માંડવી, તા. 28 : કચ્છના ગૌરવવંતા સાહિત્યકાર
દુલેરાય કારાણીએ કચ્છની સંસ્કૃતિ અને ભાષા માટે મહામૂલું યોગદાન આપ્યું છે, આવા મહામાનવના વારસદાર તરીકે અમને ગૌરવ છે,
તેવું કારાણીજીની કર્મભૂમિ ગુંદિયાળી પ્રા. શાળામાં યોજાયેલા `કારાણી જે ફરીયે મે, કારાણીજી કવિતાઉ' નામે
કચ્છી ડાયરામાં અમદાવાદથી ખાસ ઉપસ્થિત કારાણીજીના પૌત્ર જયદેવ વિનુભાઈ કારાણીએ રાજીપો
વ્યક્ત કરતાં જણાવ્યું હતું. વી.આર.ટી.આઈ.
અને ભારત વિકાસ પરિષદ-માંડવીના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમનો પ્રારંભ દીપ
પ્રાગટયથી થયા બાદ વી.આર.ટી.આઈ.ના પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર ગોરધન પટેલ `કવિ'એ સૌને આવકાર્યા હતા. પૂર્વ સાંસદ પુષ્પદાનભાઈ ગઢવીએ કારાણીજી સાથેના પિતા
શંભુદાનજી સાથેના પૂર્વ સંસ્મરણો વાગોળ્યાં હતાં. મહેમાનોનું સન્માન ડો. કે.જી. વૈષ્ણવ,
કૈલાસભાઈ ઓઝા, અપર્ણાબેન વ્યાસ, વખતાસિંહ જાડેજા વિગેરેના હસ્તે કરાયું હતું. કાર્યક્રમમાં નારાણ ભારમલ અને વાદ્યવૃંદ દ્વારા
કારાણીજીની વિવિધ રચનાઓની સંગીતમય પ્રસ્તુતિ કરીને કારાણીજીના ગુંદિયાળી ગામનાં સંસ્મરણો
તેમજ નારાયણ સરોવર, ધુફી વિગેરે સ્થળે રહીને તેઓએ કરેલી અનેક
રચનાઓની કાબિલેદાદ છણાવટ કરી હતી. અનિવાર્ય સંજોગોને કારણે ઉપસ્થિત ન રહેલા માંડવીના
ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેએ શુભેચ્છાઓ પાઠવી હતી. આ કાર્યક્રમમાં પ્રવીણ વીરા એન્ડ કું.-મુંબઈ
મુખ્ય સૌજન્ય તરીકે સહયોગી બન્યા છે, જ્યારે મુકેશ સોલંકી,
ડો. કે.જી. વૈષ્ણવ, કૈલાસભાઈ ઓઝા, ચેતનભાઈ જોશી અને દમયંતીબેન બારોટ દ્વારા પણ સહયોગ પ્રાપ્ત થયો છે. આ કાર્યક્રમમાં
કારાણી પરિવારના સુધાકરભાઈ, પૂજાબેન, અંજલિબેન,
કિરીટભાઈ, દિલીપભાઈએ ઉપસ્થિત રહીને કારાણીજીએ જે
જગ્યાએ નિવાસ કર્યો હતો તે સ્થળની મુલાકાત લઈને અંજલિ આપી હતી. આ અવસરે ભારત વિકાસ
પરિષદના પ્રમુખ જયાબેન ગણાત્રા સહિત વિશાળ સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની
સમગ્ર વ્યવસ્થા સરપંચ વખતાસિંહ જાડેજાએ સંભાળી હતી.