• મંગળવાર, 30 જૂન, 2026

સંગઠન, સહકાર, સંસ્કાર અને સુશાસન ભાજપની મુખ્ય વિચારધારા

ભુજ, તા. 29 : કચ્છ જિલ્લા ભાજપ દ્વારા જીલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદના નેજા હેઠળ આયોજિત પંડીત દિનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ વર્ગો અલગ અલગ 8 મંડલો પર સફળતાપૂર્વક સંપન્ન થયા હતા. પ્રશિક્ષણ વર્ગોમાં પાર્ટીના ઈતિહાસ અને વિચારધારા જેવા વિવિધ તલસ્પર્શી વિષયો સાથેના અલગ અલગ અભ્યાસ સત્રોનું આયોજન કરવામાં આવ્યું હતું. અત્યાર સુધી સંપન્ન થયેલા પ્રશિક્ષણ વર્ગોમાં અંજાર શહેર, અંજાર તાલુકો, ભચાઉ શહેર, ભચાઉ તાલુકો, મુન્દ્રા શહેર, મુન્દ્રા તાલુકો, માંડવી શહેર અને માંડવી તાલુકાનો સમાવેશ થાય છે. અંજાર શહેર અને તાલુકાના પ્રશિક્ષણ વર્ગો ગોવર્ધન પર્વત, સતાપર ખાતે, ભચાઉ શહેર અને તાલુકાના વર્ગો નમસ્કાર તીર્થ રામદેવપીર મંદિર ખાતે જ્યારે મુન્દ્રા શહેર, તાલુકા અને માંડવી શહેર, તાલુકા એમ ચારેય મંડલોના વર્ગો અંબેધામ ગોધરા ખાતે આયોજિત કરવામાં આવ્યા હતા. પ્રશિક્ષણ વર્ગોમાં ઉપસ્થિત રહેલા કાર્યકર્તાઓ વચ્ચે સંઘભાવના અને સંગઠનશક્તિ દ્રઢ બને અને પરસ્પર નિકટતામાં વધારો થાય એ આશયથી જે તે સ્થળ પર રાત્રિ રોકાણનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતા. આ ઉપરાંત વિવિધ વર્ગોમાં વહેલી પરોઢે સામુહિક યોગાસનો પણ કરવામાં આવ્યા હતા. આ તમામ વર્ગોમાં ભાજપનો ઈતિહાસ અને વિકાસ, ભાજપનું વૈચારિક સૈદ્ધાંતિક અધિષ્ઠાન, ભારતીય જનતા પાર્ટીનો કાર્ય વિસ્તાર આપણી દ્રષ્ટિએ, ભાજપની કાર્ય પદ્ધતિ, અંત્યોદયથી સંતૃપ્તિ - કેન્દ્ર અને રાજ્ય સરકારની ઉપલબ્ધિઓ, સોશિયલ મીડિયા, એ.આઈ, નમો સરલ એપ અને બુથ પ્રબંધન જેવા વિષયો પર 45 મિનિટના એક એક સત્રો યોજાયા હતા. આ પૈકી વિવિધ વિષયોના વક્તાઓ તરીકે હિતેશભાઈ ખંડોર, પંકજભાઈ મહેતા, રમેશભાઈ મહેશ્વરી, સુરેશભાઈ સંગાર, વિકાસભાઈ રાજગોર, પારુલબેન કારા, દિલીપભાઈ ત્રિવેદી, અરજણભાઈ રબારી, રાહુલભાઈ ગોર, સાત્વિકદાન ગઢવી, જીતેનભાઈ ઠક્કર, ભૌમિકભાઈ વચ્છરાજાની, મોમાયાભાઈ ગઢવી, મહેન્દ્રભાઈ ગઢવી, રવિન્દ્રભાઈ ગામી, પ્રણવભાઈ જોશી, વરૂણભાઈ ઠક્કર, કિરીટભાઈ સોમપુરા, નરેન્દ્રભાઈ પ્રજાપતિ, રેખાબેન દવે, આણદાભાઈ આહીર, તેમજ અલ્પેશભાઈ જાનીએ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ પ્રશિક્ષણ વર્ગ પ્રસંગે પ્રદેશ ભાજપ મહામંત્રી અને માંડવી ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેએ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી એ સેવા, સંગઠન, સહકાર, સંસ્કાર અને સુશાસનમાં માનનારી પાર્ટી છે આ પાર્ટીનો પ્રત્યેક કાર્યકર્તા પણ આવા જનસેવાના સંસ્કારોથી સિંચાયેલો હોય છે. પાર્ટીના વડીલોએ સ્થાપેલી પરંપરા અને વિચારધારાના વારસાનો આજના કાર્યકર્તાઓમાં પણ આબેહૂબ આરોપણ થાય એ એકમાત્ર હેતુથી આવા પ્રશિક્ષણ વર્ગોનું આયોજન કરવામાં આવે છે. જીલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદે જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી એ શિસ્ત, સંસ્કાર અને સંગઠનમાં માનતી અને વિકાસ અને વિઝનયુક્ત રાષ્ટ્રવાદી માનસિકતા ધરાવતી પાર્ટી છે બલ્કે એક જીવંત વિચારધારા છે. પ્રત્યેક કાર્યકર્તાના હૃદયપટલ પર અંકુરિત થયેલા આ વિચારબીજને વધુ જતનપૂર્વક સિંચન કરવા તેમજ પંડિત દિનદયાળજીના અંત્યોદયના સિદ્ધાંતને ખરા અર્થમાં સાર્થક કરવાના હેતુથી પાર્ટીની પ્રણાલી અને પરંપરા અનુસાર આવા પ્રશિક્ષણ વર્ગોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ પ્રશિક્ષણ વર્ગોમાં જિલ્લા ભાજપ અધ્યક્ષ વરચંદ ઉપરાંત પ્રદેશ ભાજપ મહામંત્રી અનિરુદ્ધભાઈ દવે, રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા, સાંસદ વિનોદભાઈ ચાવડા, જિલ્લા પંચાયત અધ્યક્ષા પ્રભાબેન હુણ, ધારાસભ્યો વિરેન્દ્રાસિંહ જાડેજા, માલતીબેન મહેશ્વરી, મહામંત્રીઓ ધવલભાઇ આચાર્ય, હિતેશભાઈ ખંડોર, ભીમજીભાઈ જોધાણી સહિત જે તે મંડળના પ્રમુખ અને મહામંત્રીઓ, વિવિધ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ સહિત અપેક્ષિત શ્રેણીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાનું કચ્છ જિલ્લા ભાજપ મીડિયા ઇન્ચાર્જ સાત્વિકદાન ગઢવીની યાદીમાં જણાવાયું હતું.

Panchang

dd