• ગુરુવાર, 30 જુલાઈ, 2026

કાગળોનાં જંગલોમાં અટવાતા માપણી વધારા માટે હકારાત્મક તૈયારી

ગિરીશ જોશી દ્વારા : ભુજ, તા. 28 : આખા ગુજરાતના જિલ્લાઓના મહેસૂલી પ્રશ્નો કરતાં કચ્છમાં માપણી વધારાનો અટપટો નિયમ વર્ષોથી કચ્છના અરજદારોને નડી રહ્યો હોવાથી હવે ખુદ સરકાર પણ આ મુદ્દે હકારાત્મક નિર્ણય લેવાની તૈયારીમાં છે. બિલ્ડર અને ડેવલોપર્સને માપણી વધારા નામની બલા રંજાડ કરતી હોવાથી ઉકેલ હાથવેંતમાં હોય તેવું જાણવા મળ્યું છે અને ખુદ કચ્છના મહેસૂલી તંત્રે પણ સત્તા વધારી આપવા દરખાસ્ત કરી છે. અહીં એ નોંધનીય છે કે, માપણી વધારાના નિયમોથી છુટકારો મેળવવા લાંબા સમયથી રજૂઆત તથા લડત ચાલી રહી છે. એકમાત્ર આ કચ્છ જિલ્લામાં જ શરત હોવાથી કચ્છના વિકાસ માટે અવરોધ ઊભો થાય છે. આમ સામાન્ય ખેડૂત હોય અને ખેતી કરતા હોય તો 7/12 વગેરેના ખેતીના ઉતારા પરથી કોઇ ખબર પડતી નથી અને ખેતીના વિષયમાં ચાલ્યા રાખે છે. કોઇ માપણી વધારાનો કિસ્સો સામે આવતો નથી. - બિનખેતીમાં અટકી જાય : ખેતીની જમીનનું વેચાણ થાય ને બિનખેતીમાં ફેરવવાની માગણી કોઇ ડેવલોપર્સ અથવા બિલ્ડર દ્વારા કરવામાં આવે ત્યારે બિનખેતીના નિયમો પ્રમાણે ઉત્તરોત્તર નોંધો તથા તેના ભૂતકાળની ઊથલપાથલ ચકાસવામાં આવે ત્યારે તંત્રના ધ્યાને જાય છે કે, ભૂતકાળમાં જ્યારે બે વખત માપણી થઇ હતી ત્યારે તેમાં જમીનનું ક્ષેત્રફળ વધારે હોવાનું સામે આવે છે. - દર મહિને કિસ્સા આવે છે : પ્રાપ્ત થયેલી માહિતી પ્રમાણે અત્યારે કચ્છમાં માત્ર શહેરોમાં વિકાસ થતો નથી, પરંતુ ગામડાંઓમાં  પણ બિનખેતીની ફાઇલો આવતી હોવાથી ગામડાં વિકસી રહ્યાં છે. જિલ્લા મથક ભુજનો ચારેય તરફ વિકાસ થયો છે. હવે શહેરની હદ ગામડાંના સીમાડા ઓળંગી ગઇ છે એવી જ રીતે ગાંધીધામ મહાનગરપાલિકા થતાં ગાંધીધામ તાલુકામાં હવે એકાદ ગામને બાદ કરતાં મોટા ભાગની ખેતી હવે બિનખેતી થઇ ગઇ છે, એવી જ રીતે મુંદરા, અંજાર સહિતનો જબરો વિકાસ થતાં બિનખેતીની ફાઇલોમાં માપણી વધારો  સામે આવે છે. - અરજદારો શું ઈચ્છે છે : કચ્છના અરજદારો આ માપણી વધવાની ચુંગાલમાં ફસાયા બાદ મહિનાઓ સુધી બહાર આવતા નથી. કેમ કે, કચ્છમાં સ્થાનિકે કલેક્ટર પાસે સત્તા મર્યાદિત હોવાથી મોટાભાગની ફાઈલો ગાંધીનગર ખાતે સરકારમાં જતાં ત્યાં કાગળનાં જંગલમાં અટવાઈ જાય છે. ખરેખર જો આ માપણી વધારાનો નિયમ અન્ય જિલ્લામાં નથી તો કચ્છમાં શા માટે ? નિયમ રદ કરી નાખવો જોઈએ અને જ્યાં કિસ્સા સામે આવે ત્યાં એક સમાન પ્રીમિયમ ભરાવી નિયમિત કરી દેવામાં આવે તો કચેરીઓના  ચક્કર અરજદારોના મટી જાય છે, સમય બચે, વિકાસ ઝડપી થાય. - ત્રણ વખત માપણી થઈ : આ મુદ્દે તપાસ કરતાં કલેક્ટર અનિલ રાણાવસિયા કહે છે કે, કચ્છમાં એક સમયે 1961માં ખેતીની જમીનની માપણી થઈ હતી, જે-તે વખતે કોઈ કારણોસર ક્ષેત્રફળ ઓછા બતાવાયા હતા. ત્યારબાદ 1971 અને 77માં વૈજ્ઞાનિક