ગાંધીધામ, તા. 7 : પૂર્વ કચ્છના ઝડપી શહેરી અને ઔદ્યોગિક વિકાસ વચ્ચે વીજ પુરવઠા
સંબંધિત પ્રશ્નો, પડકારો અને
ભાવિ આયોજન અંગે ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ
દ્વારા પીજીવીસીએલના ઉચ્ચ અધિકારીઓ સાથે સંવાદ
સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વીજ વ્યવસ્થાને લગતા મ્દા ચર્ચાયા હતા. ચેમ્બર પ્રમુખ તેજા કાનગડે જણાવ્યું હતું કે, ગાંધીધામ-આદિપુર સંકુલની વધતી વસતી,
વિસ્તરતા રહેણાક વિસ્તારો અને સતત વિસ્તરતા વેપાર-ઉદ્યોગોને ધ્યાનમાં
લેતા ગુણવત્તાસભર અને અવરોધમુક્ત વીજ પુરવઠો સમયની જરૂરિયાત છે. વીજતંત્રના પ્રયાસોને બિરદાવી ગાંધીધામ ખાતે સંપૂર્ણ
સજ્જ અર્બન સબ-ડિવિઝનની લાંબા સમયથી ચાલી રહેલી માંગને પ્રાથમિકતાના ધોરણે મંજૂરી આપવા રજૂઆત કરી હતી. માનદમંત્રી મહેશ તીર્થાણીએ જણાવ્યું હતું કે, શહેરમાં એકસાથે અનેક વિકાસલક્ષી પ્રોજેક્ટો
કાર્યાન્વિત થઈ રહ્યા છે. આવી સ્થિતિમાં નાગરિકો, વેપારીઓ અને
સંસ્થાઓએઁ સહયોગ આપવો જરૂરી હોવાનું કહ્યું
હતું. તેમણે સ્માર્ટ મીટરને લઈને સમાજમાં પ્રવર્તતી ગેરસમજો દૂર કરવા અનુરોધ કર્યો
હતો. મહાનગરપાલિકાની સ્ટેન્ડિગ કમિટીના ચેરમેન તેજસ શેઠે વરસાદી ઋતુ નજીક હોવાથી અન્ડરગ્રાઉન્ડ
કેબાલિંગનાં પ્રાથમિક કાર્યો તાત્કાલિક પૂર્ણ કરવા ઉપર ભાર મૂક્યો હતો. ચેમ્બરના સહમંત્રી
જાતિન અગ્રવાલ, પારસમલ નાહાટા, હરિશ માહેશ્વરી, રશ્મીકાંત મહેતા, રાજુભાઈ ચંદનાણી, લક્ષ્મણભાઈ આહીર અને રામકરણ તિવારીએ
વિવિધ સૂચનો કર્યાં હતાં. કોર્પોરેટ ઓફિસ (ટેક) રાજકોટના ચીફ એન્જિનીયર (ઈન્ચાર્જ) એ.એસ. ચૌધરીએ જણાવ્યું હતું કે, વેપાર અને ઉદ્યોગોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને એચ.ટી. કનેક્શન પ્રક્રિયાને
વધુ ઝડપી બનાવવામાં આવી રહી છે . અન્ડરગ્રાઉન્ડ કેબાલિંગને સહિયારા સંકલનનો પ્રોજેક્ટ
ગણાવતા તેમણે જણાવ્યું હતું કે, 18 મહિનાની ડેડલાઈન છે અને માર્ચ
2028 સુધીમાં પ્રકલ્પ પુરો થઈ જશે.
વરસાદી ઋતુ પૂર્વે પ્રાથમિકતાના ધોરણે મહત્ત્વનાં કાર્યો પૂર્ણ કરવાનો પ્રયાસ કરવામાં
આવશે. સ્માર્ટ મીટર અંગે તેમણે સ્પષ્ટતા કરી હતી કે,
ગ્રાહકોને વાસ્તવિક વીજ વપરાશની પારદર્શક માહિતી આપતું અત્યંત ઉપયોગી
સાધન છે અને તેને લઈને સમાજમાં રહેલી શંકાઓ દૂર કરવાની જરૂર છે, હવે વ્હોટ્સએપ મારફતે પણ ફરિયાદો નોંધાવવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી
હોવાનું જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં પીજીવીસીએલના અન્ય તમામ અધિકારીઓ સાથે ચેમ્બરના ખજાનચી
કૈલેશ ગોર, કારોબારી સભ્યો અને વ્યાપાર ઉદ્યોગ સાથે જોડાયેલા
શરદ ઠક્કર, જગદીશ ન્હાટા, ડેનુ કપાનિયા, અનિમેષ મોદી, જગદીશ પટેલ, રાજીવ ચાવલા, રાકેશકુમાર જૈન સહિતનાઓ જોડાયા હતા.