાલય-ગાંધીધામના શિક્ષક ડો. પ્રીતિ સુંબડ શિક્ષક વિકાસના સોપાન
વર્ણવતાં જણાવે છે, બી.એડ. અને
પી.ટી.સી.ની તાલીમમા ગુરુ-શિષ્ય સંબંધ માત્ર વિષયજ્ઞાનથી નહીં, પરંતુ મૂલ્યો, સંવાદ અને વ્યવહારથી મજબૂત બને છે. તેના
માટે અસરકારક સંવાદ કૌશલ્ય, ભાવનાત્મક બુદ્ધિ (Emotional Intelligence) મેન્ટરશિપ
તાલીમ, અનુભવ આધારિત પ્રવૃત્તિઓ, વર્ગખંડ વ્યવસ્થાપન અને સકારાત્મક શિસ્ત, આત્માચિંતન
(Reflective Practice) સાથે મેન્ટર-મેન્ટી
કાર્યક્રમ આવશ્યક છે. શિક્ષક પૂર્વ-સેવા તાલીમથી શિક્ષક માત્ર જ્ઞાન આપનાર નહીં, પરંતુ માર્ગદર્શક, પ્રેરક
અને વિશ્વાસપાત્ર ગુરુ બની શકે છે અને વિદ્યાર્થી સાથે લાંબા ગાળાનો સકારાત્મક ગુરુ-શિષ્ય
સંબંધ વિકસાવી શકે છે. - બી.એડ. શિક્ષા
પ્રણાલી બદલાવ માગે છે : દાદા દુ:ખાયલ બી.એડ. કોલેજ-આદિપુરના ઈન્ચાર્જ
પ્રિન્સિપાલ જશોદા પ્રેમજીભાઈ મહેશ્વરી `વેણ' પોતાના વિચાર
પ્રગટ કરતાં કહે છે, વિદ્યાર્થીને એની ક્ષમતાને ધ્યાનમાં લઈને
જ એના ગુણો ફાળવવામાં આવે અને ક્યાંક એને જરૂર લાગે કે અહીં એની ક્ષમતામાં ક્યાંક કચાશ
લાગે છે યા તો એની ક્ષમતા અને આધારે એને એ વિષય તરફ દોરવામાં આવે તો વધારે સારું રહે.
બીજી વાત કરું તો એ પણ છે કે, અત્યારનો વિદ્યાર્થી ક્ષમતાના આધારે
કૌશલ્યોના આધારે કદાચ બી.એડ.ના જૂના વિદ્યાર્થીઓથી કદાચ ઓછો ઉતરે યા તો થોડોક મધ્યમ
લાગે, પરંતુ ટેક્નોલોજીના યુગમાં એ વિદ્યાર્થી કરતા અત્યારનો
વિદ્યાર્થી એનાથી પણ ચડિયાતો સાબિત થઈ શકે છે. જેના કારણે એની ક્ષમતાઓ એમાં કઈ રીતે
રહેલી છે શિક્ષક તરીકે એની જે ક્ષમતાઓ છે ટેક્નોલોજીને ધ્યાનમાં લેતા એ પ્રમાણે એને
બી.એડ.માં એક શિક્ષક તરીકેના ગુણો કેળવવામાં મદદરૂપ થવું જોઈએ. - શિક્ષકના વ્યવસાય પ્રત્યે પ્રેમ
જાગૃત કરવામાં આવે : ભુજની મા આશાપુરા મહિલા બી.એડ. કોલેજના
પ્રિન્સિપાલ ડો. પલ્લવી કે. શાહ પોતાના અનુભવનો નિચોડ પ્રસ્તુત કરતાં કહે છે, શિક્ષણ તાલીમની સંસ્થાઓ એ એવી સંસ્થાઓ છે કે,
જ્યાં શિક્ષકને ઘાટ અપાય છે. જો આ સંસ્થાઓ દ્વારા માત્ર અભ્યાસક્રમને
વળગીને કાર્ય કરવામાં ન આવે, અભ્યાસક્રમની સાથે-સાથે સહ અભ્યાસિક
પ્રવૃત્તિનું એવી રીતના ચયન કરવામાં આવે કે જેથી જીવન ઘડતર થાય-ચારિત્ર ઘડતર થાય-વ્યક્તિત્વ
ઘડતર થાય અને એનું આદાન-પ્રદાન વર્ગખંડમાં
સામે બેસેલા વિદ્યાર્થીઓ સુધી પહોંચી શકે તો આ તાલીમ સંસ્થાઓનું પ્રદાન શિક્ષક સજ્જતામાં
અતૂટ બને છે. એના ઉપરાંત શિક્ષકોના હૃદયમાં જો પોતાના વ્યવસાય પ્રત્યે પ્રેમ જાગૃત
કરવામાં આવે એના કાર્ય પ્રતિ નિષ્ઠા જાગૃત કરવામાં આવે, તો શિક્ષકની
સજ્જતા આપોઆપ બને છે. એક શિક્ષક કોઈક એક વિષય પૂરતો મર્યાદિત નથી હોતો એ શિક્ષક છે,
ગમે તે વિષય શીખવી શકે, એના માટે એને તૈયાર રહેવું
પડે અને રહેવું જોઈએ. - શિક્ષક પોતાના
વિષય-વસ્તુમાં નિપુણ હોવો જોઈએ : દાદા દુ:ખાયલ બી.એડ. કોલેજ-આદિપુરના સેવાનિવૃત્ત પ્રિન્સિપાલ ડો. મહેન્દ્ર ચૌહાણના જણાવ્યા
અનુસાર આજનો શિક્ષક પોતાના વિષય-વસ્તુમાં નિપુણ હોવો જોઈએ. વર્ગમાં પ્રવેશતાં પહેલાં
વિષયની સંપૂર્ણ તૈયારી કરી પ્રત્યેક વિદ્યાર્થી તે ગ્રહણ કરે તેવો નિષ્ઠાબદ્ધ હોવો
જોઈએ. વર્ગમાં પ્રત્યેક અર્જુન ન બની શકે તો કાંઈ વાંધો નહીં, પણ કોઈ એકલવ્યને અન્યાય ન થવો જોઈએ. દરેક બાળકને
ઘેઘૂર વૃક્ષ થવાનો અધિકાર છે, તે માટે પ્રયાસ કરી સ્વયંથી તેનો
વિદ્યાર્થી સવાયો થાય તે પ્રયાસ કરે, તો જ તે શિક્ષક ગુરુના પદની
ગરિમા વધારી શકે.