ભુજ, તા. 19 : મૂળ બિદડાના એવા પૂર્વ કેન્દ્રીય
મંત્રી દિનેશ ત્રિવેદીને કેન્દ્ર સરકાર દ્વારા બાંગલાદેશના હાઇકમિશનર તરીકે નિયુકત
કરાતાં કચ્છીઓમાં આનંદની લાગણી પ્રસરી છે. સદ્ગત મહારાવ મદનસિંહજી બાદ કોઇ દેશના રાજદૂત
બનનારા દિનેશભાઇ ત્રીજા કચ્છી બન્યા છે. આમ તો દિનેશભાઇ રાજદ્વારી કેરીઅર (આઇએફએસ અધિકારી)
ધરાવતા નથી, પણ ટેકસાસ યુનિવર્સિટીમાંથી
એમ.બી.એ. થયેલા છે અને ઇન્ડો યુરોપિયન યુનિયન પાર્લામેન્ટરી ફોરમના ચેરમેન પણ રહી ચૂક્યા
છે, તો 2016-17માં ઉત્કૃષ્ટ સાંસદનો એવોર્ડ પણ જીતી ચૂક્યા છે. મહારાવ મદનસિંહ
1953માં ઇન્ડિયન ફોરેન સર્વિસમાં
જોડાયા હતા અને 1953થી 1956 સુધી લંડનમાં માનદ્ મિનિસ્ટર
કાઉન્સેલર તરીકે સેવા આપી હતી. 1957થી 1960થી તેઓ નોર્વેના એમ્બેસેડર
પદે કાર્યરત રહ્યા હતા અને 1960થી 1961 સુધી ચિલીના રાજદૂત તરીકે પણ
ફરજ બજાવી હતી. ટેનિસના બહુ અચ્છા ખેલાડી એવા મદનસિંહજીએ એક રાજદ્વારી અધિકારી તરીકે
પણ નામના મેળવી હતી. પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ અને છેલ્લા ગવર્નર જનરલ લોર્ડ
માઉન્ટબેટન સાથે મૈત્રીભર્યા સંબંધો ધરાવતા મદનસિંહજીની લંડનમાં ભારતીય હાઇકમિશનમાં
ઓનરરી મિનિસ્ટરના હોદ્દા પર નિમણૂક કરાઇ હતી. ઉલ્લેખનીય છે કે, નોર્વેથી પરત આવ્યા બાદ મદનસિંહજીએ નોર્વેની
રાજધાની ઓસ્લોની યાદમાં ગાંધીધામમાં ઓસ્લો ટોકીઝ બનાવડાવી હતી. એ સિનેમાગૃહ બંધ થઇ
ગયું છે પણ એ વિસ્તાર આજેય ઓસ્લો સર્કલ તરીકે ઓળખાય છે. ઇન્ડોનેશિયા, મલેશિયા, સ્પેન અને ઝેક રિપબ્લિક જેવા દેશોમાં રાજદૂત
તરીકે ફરજ બજાવી ચૂકેલા દીપક કિશનચંદ ભોજવાણી મૂળ કચ્છના સિંધી પરિવારના અને મુંબઇમાં
જન્મેલા હોવાનું ઇન્ટરનેટ પર અમુક સ્રોતમાં જણાવાયું છે. દિનેશભાઇ 1980માં કોંગ્રેસમાં જોડાયા હતા.
પછી જનતા દળમાં સામેલ થયા હતા, પછી તૃણમૂલ
કોંગ્રેસના પ્રથમ જનરલ સેક્રેટરી બન્યા હતા. 1996માં જનતાદળ વતી કચ્છમાં લોકસભાના
ઉમેદવાર તરીકે ચૂંટણી લડયા હતા, તો 1990થી 1996 દરમ્યાન ગુજરાત (કચ્છ)માંથી
રાજ્યસભાના સભ્ય તરીકે પણ કાર્યકાળ બજાવ્યો હતો. 2009માં કેન્દ્ર સરકારમાં રાજ્ય કક્ષાના આરોગ્ય અને પરિવારમંત્રી
બન્યા હતા. 2011-12માં કેન્દ્રીય રેલવે મંત્રી
નિયુક્ત થયા હતા. 2021માં તૃણમૂલ
કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા હતા.વધુ એક કચ્છી ભૂપતરાય મહાશંકર ઓઝા 1978-81 સિંગાપોર, 1984થી 1988 સ્વીડન, 1978થી 92 ચેકોસ્લોવાકિયા અને 1992થી 94 દક્ષિણ કોરિયામાં હાઇકમિશનર રહ્યા હતા. તેઓ ભુજના પબુરાઇ ફળિયામાં
રહેતા હતા અને 1961ની બેચના આઇ.એ.એસ. હતા. ઉપરાંત
ચીનમાં ભારતીય દૂતાવાસમાં સેકન્ડ સેક્રેટરી, જાપાનમાં ઇન્ડિયન એમ્બેસીમાં કાઉન્સેલર, શ્રીલંકામાં
ડેપ્યુટી હાઇકમિશનર તરીકે સેવા આપી ચૂક્યા છે.