ભોરારા, તા. 31 : તાલુકાના ભોરારા ગામે લીંબડી
અજરામર સંપ્રદાયના આચાર્ય પ્રકાશચંદ્રજી સ્વામીનાં સાંનિધ્યમાં આયોજિત સત્સંગ અને શૈક્ષણિક-ધાર્મિક
મહોત્સવ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. 15 દિવસીય વિશેષ શૈક્ષણિક સત્સંગ કાર્યક્રમ દરમિયાન ભક્તિમય પ્રાર્થના, મહાવીરવાણીનું પઠન, બપોરે
નવકાર મંત્ર જાપ તથા પ્રશ્નોત્તરી જેવા ધાર્મિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. સાંજે પ્રતિક્રમણ
અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં ભાવિકો જોડાઈ રહ્યા છે. રાત્રિના સમયે અજરામર ધામના વિશાળ મેદાનમાં યોજાતા
પ્રેરણાદાયી પ્રવચનોમાં ગામજનો ઉપરાંત આસપાસના વિસ્તારોના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત
રહી રહ્યા છે. સરપંચ અરાવિંદાસિંહ જાડેજા, ઉપસરપંચ ખીમજી ગાભા
નામોરી સહિત અનેક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.આચાર્ય પ્રકાશચંદ્રજી સ્વામીએ પ્રવચનમાં `જુગાર : જીવનનો વિનાશ' વિષય પર વિશેષ માર્ગદર્શન આપતાં જણાવ્યું હતું
કે, જુગાર માત્ર વ્યક્તિને નહીં, પરંતુ
આખા પરિવાર અને સમાજને પણ બરબાદ કરી શકે છે. મહાભારતનાં ઉદાહરણો દ્વારા તેમણે સમજાવ્યું
કે, જુગારના કારણે રાજાઓએ રાજ્ય ગુમાવ્યાં, પરિવારોએ અસહ્ય દુ:ખ ભોગવ્યાં અને સમાજમાં વિનાશ સર્જાયો. તેમણે યુવાનોને ખાસ
કરીને આવા વ્યસનોથી દૂર રહી સંસ્કાર, સદાચાર અને આધ્યાત્મિકતાનો
માર્ગ અપનાવવા અપીલ કરી હતી. ભોરારા જૈન સંઘ
દ્વારા આયોજિત મહોત્સવમાં મુંબઈ સહિત દેશના વિવિધ શહેરોમાંથી મોટી સંખ્યામાં જૈન સમાજના
આગેવાનો અને ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા. આચાર્યના ગામ પ્રત્યેના યોગદાન અને સ્મૃતિને
ચિરંજીવ રાખવા બસ સ્ટેન્ડ નજીકના ચોકને `આચાર્ય પ્રકાશચંદ્રજી સ્વામી ચોક' નામ આપવામાં આવ્યું છે, જન્મસ્થાન તરફ જતાં માર્ગને પણ આચાર્યના નામે ઓળખ આપવામાં આવી છે. મુંદરાના
નગરપતિ કિશોરાસિંહ પરમાર, નવીન મહેતા, ભોગીલાલ
મહેતા, વાડીલાલ સાવલા, પૂર્વ ધારાસભ્ય પંકજ
મહેતા સહિત અનેક સામાજિક આગેવાનોએ સંતોના દર્શનનો લાભ લીધો હતો. ઉલ્લેખનીય છે કે,
પૂ. આચાર્ય આગામી દિવસોમાં પ્રાગપુર સહિતના વિસ્તારોમાં પણ ધાર્મિક કાર્યક્રમોને
સંબોધિત કરશે, તેવું મહેશ પ્રભુલાલ મહેતાએ જણાવ્યું હતું.