કોટડા (ચકાર) (તા. ભુજ), તા. 26 : તાલુકાના
માધાપર ચોકડીથી ભુજોડી, શેખપીર ચોકડી
થઈ અંજાર હાઈવે તેમજ ભચાઉ હાઈવે પર છેલ્લા કેટલાક સમયથી મોટી સંખ્યામાં રખડતા ઢોર જોવા
મળી રહ્યા છે, જેના કારણે હાઈવે પરથી પસાર થતા વાહનચાલકો માટે
અકસ્માતનું ગંભીર જોખમ ઊભું થઈ રહ્યું છે. તાજેતરમાં પડેલાં ઝાપટાં (હળવા વરસાદ) બાદ
ઢોરને માખીઓ અને અન્ય જીવાતો વધુ હેરાન કરતી હોવાથી તેઓ ખુલ્લા અને સતત વાહનોની અવરજવરવાળા
હાઈવે પર આવી ઊભા રહે છે અથવા રસ્તા પર ફરતા જોવા મળે છે. બીજી તરફ ગ્રામ્ય વિસ્તારોમાં
ઘાસચારા અને ચરિયાણની તંગીના કારણે બિનદૂધાળા પશુઓને રખડતા મૂકી દેવાની ઘટનાઓમાં પણ
વધારો થયો હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. પરિણામે આવા પશુઓ હાઈવે પર આશરો લેતા હોવાથી
વાહનચાલકો માટે મુશ્કેલી સર્જાઈ રહી છે. ભુજ-અંજાર અને ભચાઉ હાઈવે પર ભારે વાહનો,
બસો, કાર અને દ્વિચક્રી વાહનોની સતત અવરજવર રહે
છે. આવા સમયે અચાનક ઢોર રસ્તા પર આવી જતાં વાહનચાલકોને બ્રેક મારવાની અથવા વાહન વાળવાની
ફરજ પડતી હોય છે, જેના કારણે ગંભીર અકસ્માત સર્જાવાની સંભાવના
નકારી શકાય તેમ નથી. સ્થાનિક લોકો અને વાહનચાલકોએ સંબંધિત તંત્રને હાઈવે પરથી રખડતા
ઢોરને તાત્કાલિક દૂર કરવાની, પશુપાલકોને જવાબદાર ઠેરવી જરૂરી
કાર્યવાહી કરવાની તેમજ ઘાસચારા અને પશુ સંભાળ અંગે યોગ્ય આયોજન કરવાની માંગ કરી છે,
જેથી ભવિષ્યમાં કોઈ મોટી જાનહાનિ ટાળી શકાય.(અહેવાલ,
તસવીર : રફીક ચાકી)