• મંગળવાર, 02 જૂન, 2026

અંજારમાં લાખોના ઓનલાઈન જુગારનો પર્દાફાશ

ગાંધીધામ, તા. 1 : અંજારમાં એલ.સી.બી.એ દરોડો પાડીને ઓનલાઈન ગેમના લાખોના રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહી દરમ્યાન ઓનલાઈન ગેમ રમાડતા એક શખ્સને દબોચી લઈ તેની પાસેથી બે મોબાઈલ, કાર વગેરે જપ્ત કરવામાં આવ્યાં હતાં. એલ.સી.બી.ની એક ટીમ અંજારમાં હતી દરમ્યાન કળશ સર્કલ નજીક શાહનવાઝ સુમારશા નામનો શખ્સ કારમાં બેસીને મોબાઈલ ફોનમાં જુગાર રમાડતો હોવાની પૂર્વ સચોટ બાતમીના આધારે પોલીસ તેની પાસે પહોંચી હતી, ત્યાં પહેંચતાં આ શખ્સે મોબાઈલ બંધ કરી નાખ્યો હતો. આ શાહનવાઝ શેખને પકડી મોબાઈલ ખોલાવતા તેના મોબાઈલમાં ઓનલાઈન જુગાર ચાલુ હોવાનું બહાર આવ્યું હતું. આ શખ્સે યોગેશ્વર ચોકડી પાસે રહેતા પાર્થ ઉર્ફે ચિન્ટુ ઠક્કર નામના શખ્સ પાસેથી રૂા. પાંચ લાખમાં માસ્ટર આઈ.ડી. મેળવી હતી. જેની અવેજીમાં ચિન્ટુએ તેને પાંચ લાખ પોઈન્ટ આપ્યા હતા. આ પકડાયેલા શાહનવાઝે પોતાની આઈ.ડી.માંથી અનિલ સિંધીને આઈ.ડી. આપી હતી અને અનિલે અન્ય 10 શખ્સને જુગાર રમવા આઈ.ડી. આપી હતી. આ યુઝરનેમવાળા જુગાર રમે જેમાં તે પૈસા હારે તો શેખને 50 ટકા અને પાર્થને 10 ટકા રૂપિયા મળતા હતા તેમજ જો તે જીતે તો પકડાયેલા શખ્સના 80 ટકા અને પાર્થના 20 ટકા નુકસાન થતું હોવાનું બહાર આવ્યું હતું. આ ઓનલાઈન જુગારમાં ક્રિકેટ, કસીનો, તીનપત્તી, વોલીબોલ વગેરે ગેમ રમાતી હતી. રિક્ષા લે-વેચનો ધંધો કરનાર અને પોલીસના હાથે પકડાયેલો શખ્સ 777 નામની વેબસાઈટમાં જુગાર રમાડતો હતો. તેની પાસેથી બે મોબાઈલ રોકડા રૂપિયા, કાર વગેરે મળીને રૂા. 2,00,500નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. પાર્થ, અભયસિંધી તથા અન્ય 10 શખ્સને પકડી પાડવા આગળની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે. પૂર્વ-પશ્ચિમ કચ્છમાં લાંબા સમયની ઓનલાઈન જુગારની જુદી-જુદી ગેમ થકી અનેક યુવાનો બરબાર થયા છે. આવી તમામ ગેમ ઉપર કાયમી પ્રતિબંધ મુકાય તો જ યુવાનો આવી માયાજાળમાંથી બહાર આવે તેમ હોવાનું જાણકારો જણાવી રહ્યા છે.

Panchang

dd