ભુજ, તા. 1 : રાજ્ય સ્તરની ટુકડીએ
મુંદરાના અદાણી બાયપાસ પર દરોડો પાડીને બે પિસ્તોલ અને કારતૂસો સાથે બે શખ્સને ઝડપી
લીધા છે. આ પ્રકરણમાં અન્ય એક રાજસ્થાનના ઇસમનું નામ ખુલ્યું છે. ગાંધીનગરની સ્ટેટ
મોનિટરિંગ સેલ (એસએમસી)ની ટીમે મુંદરાના નાના કપાયા વિસ્તાર અદાણી બાયપાસ રોડ પર બાતમીના
આધારે એક મોટી રેડ પાડીને ગેરકાયદેસર હથિયારના જથ્થા સાથે આરોપી રમેશભાઇ રામભાઇ ગઢવી
(રહે. ઉમિયાનગર, મુંદરા) અને કિશનભાઇ
હરજીભાઇ સાલાણી (રહે. સરકારી હોસ્ટેલ, મુંદરા)ને ઝડપી પાડયા છે.
આરોપીઓ પાસેથી નવ એમ.એમ.ની બે પિસ્તોલ કિં.રૂા. બે લાખ, જીવતા
14 કારતૂસ કિં.રૂા. 2800 અને ત્રણ મોબાઈલ કિં.રૂા. 1,05,000 તેમજ બે વધારાના મેગેઝિન અને ખાખી બોક્સ જપ્ત કરવામાં
આવ્યા છે. આ પ્રકરણમાં હથિયાર આપનાર કે સંડોવાયેલા ધનરાજરામ હનુમાનરામ ચૌધરી (રહે.
બાયત્તુ, જિ. બાડમેર, રાજસ્થાન)નું નામ ખૂલતાં તેને ઝડપવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. આ સફળ દરોડો
એસએમસીના પી.આઇ. એસ. એમ. જાડેજા અને તેની ટીમે પાર પાડયાનું એસએમસીની યાદીમાં જણાવાયું
છે.