ભુજ, તા. 29 : નવી શિક્ષણનીતિના અમલના ભાગરૂપે કચ્છ યુનિ.ની 19 કોલેજમાં
સ્નાતક કક્ષાએ ચોથું વર્ષ શરૂ થવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. કચ્છ યુનિ.એ 14 કોલેજમાં
ચોથું વર્ષ શરૂ કરવાની મંજૂરી આપી દીધા બાદ આ શૈક્ષણિક સત્રથી જ આઠ કોલેજમાં તો
સ્નાતક કક્ષાએ ચોથું વર્ષ શરૂ પણ કરી દેવામાં આવશે. જે વિદ્યાથીઓ હાલ સ્નાતક
કક્ષાના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે તેમને ચોથું વર્ષ શરૂ કરવા મળશે કે કેમ તે
અંગે મનમાં કેટલાક પ્રશ્નો ઉદ્ભવતા હતા. જો કે, યુનિ.ના
જવાબદારોએ એવો સધિયારો આપ્યો છે કે, જે વિદ્યાર્થીઓ નવા
વિકલ્પ સાથે આગળ વધવા માગે છે, તેમને અડચણ ઊભી ન થાય તેનો
ખાસ ખ્યાલ રખાશે. નવી શિક્ષણનીતિમાં સ્નાતક અને અનુસ્નાતક કક્ષાએ અભ્યાસક્રમનાં
માળખાંમાં ધરમૂળથી ફેરફાર કરવામાં આવ્યા છે. અગાઉ 12મા
ધોરણ બાદ સ્નાતકના ત્રણ અને અનુસ્નાતકના બે મળી છાત્રો માસ્ટર્સની ડિગ્રી મેળવતા
હતા. નવી શિક્ષણનીતિમાં રેગ્યુલર માસ્ટર્સની સાથે ડિગ્રી વિથ ઓનર્સ અને ડિગ્રી વિથ
ઓનર્સ એન્ડ રિસર્ચ અંતર્ગત સ્નાતક કક્ષાએ ચોથું વર્ષ શરૂ કરી અનુસ્નાતક કક્ષાએ એક
વર્ષ કરી માસ્ટર્સ ડિગ્રી મેળવવા વિકલ્પ અપાયો છે. અગાઉની જૂની પદ્ધતિના અભ્યાસને
પણ ચાલુ રાખવામાં આવનાર છે. કચ્છ યુનિ.ના કુલસચિવ ડો. અનિલ ગોરે જણાવ્યું કે, એકેડેમિક કાઉન્સિલની બેઠકમાં 19 કોલેજમાં સ્નાતક કક્ષાએ ચોથું
વર્ષ શરૂ કરવાને મંજૂરી આપી હતી. એ પૈકી યુનિ. કક્ષાએથી 14 કોલેજમાં
મંજૂરીની પ્રક્રિયા પૂર્ણ પણ કરી લેવામાં આવી છે. આ 14માંથી
આઠ કોલેજ આ નવા શૈક્ષણિક સત્ર એટલે કે, પહેલી જુલાઈથી
જ સ્નાતક કક્ષાએ ચોથું વર્ષ શરૂ કરી દેવાશે.
કુલસચિવે વધુમાં કહ્યું કે, 14માંથી ચાર કોલેજ એવી છે કે, જેમણે ડિગ્રી વીથ ઓનર્સ અને ડિગ્રી વીથ ઓનર્સ એન્ડ રિસર્ચ બંને માટે ચોથું
વર્ષ શરૂ કરવાની મંજૂરી મેળવી છે, પણ ડિગ્રી વીથ ઓનર્સ એન્ડ
રિસર્ચ માટે બે પીએચ.ડી.ના બે ગાઈડ હોવા જરૂરી છે. આ કારણે લાલન કોલેજે હાલ તુરંત માત્ર ઓનર્સ શરૂ કરવાની
વિધિવત જાહેરાત કરી છે. લાલન ઉપરાંત જે.બી. ઠક્કર કોમર્સ કોલેજ, તોલાણી આર્ટસ એન્ડ સાયન્સ, તોલાણી કોમર્સ, એસ.વી. આર્ટસ એન્ડ કોમર્સ, ગજવાણી
ઈન્સ્ટિટયૂટ-આદિપુર, વાણીવિનાયક કોલેજ-આદિપુર, સંસ્કાર ઈન્સ્ટિટયૂટ-ભુજનો સમાવેશ થાય છે.
ચોથું
વર્ષ શરૂ કરનારી કચ્છની કોલેજો
* આર.આર.
લાલન કોલેજ
* સરકારી
આર્ટસ-કોમર્સ કોલેજ-રાપર
* સરકારી
વિજ્ઞાન કોલેજ-માંડવી,
* જે.બી.
ઠક્કર કોમર્સ કોલેજ-ભુજ
* તોલાણી
આર્ટ એન્ડ સાયન્સ કોલેજ
* તોલાણી
કોમર્સ કોલેજ
* એસ.વી.
આર્ટ-કોમર્સ કોલેજ-માંડવી
* મુક્તજીવન
સ્વામીબાપા મહિલા કોલેજ
* સહજાનંદ
ગર્લ્સ ઈનિસ્ટિટયૂટ-ભુજ
* ગજવાણી
ઈન્સ્ટિટયૂટ-આદિપુર
* વાણી
વિનાયક કોલેજ ભચાઉ
* તેજાભાઈ
મેમાભાઈ આહીર કોલેજ-આદિપુર
* સંસ્કાર
ઈન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ-ભુજ