ભુજ, તા. 1 : ઉનાળાની વિદાય અને ચોમાસાના આગમનના ચાલતા
સંધિકાળના સમયગાળા વચ્ચે વરસાદની સમયસર પધરામણી થાય અને તપતી ધરતી અને
આકુળ-વ્યાકુળ થતા લોકોને ગરમી-ઉકળાટમાંથી વેળાસર રાહત મળે તેની રાહ જોવાઇ રહી છે
ત્યારે એપ્રિલ અને મે એમ બે માસના 61 દિવસમાંથી 51 દિવસો
એવા રહ્યા છે કે, જ્યારે કચ્છમાં મહત્તમ તાપમાનનો
પારો 40 ડિગ્રીથી
ઉપર નોંધાયો છે. આ સમયગાળા દરમિયાન કંડલા (એ.)માં પારો 45, તો
જિલ્લા મથક ભુજમાં 44 ડિગ્રીના આંકે પહોંચતાં અગનભઠ્ઠીમાં શેકાતા હોય
તેવી આકરી ગરમીનો અનુભવ થયો હતો. હવામાન વિભાગના સત્તાવાર આંકડાઓના આધારે નીકળેલા આંકડાકીય
તારણ પર એક નજર કરીએ તો એપ્રિલ અને મે જે ઉનાળાના ધોરીમાસ ગણાય છે તેમાં માત્ર 10 દિવસ
એવા હતા કે જ્યારે મહત્તમ તાપમાન 40 ડિગ્રીથી નીચે ઊતર્યું હતું.
માર્ચના અંતથી લઇ એપ્રિલના આરંભિક સપ્તાહ સુધી કમોસમી વરસાદના પ્રભાવથી ગરમીનું
જોર થોડું નરમ રહ્યું હતું પણ એપ્રિલના અંત ભાગથી લઇ મેના સમાપન સુધી સૂર્યનારાયણે
એકસામટો આકરો તાપ ગુજરાતની સાથે કચ્છના વિસ્તારો પર અગનભઠ્ઠીની માફક વરસાવ્યો હતો.
ભુજ-કંડલા
(એ.)માં વધુ ગરમી અનુભવાઇ
હવામાન
વિભાગ દ્વારા સત્તાવાર રીતે ભુજ, કંડલા (એ.), કંડલા પોર્ટ અને નલિયામાં તાપમાનની નોંધ થાય છે. એપ્રિલ અને મેના
સમયગાળામાં ભુજ તેમજ અંજાર-ગાંધીધામને આવરી લેતા કંડલા (એ.) ક્ષેત્રમાં સૌથી વધુ
ગરમી અનુભવાઇ છે. કંડલા (એ.)માં નોંધાયેલું 45.6 ડિગ્રી
તાપમાન ન માત્ર કચ્છ બલ્કે ગુજરાતમાં આ ઉનાળાની સિઝનનું સૌથી ઊંચું હોવાનું હવામાન
વિભાગના આંકડા બોલી રહ્યા છે.
દરિયાકાંઠે
બફારા-ઉકળાટનું સામ્રાજ્ય
આ
વખતે કચ્છમાં ઉનાળાની એક વિશેષતા એ જોવા મળી છે કે, આકરા
તાપ અને પ્રચંડ લૂવર્ષા સાથે ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં ભેજના ઊંચાં
પ્રમાણના લીધે બફારા અને ઉકળાટનું સામ્રાજ્ય જોવા મળ્યું છે. એપ્રિલ અને મેના
સમયગાળામાં કંડલા પોર્ટમાં 43 અને નલિયામાં પારો 41 ડિગ્રી
સુધી પહોંચી ચૂક્યો હતો. મહત્તમ તાપમાન ક્યારેક નીચું નોંધાવા છતાં લોકોને તેની
સવિશેષ અનુભૂતિ થતી હોવાનું અનેકવાર ચર્ચાતું જોવા મળ્યું છે.
હવે
ચોમાસાના આગમનની રાહ
આ
વખતે ચોમાસું થોડું નબળું રહે તેવી હવામાન વિભાગની ચિંતા જગાવતી આગાહી વચ્ચે
કચ્છીમાડુઓ આ વર્ષે પણ સારો વરસાદ વરસશે તેવી આશા સાથે ચોમાસાના આગમનની આતુરતાથી
રાહ જોઇ રહ્યા છે.