રાપર, તા. 21 : હજી તો ચોમાસાનાં દસ્તક પણ
નથી થયા એ પહેલાં તો રાપરમાં અનેક રસ્તાઓમાં ખાડા પડી ગયા છે! આ રાપરના પ્રાગપર ચોકડીથી
નગાસર બાયપાસ રિંગરોડની દયનીય હાલત ગંભીર અકસ્માતને આમંત્રણ આપતી હોય તેમ બરાબર ગોલાઈ
પાસે જ મોટા અને ઊંડા ભૂવા પડ્યા છે. રોડની જર્જરિત સ્થિતિના કારણે નાનાં વાહનને તો
અહીંથી નીકળવું અશક્ય જેવું જ લાગે છે. ખનીજ વહન કરતાં ભારે વાહનો ચાલતાં હોવાથી આ
માર્ગ અવારનવાર તૂટી જતો હોઈ મજબૂતીકરણ જરૂરી બન્યું છે. અત્યારે ભંગાર હાલતમાં રહેલાં
રસ્તાની ચોમાસામાં શું વલે થશે એવો પ્રશ્ન ઉઠાવી વાહનચાલકો અને જાગૃત નાગરિકો આ રસ્તે
કોઈ ગંભીર અકસ્માત સર્જાય એ પહેલાં તેનો ઉદ્ધાર થાય તેમ ઈચ્છી રહ્યાં છે. 2001ના ભૂકંપ બાદ રાપરના ભાવિ વિકાસને
ધ્યાનમાં રાખી ટ્રાફિક સમસ્યાને નિવારવા ચારેબાજુ રિંગરોડ બનાવવામાં આવ્યા. રાડાએ આ
રસ્તાઓ નગરપાલિકાને આપ્યા પરંતુ નગરપાલિકાની ઉદાસીનતાને લીધે લોકો ગટર, પાણી કે અન્ય કામસર તો વિવિધ નેટવર્કિંગ કંપનીઓ
ઓએફસી કેબલ પાથરવા માટે આ રસ્તાઓ આડેધડ ખોદીને વ્યવસ્થિત પૂર્યા વિના એમને એમ જ છોડી
દે છે. જેથી નવા જ બનેલા માર્ગો થોડા સમયમાં જ જર્જરિત બની જાય છે. થોડા સમય પહેલાં
નેત્રમ્ કેમેરા લગાડવા માટે અનેક જગ્યાએ રસ્તાઓ તોડી નાખવામાં આવ્યા છે, જે વ્યવસ્થિત પૂરવામાં આવ્યા નથી. ચોમાસા પહેલાં આવાં તૂટી ગયેલા માર્ગો જો
રીપેરિંગ નહીં કરવામાં આવે તો વરસાદમાં આ માર્ગો ધોવાઈને સાવ જર્જરિત બની જશે. તંત્ર
દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવે તેમ નાગરિકો ઈચ્છી રહ્યા છે.