પદ્ધતિથી માપણી થતાં ખેડૂતોના ક્ષેત્રફળ વધી ગયાં હતાં, જે તેઓના કબજામાં હતા એ મુજબ માપણી થઈ હતી અને ત્યારે પ્રમોલોગેશન પણ થઈ ગયું હતું. - કલેક્ટરની વાત : ખુદ કલેક્ટર શ્રી રાણાવસિયા જણાવે છે કે, બન્ને વખતની માપણીમાં જે ફરક આવ્યો છે એ માપણી વધારો ગણાય છે. પણ જો ખેડુ ખેતી કરે છે તો નહીં આવે, પરંતુ બિનખેતીના વિષયમાં ક્ષેત્રફળ વધતાં અસમાનતા દેખાય છે. એટલે જે વધારો હોય તેની રકમ 2013ના પરિપત્ર પ્રમાણે જંત્રીના ભાવે રકમ ભરવી પડે છે. અત્યારે દર મહિને અંદાજે 10થી 12 ફાઈલો માપણી વધારાની પ્રક્રિયામાં આવી જાય છે એમ તેમણે જણાવ્યું હતું. - સત્તા વધી શકે છે : કલેક્ટરે કહ્યું કે, જિલ્લા કક્ષાએથી સરકારમાં દરખાસ્ત કરવામાં આવી છે. અગાઉ રૂા. 15 લાખ અથવા 4 એકરની સત્તા હતી, પરંતુ હવે તેમાં વધારો કરી કલેક્ટર કક્ષાએ રૂા. 50 લાખની સત્તા આપી દેવામાં આવે તો ફાઈલો સરકારમાં મોકલવાનો વિષય ન રહે અને સ્થાનિકે જ માપણી વધવાની રકમ વસૂલી લઈ નિયમતિ કરી આપવામાં આવે. સરકારનો અભિગમ હકારાત્મક છે અને ટૂંક સમયમાં પરિપત્ર આવી જાય તેવી શક્યતા છે એમ કહ્યું હતું. - કલેક્ટરને માત્ર ચાર એકર અને 15 લાખની સત્તા છે : ભુજ, તા. 28 : જે સર્વે નંબરનો માપણી વધારો નિયમિત કરવાનો હોય તે જમીનની એક બાજુ કે વધારે બાજુ સરકારી પડતર જમીન, નદી, તળિયું, તળાવ કે છેલો (પાણીનો વહેણ) કે અન્ય જાહેર રસ્તા આવેલા હોય તેવી જમીનોમાં માપણી વધારો નિયમિત કરી આપવાનો રહેશે. નગરપાલિકા સહિત તમામ ગ્રામ્ય વિસ્તારમાં ખાતેદારને મૂળ જમીનના 20 ટકા સુધીની જમીનનો માપણી વધારો પ્રવર્તમાન જંત્રી દરની એકવડી કિંમત વસૂલ લઈને અને તેથી વધુનો માપણી વધારો પ્રવર્તમાન જંત્રી દરની બેવડી કિંમત વસૂલ લઈને નિયમિત કરવાનો રહેશે. ચાર એકર સુધી તથા રૂા. 15 લાખ સુધીની કિંમતની જમીનનો માપણી વધારો કરવાની સત્તા કલેક્ટરની રહેશે. ચાર એકરથી વધુ તથા રૂા. 15 લાખથી વધુ કિંમતવાળી જમીનનો માપણી વધારો કરવાની સત્તા સરકારની રહેશે તેવું 2013ના પરિપત્રમાં સ્પષ્ટ જણાવાયું છે. જંત્રી દર નક્કી કરી વખતે સવાલવાળી જમીનનો જંત્રીદર અને જો તે સર્વે નંબરનો જંત્રીદર ઉપલબ્ધ ન હોય તો લાગું સર્વે નંબરનો જંત્રીદર ધ્યાને લેવાનો રહેશે. આ જંત્રીદર જમીનના જે-તે ઉપયોગને અનુલક્ષીને લેવાનો રહેશે. માપણી વધારો નિયમિત કરતી વખતે માપણી વધારો ખેડ્રૂત ખાતેદાર જે શરતે મૂળ જમીન ધારણ કરતો હશે તે શરતે જ નિયમિત કરવાનો રહેશે. કિસ્સા સિવાય અસાધારણ માપણી વધારો માલૂમ પડે કે જ્યાં આવો માપણી વધારો 40 ટકા કે 4 એકર એ બે પૈકી જે વધુ હોય તેવા તમામ વિશિષ્ટ કિસ્સાઓમાં માપણી વધારો નિયમિત કરવાની દરખાસ્તો સરકારને રજૂ કરવાની રહેશે તથા આવો અસાધારણ માપણી વધારો રેકર્ડ તથા ગુણદોષને આધારે મંજૂર કે નામંજૂર કરવાની સત્તા સરકારની રહેશે તેવો સ્પષ્ટ ઉલ્લેખ છે. 

Panchang

dd