ભુજ, તા. 7 : ઉનાળાની શરૂઆતમાં રત્નાગીરી
અને આંધ્રપ્રદેશથી આવતી કેરીનો સ્વાદ ચાખ્યા પછી કચ્છીઓ પોતાના મુલકની કેસર કેરીનો
રસ પી રહ્યા છે, ત્યારે આપણા વતનની કેરીની
માંગ અન્ય રાજ્યમાં યથાવત્ રહેતાં છેલ્લા પાંચેક દિવસથી ભુજના રેલવે મથકથી છથી સાત
ટન માલ બોગી દ્વારા અન્ય રાજ્યમાં રવાના થઇ રહ્યો છે. વિષમ વાતાવરણ, વધુ પડતો તાપ તેમજ પવનની ઝડપનાં કારણે માલની ઊપજમાં થોડી ઘણી અસર પડી છે,
તેમ છતાં જિલ્લાના વિવિધ ગ્રામ્ય વિસ્તારની વાડીમાં ઊભેલો સારો માલ રેલવે
માર્ગની સાથે વિવિધ વાહનોમાં અન્ય રાજ્યમાં જઇ રહ્યો છે. મિડલ ઇસ્ટમાં ચાલી રહેલાં
યુદ્ધનાં કારણે વિદેશમાં કચ્છની કેરી પહોંચી શકતી નથી, તેથી બજારમાં
અત્યારે માલ પુષ્કળ પ્રમાણમાં ઉપલબ્ધ હોવાનું દેખાઇ રહ્યું છે. ભુજ રેલવે સ્ટેશનના
પાર્સલ ઓફિસર શ્રી અખ્તરે જણાવ્યું કે, મુખ્યત્વે બાંદ્રા (મુંબઇ)
તરફ કચ્છથી માલ વધુ નિકાસ થઇ રહ્યો છે. પુના - દિલ્હી - અમદાવાદ સહિતના શહેરોમાં અહીંથી
માલ આગળ જાય છે. એક કિ.ગ્રા.ના રૂા. 3થી 4નો ખર્ચ રેલવે
વસૂલ કરે છે, બે કિ.ગ્રા.થી લઇને પાંચ
કિ.ગ્રા.ના વધુ બોક્ષ આવે છે. પુનડી સ્થિત એસપીએમ
ફાર્મથી કેરીના બોક્ષ લઇને આવેલા ટેમ્પોચાલકે સારો માલ થયો હોવાનું કહ્યું હતું.
ભુજપુરના દિલીપ ગંગરે તો ગ્રાહકને બોક્ષ જે ટ્રેનમાં મુસાફર જતા હોય તેની સીટ સુધી
ડિલિવરી આપવાનું કામ કરી રહ્યા છે. મજબૂત ફળની કિંમત વધુ મળતી હોવાનું કહ્યું હતું.
ભુજના ભીડ બજાર, ભીંડી બજારમાં ફળ - ફળાદીના વેપારીઓ અત્યારે
કેસર કેરી રૂા. 100માં ચાર કિ.ગ્રા.
વેચી રહ્યા છે, જ્યારે ભુજ જૂની શાકમાર્કેટના
વેપારી કહી રહ્યા છે કે, રત્નાગીરીની આફૂસ ખાધા પછી આપણી કેસરની
ગુણવત્તા ઓછી અંકાય છે. બાગાયતી ખેતી તરફ વળેલા ખેડૂતો મજબૂતાઇથી આગળ વધી રહ્યા છે,
તે કચ્છ માટે ગૌરવની વાત હોવાનું લોકો કહી રહ્યા છે.