કોટડા (ચ.), તા. 7 : ભીમાસરથી
ધર્મશાળા બીએસએફ કેમ્પ સુધીના એનએચ-341 હાઇ-વેનાં નિર્માણકાર્યને લઈને શરૂઆતથી જ વિવિધ પ્રકારની ચર્ચાઓ
અને પ્રશ્નો ઊઠતા રહ્યા છે. ભુજ તાલુકાની મુખ્ય શેખપીર ચોકડી, જે ભુજને અંજાર હાઇ-વે તેમજ ભચાઉ હાઇ-વે સાથે
જોડે છે, ત્યાં મુસાફરો માટેની મૂળભૂત સુવિધાઓના અભાવનો મુદ્દો
ફરી ચર્ચામાં આવ્યો છે. ભચાઉ હાઇ-વે તરફ બસ સ્ટેન્ડની સુવિધા ઉપલબ્ધ હોવા છતાં અંજાર,
ભચાઉ, કોટડા ચકાર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં જતા-આવતા
અનેક મુસાફરોને આજે પણ તડકો, વરસાદ અને અન્ય પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં
ખુલ્લા માર્ગ પર ઊભા રહી બસની રાહ જોવી પડે છે. તંત્ર દ્વારા તાજેતરમાં એક નવો બસ સ્ટોપ
બનાવવામાં આવ્યો છે, પરંતુ તે શેખપીર ચોકડીથી અંદાજે અડધો કિલોમીટર
દૂર એવા સ્થળે બનાવાયો છે જ્યાં અગાઉ બસ સ્ટોપની જરૂરિયાત જ નહોતી. પરિણામે મુસાફરોને
તેનો કોઈ ખાસ લાભ મળતો નથી. સ્થાનિક જાગૃત
નાગરિકોનો આક્ષેપ છે કે, બસ સ્ટોપનાં સ્થાનની પસંદગી કરતી વખતે
મુસાફરોની વાસ્તવિક જરૂરિયાતો અને સુવિધાઓનો પૂરતો અભ્યાસ કરવામાં આવ્યો નથી. આ મુદ્દે તંત્ર દ્વારા યોગ્ય તપાસ કરી જરૂરી સુધારાત્મક
પગલાં લેવામાં આવે તેવી લોકમાંગ ઊઠી રહી છે.