• મંગળવાર, 09 જૂન, 2026

નેત્રરોગમુક્ત કચ્છ પ્રોજેક્ટ રોશનીનો મુખ્ય ઉદ્દેશ

ભુજ, તા. 7 : કચ્છના સરહદી અને અંતરિયાળ ગામડાંઓના પ્રત્યેક નાગરિકને ઘરઆંગણે જ અત્યાધુનિક નેત્ર સારવાર મળી રહે અને કોઈ પણ વ્યક્તિ અંધત્વનો ભોગ ન બને તેવા ઉદ્દેશ સાથે કાર્યરત `પ્રોજેક્ટ રોશની' દ્વારા વધુ એક સેવાનું સોપાન સર કરાયું છે. કચ્છી લેવા પટેલ એજ્યુકેશન એન્ડ મેડિકલ ટ્રસ્ટ સંચાલિત માતૃશ્રી મેઘબાઈ પ્રેમજી જેઠા હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર (લેવા પટેલ હોસ્પિટલ) આયોજિત અને કચ્છમિત્ર પ્રાયોજિત 26મા નિ:શુલ્ક નેત્રયજ્ઞનું લેવા પટેલ હોસ્પિટલમાં આયોજન કરાયું હતું. કચ્છી લેવા પટેલ સમાજના પ્રમુખ વેલજીભાઈ પિંડોરિયા, કચ્છી લેવા પટેલ એજ્યુકેશન એન્ડ મેડિકલ ટ્રસ્ટના પ્રમુખ ગોપાલભાઈ ગોરસિયા, ટ્રસ્ટી અરજણભાઈ પિંડોરિયા, ટ્રસ્ટના મંત્રી મનજીભાઈ પિંડોરિયા, દાતા નાનજીભાઈ પિંડોરિયા, દાતા ટ્રસ્ટી લક્ષ્મણભાઈ રાઘવાની, દાતા ટ્રસ્ટી રવજીભાઈ ગોરસિયા, રામજીભાઈ સેંઘાણી, ટ્રસ્ટી વિનોદભાઈ પિંડોરિયા, દાતા જાદુભાઈ હાલાઈ, કેશરાભાઈ પિંડોરિયા, ગોપાલભાઈ વેકરિયા, વિજયભાઈ ગોરસિયા અને કચ્છમિત્ર પરિવાર તરફથી વ્યવસ્થાપક મુકેશભાઈ ધોળકિયા, મદદનીશ તંત્રી નિખિલભાઈ પંડ્યા, મદદનીશ વ્યવસ્થાપક હુસેનભાઈ વેજલાણીની પ્રેરક ઉપસ્થિતિ સાથે કેમ્પ દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મુકાયો હતો. 26મા  રોશની કેમ્પના મુખ્ય દાતા નાનજીભાઈ કાનજી પિંડોરિયા તથા ધર્મપત્ની રાધાબેન નાનજી પિંડોરિયાના પરિવાર તરફથી પુત્ર કિશોરભાઈ, પુત્રવધૂ નીતાબેન અને દિવ્યાબેન ઉપસ્થિત રહ્યા હતા. આ પરિવાર હંમેશાં આંખના દર્દીઓની સેવા માટે તત્પર રહ્યો છે, અત્યાર સુધી કુલ 4 રોશની કેમ્પના મુખ્ય દાતા તરીકે નાનજીભાઈ પિંડોરિયા અને પરિવાર રહ્યા છે. લેવા પટેલ હોસ્પિટલના આંખ વિભાગને અદ્યતન મશીનરીનું દાન ભૂતકાળમાં આ પરિવાર તરફથી સાંપડ્યું છે. આ પ્રસંગે  અરજણભાઈ પિંડોરિયાએ હોસ્પિટલની સેવાકીય પ્રવૃત્તિઓ અને અપગ્રેડ થયેલા ક્રિટિકલ કેર યુનિટ, નવજાત શિશુ અને બાળરોગ વિભાગ, ચામડી વિભાગ, ઈ.એન.ટી., ડાયાલિસીસ અને મોઢાંનાં કેન્સરની સેવાકીય સારવાર વિશે સૌને વાકેફ કર્યા હતા. પ્રોજેક્ટ રોશની હેઠળ અત્યાર સુધી 8000 દર્દીઓની તપાસ અને 3000 દર્દીના ઓપરેશનની આંકડાકીય વિગતો અપાઇ હતી. કચ્છમિત્રના મેનેજર મુકેશભાઈ ધોળકિયાએ કચ્છમિત્રના મીડિયા સહયોગ અને લોકજાગૃતિ માટે આ કેમ્પમાં કચ્છમિત્રનાં યોગદાન વિશે વાત કરી હતી. કેમ્પમાં સેવા આપનાર સેવાભાવી ડાક્ટરો ડો. ધવલ શાહ અને ડો. કૌશિક વરસાણીએ 185 દર્દીઓની તપાસ કરી હતી તેમાંથી 83 જેટલા દર્દીઓ મોતિયાનાં ઓપરેશન તથા 8 જેટલા દર્દીઓને વેલની સારવાર તથા પ્રોસિઝર માટે તારવ્યા હતા, જેમની સંપૂર્ણ નિ:શુલ્ક સારવાર શક્ય બનશે. લેવા પટેલ હોસ્પિટલની ક્લિનિકલ અને મેનેજમેન્ટ ટીમના સભ્યોએ કેમ્પની વ્યવસ્થા સંભાળી હતી. 

Panchang

dd