ગાંધીધામ/ભુજ, તા. 19 : અંજાર તાલુકાના
ભીમાસર પાસે ખોદકામ દરમ્યાન અજાણ્યા પુરુષનો
મૃતદેહ મળી આવતાં ચકચાર પ્રસરી હતી. આ ઉપરાંત ગાંધીધામમાં મોહનભાઈ મનુભાઈ ચાવડા (ઉ.વ.42)એ કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ જિંદગીનો અંત આણ્યો હતો.
જ્યારે માંડવી તાલુકાના રત્નાપર-મઉંમાં રહેતા 38 વર્ષીય શિક્ષક ધર્મેન્દ્રભાઈ ભરતભાઇ પંચાલે આપઘાત કર્યો હતો.
ભચાઉ-ગાંધીધામ ધોરીમાર્ગ ઉપર અજાણ્યા ડમ્પરની હડફેટે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા સુનીલ શિવજીરામ(ઉ.વ.32)એ સારવાર દરમ્યાન આંખો મીંચી
લેતાં પરિવારમાં ગમગીની પ્રસરી હતી. અંજાર પોલીસે જણાવ્યું હતું કે, સાગા પ્લાયની નજીકના રોડ ઉપર અંદાજિત 30થી 40 વર્ષની ઉંમરના અજાણ્યા પુરુષની રોડ ઉપર ખોદકામ કરતાં કોહવાઈ
ગયેલી લાશ મળી હતી. મૃતકે જમણા હાથમાં સ્ટીલનું કડુ પહેર્યું હતું. આ અંગે પોલીસે અકસ્માત
નોંધના આધારે મૃતકની ઓળખ મેળવવા તથા બનાવ પાછળનું કારણ જાણવા તપાસ આરંભી વધુ તપાસ પીએસઆઈ જે.એસ. ચુડાસમા ચલાવી
રહ્યા છે. ગાંધીધામના નવી સુંદરપુરી વિસ્તારમાં તૈયબા મસ્જિદની પાછળ રહેતા મોહનભાઈએ
ગઈકાલે સવારે 10.30 વાગ્યાના અરસામાં પોતાના ઘરમાં કોઈ કારણોસર ગળેફાંસો ખાધો હતો. મૃતક એચઆઈવી પોઝિટિવથી પીડાતા હોવાનું પોલીસે અકસ્માત નોંધને
ટાંકીને જણાવ્યું હતું. ગઢશીશા પોલીસમાંથી મળતી માહિતી મુજબ મૂળ સાબરકાંઠા હિંમતનગરના
ધર્મેન્દ્રભાઈ પંચાલે અગમ્ય કારણોસર પોતાના ઘરે રૂમમાં છતમાં લગાવેલાં હૂંકમાં દોરી
બાંધી ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. હતભાગી શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. તેમના પત્નીને
બીમારી હોવાના કારણે તેમને અંતિમ પગલું ભરી લીધું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું
છે. માર્ગ અકસ્માતનો આ બનાવ ભચાઉ-ગાંધીધામ
નેશનલ હાઈવે ઉપર પડાણા પાસે પંચરત્ન માર્કેટની
સામે ગત તા.22/3/2026ના સાંજે 7.30 વાગ્યાના અરસામાં બન્યો હતો.
શ્રમિક મૃતક સુનીલભાઈ રસ્તો ઓળંગી રહ્યા હતા તે દરમ્યાન અજાણ્યા ડમ્પરચાલકે ટક્કર મારી
હતી, જેમાં તેમને ગંભીર પ્રકારની ઈજા પહોંચતા ભુજ
જી.કે. જનરલ હોસ્પિટલમાં સારવાર બાદ વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા. અહીં ચાલુ
સારવારે ગત તા.29/3/2026ના
અંાખો મીંચી લીધી હતી. આ અંગે મૃતકના પત્ની વિભાદેવી સુનીલરામની ફરિયાદના આધારે પોલીસે
વધુ તપાસ હાથ ધરી છે.