ભુજ, તા. 19 : આજે વિશ્વ ધરોહર દિવસ નિમિત્તે
હેરિટેજ વોક યોજાઇ હતી, જેમાં 40થી વધુ લોકો જોડાયા હતા. કેટીજી (કચ્છ ટ્રાવેલ ગુરુ) અને વીરા ઇનોવેશન્સ
દ્વારા ભુજ શહેરના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરવાના હેતુથી વ્યાપક અને
જ્ઞાનવર્ધક હેરિટેજ વોક યોજાઇ હતી. કાર્યક્રમની શરૂઆતે હેરિટેજ જાણકાર અને વક્તા અખિલેશભાઇ
અંતાણીના પ્રવચનથી કરાઇ હતી. હેરિટેજ વોકમાં સ્થાનિક નાગરિકો તેમજ ભારતીય સેનાના સ્મૃતિ
રાઓ વિ. પરિવારોના સભ્યોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ વોકનું આયોજન ઉપરોક્ત સંસ્થાઓના
સ્થાપક તથા સ્મૃતિવન મ્યુઝિયમના ડિરેક્ટર વ્યોમ અંજારિયાના માર્ગદર્શન હેઠળ આ વોકની
વીડિયોગ્રાફી તેમજ ફોટોગ્રાફી કરાઇ હતી તેમજ ગુજરાત ટૂરિઝમના અનુભવી માર્ગદર્શકો દિનેશભાઇ
મચ્છર, રાજેશભાઇ માંકડ અને તેમની ટીમ સહયોગી રહી હતી.
માર્ગદર્શકો દ્વારા દરેક સ્થળના ઐતિહાસિક, સાંસ્કૃતિક અને સ્થાપત્યના
મહત્ત્વ અંગે વિસ્તૃત અને રસપ્રદ માહિતી અપાઇ હતી. સંયોજક તરીકે એમ. આઇ. બાયડે વ્યવસ્થા
સંભાળી હતી. કાર્યક્રમમાં 12થી પણ વધુ ભુજનાં ઐતિહાસિક સ્થળોની મુલાકાત લેવાઇ હતી. ભુજ શહેરની
સ્થાપના સાથે સંકળાયેલ અને ઇતિહાસ સંગ્રહીને બેઠા છે તેવા ઐતિહાસિક સ્થળો, જેમાં ખાસ કરીને આયના મહેલ, પ્રાગમહેલ, દરબારગઢ, રાણી મહેલ,
ખીલીપૂજન સ્થળ, તોરણ ગેટ, ટંકશાળ, જ્યુબિલી હોસ્પિટલ, જૂની
જેલ, હાથીસ્થાન, મોટી પોશાળ જાગીર,
સરપટ ગેટ, વિવિધ જૂના ફળિયા સિસ્ટમ કે જે ભૂકંપમાં
વિસરાઇ ગઇ છે, જેવા સ્થળોની મુલાકાત લેવાઇ હતી. કાર્યક્રમમાં
આભારવિધિ દિનેશભાઇ મચ્છરે કરી હતી.