ભુજ, તા. 7 : ભચાઉ તાલુકાના સામખિયાળી ગામના
નાનાં ઝૂંપડાંમાં રહેતા 70 વર્ષના વૃદ્ધા
ચંપાબેનની જિંદગી આભ ફાટ્યું હોય ત્યાં થીગડું ક્યાં દેવું? જેવી છે. આ પરિસ્થિતિમાં પણ આ માવડી પોતાના
કિડની ફેલ્યોરનો સામનો કરી રહેલા પુત્રને જીવાડવા માટે મોંઘવારી સામે જંગ લડી રહી છે.
દેવીપૂજક સમાજના ચંપાબેનના આ પરિવારમાં દસ વર્ષ પહેલાં તેમના પતિ રમેશભાઈએ વિદાય લીધી.
ચાર પુત્રીની માતા ચંપાબેન પાસે ઘરના સહારા તરીકે એકમાત્ર પુત્ર રાકેશ હતો. પરંતુ વિધાતાએ માથે આભ ફાટે એવી પરિસ્થિતિમાં લાવી દીધા. પતિના
અવસાનના માંડ એક વર્ષના ગાળામાં બાળક રાકેશની તબિયત ગંભીર રીતે લથડી અને તબીબી તપાસને
અંતે એ ડાયાલિસીસ પર આવી ગયો. આજની કારમી મોંઘવારીમાં જ્યાં સાજા-નરવા માણસોને પણ ઘર
ચલાવવું મુશ્કેલ બને છે ત્યાં ઝૂંપડાંમાં રહેતા આ માજી દરરોજ ભંગાર વીણવા નીકળી પડે
છે. રાકેશનું ડાયાલિસીસ વાગડ વેલ્ફેર ટ્રસ્ટ, ભચાઉ ખાતે થાય છે,
એટલે તબીબી ખર્ચનો મોટો બોજ હળવો થયો છે. તો ભુજના સેવાભાવી મિતેશ હીરાલાલ
શાહ દ્વારા મળતી અન્ય જીવન જરૂરી ચીજવસ્તુઓની મદદ ચંપાબેન માટે રાહત છે. જ્યારે લોકો નાની-નાની મુશ્કેલીઓમાં હારી જતા હોય
છે ત્યારે ચંપાબેન જેવી સાવ સામાન્ય મહિલાઓની વાત સહનશક્તિ અને સંઘર્ષ સામે બાથ ભીડવા
પ્રેરણા પૂરી પાડે છે. મોંઘવારી અને ગરીબીના આકરા પ્રશ્નો વચ્ચે પણ એક માતાનો પ્રેમ
અને સંઘર્ષ આજે અનેક લોકોની આંખો ભીની કરી રહ્યો છે.