• બુધવાર, 01 જુલાઈ, 2026

ભુજ-મુંદરા રોડ પર રિસરફેન્સિંગ, પણ મીઠું બગાડે છે

મુંદરા, તા. 29 :  ભુજથી મુંદરા વચ્ચેના ખાડાવાળા જર્જરિત રસ્તાની લાંબા સમયની ફરિયાદ બાદ હવે  રિસર્ફાસિંગનું કામ લગભગ પૂર્ણ થતાં આંશિક રાહત પહોંચી છે, પરંતુ જ્યાં સુધી કેરા, બળદિયા અને ભારાપર બાયપાસ માર્ગ નિર્માણમાં ઝડપ નહીં થાય ત્યાં સુધી પૂર્ણ ઉકેલ નહીં આવે.  આ દરમિયાન આ રૂટ પર એવી ફરિયાદ ઊઠી છે કે, ખાવડાથી મુંદરા વચ્ચેનું મીઠું પરિવહન આ રોડને ગંભીર નુકસાન પહોંચાડી રહ્યું છે. માથે વરસાદ છે અને જો આમ જ ચાલ્યું તો રોડ એક વર્ષ માંડ ટકી શકશે. તાલુકાના જાગૃત આગેવાનોના કહેવા મુજબ, ભુજ-મુંદરા માર્ગમાં બાકી રહેતો યુનિવર્સિટીથી પ્રાગપર ચોકડી સુધીનો માર્ગ રિસર્ફાસિંગ થઈ રહ્યો છે અને હવે કેરા, ભારાપર, બળદિયા બાજુ કામ બાકી દેખાય છે.  બાકી ભારે ટ્રાફિકવાળા આ માર્ગમાં વાહન ચાલકોને હાલમાં થોડી રાહત થઈ છે, પણ મીઠાની ઓવરલાડિંગ ટ્રકો આ નવા માર્ગની અત્યારથી જ સોથ વાળી રહી છે. હજુ તો કામ પૂરું થયું નથી ને આ મીઠાં ભરેલી ટ્રકોમાંથી ઢોળાતું મીઠું ડામરને નબળો પાડે છે.  રસ્તા પર પડતું આ ક્ષાર અને કેમિકલયુક્ત મીઠું આસપાસના ઝાડ અને પર્યાવરણને પણ નુકસાન પહોંચાડે છે. આ વરિષ્ઠ આગેવાનો નામ નહીં આપવાની શરતે આક્રોશ વ્યક્ત કરે છે કે, એક તો આ ઓવરલાડિંગ ટ્રકો યોગ્ય નિયમોનુસાર માલ પાકિંગ કરતી નથી અને જ્યાં સ્પીડ બ્રેકર આવે છે, ત્યાં ધીમી કરતા નથી એટલે રસ્તા ક્ષારવાળા થતા જાય છે. અગાઉ આવા અન્ય નવા માર્ગો બન્યા બાદ ત્યાંના કોન્ટ્રાક્ટરોએ પણ રાજ્ય સરકાર સુધી રજૂઆતો કરી હતી કે, આ મીઠા પરિવહનમાં નિયમોનું ભારે ઉલ્લંઘન થાય છે અને માગણી કરી હતી કે, પોલીસ તંત્ર નિયમનું પાલન કરાવે, પરંતુ કોઈ પગલાં લેવાતાં નથી. ત્રણ વર્ષના મેન્ટેનન્સની જોગવાઈ છે, પરંતુ  આ જ રીતે મીઠું રોડ પર પડતું રહેશે અને ઓવરલોડ ટ્રકો ફરશે તો રોડ એક વર્ષમાં જ બગડી જશે.  હવે વરસાદની મોસમ આવે છે અને પાણી અને મીઠું મિશ્રિત થાય તો રસ્તો ફરી જેવો હતો તેવો બને ને ભુજ-મુંદરા રોડ ફરી માથાનો દુ:ખાવો થઈ જશે. લોક પ્રતિનિધિઓ અને શાસક પક્ષના હોદ્દેદારો પણ આ માર્ગે  વારંવાર આવન-જાવન કરે  છે. એમણે આ પ્રશ્નને યોગ્ય મંચ પર ઉઠાવવો જરૂરી છે. કારણ કે, મુંદરામાં વિકસિત પોર્ટના કારણે પરિવહન તો  વધવાનું જ  છે અને યોગ્ય રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નહીં હોય તો સ્થાનિક લોકો પરિવહન કરનારાઓની મુશ્કેલી વધશે.

Panchang

dd