• મંગળવાર, 21 એપ્રિલ, 2026

શાસન સારી રીતે ચલાવવા નારી શકિત પાસે પૂર્ણ સામર્થ્ય

ભુજ, તા. 20 : આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને અનુલક્ષીને  માતૃશક્તિની અગત્યતા અને મહત્ત્વતા જાણીને કચ્છ જિલ્લા ભાજપ દ્વારા જિલ્લા ભાજપ મધ્યસ્થ કાર્યાલય, કચ્છ કમલમ્ ખાતે અધ્યક્ષ દેવજીભાઈ વરચંદના વડપણ હેઠળ મહિલા સંમેલન યોજવામાં આવ્યું હતું. પ્રદેશ ભાજપ મહિલા મોરચા અધ્યક્ષ અંજુબેન વેકરિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ સંમેલનમાં સંગઠન પ્રભારી ફલજીભાઈ ચૌધરી સાથે જોડાયા હતા. શાબ્દિક સ્વાગત કરતાં જિલ્લા ભાજપ મહિલા મોરચા અધ્યક્ષ પારૂલબેન કારાએ જણાવ્યું હતું કે, નરેન્દ્ર મોદીના શાસનકાળમાં મહિલા સશક્તિકરણના વિચારને અદ્ભુત ઉત્તેજન મળ્યું છે અને આજે મહિલાઓ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પુરુષોને ખભેખભા મિલાવીને આગળ વધી રહી છે. સંગઠન પ્રભારી શ્રી ચૌધરીએ જણાવ્યું હતું કે મહિલાઓના હાથમાં શાસનધૂરા સોંપવી એ સમાજના આવનારા સમય માટે ઉજળા સંકેત છે માટે કચ્છમાં પણ સૌ માતાઓ-બહેનો સાથે મળીને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવા માટે સંનિષ્ઠ પુરુષાર્થ કરશે એવો મને પૂર્ણ વિશ્વાસ છે. જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજી વરચંદે જણાવ્યું કે, કચ્છમાં ભાજપ પરિવારનું સંગઠન ક્ષેત્રે સમગ્ર રાજ્યમાં હંમેશાં ઉમદા પ્રદર્શન રહ્યું છે અને હવે જ્યારે ચૂંટણીને આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે જિલ્લા ભાજપ મહિલા મોરચો પણ સક્રિયતાથી મેદાને ઊતરશે. પ્રદેશ ભાજપ મહિલા મોરચા અધ્યક્ષા અંજુબેન વેકરિયાએ જણાવ્યું હતું કે, સ્થાનિક સ્વરાજ્યમાં 50 ટકા અનામત બાદ હવે વિધાનસભા લોકસભામાં પણ 33 ટકા મહિલા અનામત ખૂબ ઝડપથી લાગુ પડવા જઈ રહી છે. માતૃશક્તિની મહત્તા દર્શાવતાં તેમણે ઉમેર્યું હતું કે, આપણે સૌ એ પરંપરાના વાહકો છીએ કે જ્યાં ધરતી, રાષ્ટ્ર અને નદીઓને પણ માતા સાથે સરખાવી છે, ત્યારે મહિલાઓની અપાર ક્ષમતાને સથવારે ભારતીય જનતા પાર્ટી આ ચૂંટણીમાં ઝળહળતું પરિણામ પ્રાપ્ત કરશે એ દીવા જેવી સ્પષ્ટ બાબત છે. જે ઘરપરિવાર સારી રીતે ચલાવી શકે છે એ નારીજાતિ દેશ, રાજ્ય અને પ્રાંત પણ ખૂબ જ ઉમદા રીતે ચલાવી શકવાનું સામર્થ્ય ધરાવે છે આ સંમેલનમાં પ્રદેશ ભાજપ મહિલા મોરચા ઉપાધ્યક્ષ અરુણાબેન ચૌધરી, પ્રદેશ ઈન્ચાર્જ પ્રિયાબેન પટેલ, જિલ્લા ભાજપ મંત્રી અને મહિલા મોરચા પ્રભારી છાયાબેન ગઢવી, જિલ્લા ભાજપ મહિલા મોરચાના હોદ્દેદારો, વિવિધ મંડલોના મહિલા હોદ્દેદારો તેમજ મહિલા કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ રેશ્માબેન ઝવેરી તેમજ આભારવિધિ જિલ્લા ભાજપ મહિલા મોરચા મહામંત્રી પારસબા જાડેજાએ કરી હોવાનું કચ્છ જિલ્લા ભાજપ મીડિયા ઈન્ચાર્જ સાત્ત્વિકદાન ગઢવીની યાદીમાં જણાવાયું હતું.

Panchang

dd