• મંગળવાર, 02 જૂન, 2026

નારણપરમાં પ્લાસ્ટર કરતા શ્રમિક યુવાનનું ઊંચાઇ પરથી પટકાતાં મોત

ભુજ/ગાંધીધામ, તા. 1 : આજે સવારે ભુજ તાલુકાના નારણપર ગામે મકાનના પ્લાસ્ટર કામ દરમ્યાન ગામનો 40 વર્ષીય શ્રમિક યુવાન ઘનશ્યામ મૂળજી ભંડેરી ઉપરથી પટકાતાં ગંભીર ઇજાના લીધે તેનું મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે ગઇકાલે કેરા નજીક આવેલી વી કોંક્રિટ કંપનીમાં પાછળ આવતી ટ્રક દીવાલમાં ભટકાતાં પડેલી દીવાલ નીચે કપુરાશીના 50 વર્ષીય આધેડ ડુંગરજી ઉર્ફે ડુંગરશી કેશાજી રબારી દબાઇ જતાં ગંભીર રીતે ઘાયલ થતાં તેનું મોત થયું હતું. બીજીતરફ આજે માંડવી તાલુકાના નાની વિરાણીના વાડી વિસ્તારમાં રહેતી મૂળ છોટા ઉદેપુર બાજુની 48 વર્ષીય મહિલા લીલાબેન સુરેશભાઇ નાયકાને વીજશોક ભરખી ગયો હતો. દરમ્યાન આદિપુરના કેશરનગર-1માં પોતાના ઘરના પાણીના ટાંકામાં ડૂબી જવાથી જગદીશ રામજી પ્રજાપતિ (ઉ.વ. 41)એ જીવ ખોયો હતો. આજે સવારે 10.30 વાગ્યાના અરસામાં નારણપર ગામે મકાનનું પ્લાસ્ટર કામ કરતો નારણપર ગામનો જ યુવાન ઘનશ્યામ સાતથી આઠ ફૂટ ઊંચાઇ પરથી અકસ્માતે નીચે પટકાતાં તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. આથી તેને સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં લઇ અવાતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યાની વિગતો હોસ્પિટલની પોલીસ ચોકીમાં નોંધાવાઇ છે. આ ઉપરાંત પણ ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ ચોકીએથી મળેલી વિગતો મુજબ કપુરાશી ગામના ડુંગરાજી ઉર્ફે ડુંગરશી કેશાજી રબારીનું અકસ્માતે મોત નીપજ્યું હતું. ગઇકાલે 11 વાગ્યાના અરસામાં બનાવ બન્યો હતો. હતભાગી કેરા પાસે આવેલી વી કોંક્રિટ કંપનીમાં દીવાલની પાછળ હતા. એ દરમિયાન ટ્રકના ચાલકે રિવર્સ લેતાં ટ્રક દીવાલ સાથે ભટકાઈ હતી, જેથી દીવાલ હતભાગી પર પડી હતી, જેમાં ગંભીર ઈજાઓ પહોંચતાં તેમને સારવાર માટે જી.કે. જનરલ ખાતે લઇ જવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યા હતા. બીજીતરફ માંડવી તાલુકાના નાની વિરાણીમાં વાડી વિસ્તારમાં રહેતા મૂળ છોટા ઉદયપુર બાજુના મહિલા લીલાબેન નાયકાને આજે સવારે 9થી 10 વાગ્યા દરમ્યાન તેના ઘરે વીજ કરંટ લાગતાં તેને સારવાર અર્થે ગઢશીશાની સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા, પરંતુ તેનો જીવ બચી શક્યો ન હતો. ગઢશીશા પોલીસે અકસ્માત મોતનો ગુનો નાખલ કરી તપાસ આદરી છે. આ ઉપરાંત આદિપુરના કેશરનગર-1માં મકાન નંબર 151માં રહેનાર જગદીશ નામના યુવાનનું તા. 31/5ના રાત્રિના ભાગે મોત થયું હતું. આ યુવાન પોતાના ઘરે હતો, દરમ્યાન કોઇ અગમ્ય કારણોસર ઘરમાં બનાવેલા અંડર ગ્રાઉન્ડ ટાંકામાં ડૂબી જતાં તેણે જીવ ખોયો હતો. બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

Panchang

dd