કોલકાતા, તા. 1 : પશ્ચિમ બંગાળમાં કારમી હાર થયા બાદ તૃણમૂલ
કોંગ્રેસનું રાજકીય સંકટ માત્ર ચૂંટણીની હાર પૂરતું સીમિત નથી રહી ગયું. પક્ષની
અંદર અસંતોષ, વિદ્રોહી વલણ, નેતૃત્વ
અંગે સવાલોએ મમતા બેનર્જીની મુશ્કેલી બેહદ વધારી નાખી છે. તૃણમૂલમાં વકરેલી તાણ
વચ્ચે સોમવારે સીઆઈડી ભત્રીજા અને સાંસદ અભિષેક બેનર્જીના ઘર પર ત્રાટકતાં બેનર્જી
ભારોભાર ભીંસમાં મુકાયા છે. સમન્સની અવગણના કરાતાં સીઆઈડી ટીમ ઘરે પહોંચતાં
જણાવાયું હતું કે, અભિષેક ઘરમાં નથી. બોગસ હસ્તાક્ષર વિવાદની
તપાસ માટે એજન્સી ત્યાં પહોંચી હતી. પૂર્વ મુખ્યમંત્રીએ ફેસબુક પર વીડિયો મેસેજ
જારી કરી એવો ગંભીર આરોપ મૂક્યો હતો કે, પોલીસ તૃણમૂલ
ધારાસભ્યોને ભાજપમાં સામેલ થવા દબાણ કરી રહી છે. તૃણમૂલની અંદર તિરાડની સ્થિતિ
વચ્ચે મમતાના પક્ષે સોમવારે પોતાના બે ધારાસભ્ય સંદીપન સાહા અને ઋતબ્રત બેનર્જીને
પક્ષ વિરોધી પ્રવૃત્તિઓના આરોપ હેઠળ પક્ષમાંથી કાઢી નાખ્યા હતા. મમતાએ દાવો કર્યો
હતો કે , કેટલાક ધારાસભ્યો અને સાંસદોને ડરાવી, ધમકાવી અથવા પૈસાની લાલચ આપીને તૃણમૂલને કમજોર કરવાની કોશિશ કરાઈ રહી છે.
મમતાએ બોલાવેલી બેઠકમાં પણ 80માંથી માત્ર 20 ધારાસભ્ય
પહોંચતાં તૃણમૂલમાં તૂટફૂટ બહાર આવી હતી.