• સોમવાર, 20 એપ્રિલ, 2026

ભચાઉમાં તાલુકા-જિલ્લા પંચાયત ચૂંટણી જીતવા રસાકસી તીવ્ર

રજનીકાંત કોટડિયા અને કમલેશ ઠક્કર દ્વારા : ભચાઉ, તા. 18 : વીતેલાં પાંચ વર્ષમાં વાગડ પંથકના ભચાઉ તાલુકામાં ઔદ્યોગિક એકમો, પવનચક્કી, ખનિજ સંપત્તિ, રેલવે, રાજમાર્ગો અને ઉદ્યોગ-ધંધામાં વિકાસ જોવા મળ્યો છે, તો નર્મદા થકી વાગડના છેવાડાના વિસ્તાર સુધી પીવાનું પાણી મળ્યું છે અને સિંચાઈમાં પણ નર્મદા મળતાં ખેતપેદાશોમાં પણ વધારો થયો છે. ખેડૂતોની આવક પણ વધી છે, પરંતુ જરૂરી માળખાગત સુવિધાઓમાં રહેલી કચાશ મતદારોના મન ઉપર જોવા મળી રહી છે. બંને રાષ્ટ્રીય પક્ષો પોતપોતાની જીતના દાવાઓ કરે છે, પરંતુ મતદારો ફોડ પાડવા તૈયાર નથી. તાલુકા પંચાયતની 20 બેઠક પૈકી ત્રણ બિનહરીફ થતાં હવે 17 બેઠક ઉપર ચૂંટણી થવાની છે અને જિલ્લા પંચાયતની એક બિનહરીફ થતાં ત્રણ બેઠક ઉપર ચૂંટણી થવાની છે તે વચ્ચે બંને રાજકીય પક્ષે ગ્રામીણ વિસ્તારમાં પ્રસાર-પ્રચાર શરૂ કર્યો છે. ગ્રામીણ વિસ્તારના નિર્ણાયક 98,115 મતદાતાને પોતાની તરફ આકર્ષવા માટે ગામડાઓમાં નાની-નાની સભાઓ થઈ રહી છે. લોકોમાં ચૂંટણી પ્રત્યે ઉત્સાહ દેખાતો નથી. એટલે નેતાઓની સભામાં બહુ મર્યાદિત સંખ્યામાં લોકો આવે છે. ભાજપ પોતાના વિકાસનાં કામો ગણાવે છે, ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવતાં કામો અને અલગ-અલગ યોજનાઓનો પ્રચાર કરવામાં આવે છે, તેનાથી લોકોને કેટલો લાભ મળ્યો તે લોકોને બતાવે છે, તો સામે કોંગ્રેસ સત્તા પક્ષની જે ખામીઓ છે, તેને લોકો સમક્ષ મૂકે છે. પાણી, સાફ-સફાઈ, સ્વાસ્થ્ય સહિતના અનેક મુદ્દાઓ નાની-નાની સભાઓમાં લોકો સમક્ષ રાખીને મતદારોને પોતાની તરફ વાળવાનો પ્રયાસ થાય છે, પરંતુ ગ્રામીણ વિસ્તારમાં મતદારો કોની તરફ વળશે, તે હાલના સમય મતદારો પણ કહેવા તૈયાર નથી. - ચૂંટણીનો ઉત્સાહવર્ધક માહોલ બનાવવા રાજકીય પક્ષોના વ્યાયામ  : ભચાઉ તાલુકાના પ્રવાસ દરમ્યાન જિલ્લા તેમજ તાલુકા પંચાયતની ચૂંટણીમાં ગ્રામીણ વિસ્તારમાં ચૂંટણીનો માહોલ નથી લલિયાણા સામખિયાળી, જંગી, વોંધડા, આધોઇ, લાકડિયા, કંથકોટ, શિકારપુર સહિતના ગ્રામીણ વિસ્તારમાં પ્રચાર દરમિયાન નેતાઓ ચૂંટણીનો માહોલ બનાવવાના પ્રયાસ કરે છે, અહીં નાની-નાની સભાઓ કરે છે એ દરમિયાન લોકો આ સભાઓમાં આવે તેવા પ્રયાસ કરાય છે. પ્રચાર દરમ્યાન લોકો પાણી તેમજ લાઈટના પ્રશ્નોની પણ રજૂઆતો કરતા જણાય હતા, ગામમાં મંદિરની બાજુમાં અથવા તો અન્ય કુદરતી વાતાવરણ હોય તેવી જગ્યાઓમાં સભાનું આયોજન કરાય છે, ત્યારે એક બાજુ સભા ચાલતી હોય તેની જ બાજુમાં વડીલો પોતે ઉનાળાની અસહ્ય ગરમીમાં આરામ ફરમાવતા નજરે પડે છે. ચૂંટણીનાં શુષ્ક વાતાવરણથી નેતાઓમાં ચિંતા દેખાઈ હતી, પરંતુ ઉત્સાહ વધે તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અખાત્રીજ બાદ માહોલ જામશે તેવું લોકો જણાવી રહ્યા છે.  - જે પરિશ્રમ કરશે તે જીતશે  : ચોબારીમાં ભાજપ-કોંગ્રેસ કોઈ પણ પક્ષ જીતનો દાવો કરી શકે તેમ નથી. 1978થી અહીં 50-50 ટકા છે. હાર જીતનું અંતર 100 મતની અંદર રહે છે. ગામના અનુભવી અને પીઢ લોકોના કહેવા મુજબ જે ઉમેદવાર પરિશ્રમ કરશે, મહેનત કરશે, લોકો સુધી પહોંચશે, તે જ અહીં સફળ થશે. હવાબાજીમાં આ ગામમાં સફળતા મેળવવી મુશ્કેલ છે. આ ચૂંટણીમાં પરિશ્રમ જ વિજય બનાવશે. નર્મદા કેનાલથી પાણીની સમસ્યા દૂર થઈ છે. હાલના સમયે ગામના બોર બંધ છે. નર્મદાનું પાણી આવે છે કામો થયા છે, પરંતુ થોડી ઘણી સમસ્યાઓ છે. ચૂંટણીમાં રાજકીય પક્ષોના ઉમેદવારોએ છેલ્લે સુધી લોકોના સંપર્કમાં રહેવું પડશે, તો જ વિજય મળશે તેમ લોકોએ જણાવ્યું હતું. - મનફરા-મોમાઈમોરામાં ચૂંટણી કરતાં પ્રસંગોને મહત્ત્વ  : મનફરામાં અને મોમાઈમોરામાં રાજકીય માહોલ દેખાતો નથી, ચૂંટણી કરતાં વધારે પ્રસંગોને પ્રાધાન્ય અપાઈ રહ્યું છે. ખૂલીને રાજનીતિની ચર્ચા પણ લોકો કરતા નથી. લોકો અંડર કરંટમાં છે. અગાઉ ગ્રામ પંચાયતમાં ચૂંટણી લડેલા લોકો પણ ખૂલી રીતે બોલી શકતા નથી, પરંતુ આ બંને ગામમાં હાલના સમયે ચૂંટણીને લઈને કોઈ ઉત્સાહ જોવા મળતો નથી. અહીં ભાજપને સ્વીકારે છે, તો સામે કોંગ્રેસને નકારતા પણ નથી. ગામના ઓટલાઓ ઉપર જામતી વડીલોની અને યુવાનોની ચોપાલમાં દેશના મુદ્દાઓ ઉપર ચર્ચા થતી જીવ મળી હતી, પણ હાલની સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને કોઈ સ્પષ્ટ મત વ્યક્ત કરવામાં આવતો નથી. - બિનહરીફ સીટોથી ખારોઈમાં લોકો નિરાશ : એક જિલ્લા પંચાયતની અને ત્રણ તાલુકા પંચાયતની સીટો બિનહરીફ થતાં લોકોનો મતાધિકાર છીનવાઈ ગયો છે, તેનાથી ખારોઈમાં લોકોમાં ચૂંટણી પ્રત્યે નીરસતા જોવા મળી છે. ગામના પાદરમાં બેઠેલા વડીલોએ રાજકારણનું વ્યાપારીકરણ થઈ રહ્યું હોવાનો બળાપો વ્યક્ત કર્યો હતો. બિનહરીફની પદ્ધતિથી લોકોનો મતાધિકાર છીનવાય છે, તેનાથી આક્રોશ જોવા મળ્યો હતો અને ખારોઈની અંદર રાજકીય માહોલમાં નિરસતા જોવા મળી હતી, તેને સાથે-સાથે અહીં અંદરખાને લોકોએ કયા ઉમેદવારને મત આપવો છે, તેના ઉપર મન બનાવી લીધું હોવાનો તાગ મળી રહ્યો છે. - કઈ બેઠક ઉપર કઈ જ્ઞાતિનું પ્રભુત્વ : જિલ્લા પંચાયતની અધોઇ સીટમાં પટેલ જ્ઞાતિનું વર્ચસ્વ ઘણું છે. આ બેઠક હેઠળ આવતી તાલુકા પંચાયતની લાકડિયા-1 તથા લાકડિયા-2 આધોઈ-1 અને આધોઈ-2 અને શિકારપુર એમ પાંચ બેઠકો ઉપર સૌથી વધુ પટેલ જ્ઞાતિના 7339, કોલી 4792, મુસ્લિમ 4556, અનુ. જાતિ 3750 તેમજ જૈન, ક્ષત્રિય, રબારી, બ્રાહ્મણ, સુથાર, સંઘાર, ગોસ્વામી સહિત આ બેઠક ઉપર કુલ 31,863 મતદારો છે, તો ચોબારી જિલ્લા પંચાયતની સીટ તેમજ તેની હેઠળ આવતી તાલુકા પંચાયતની ચોબારી, મનફરા, ભરુડિયા કંથકોટ, ધોળાવીરા સીટ ઉપર સૌથી પ્રભુત્વ આહીર સમાજનું છે. અહીં આહીરના 7725 તથા કોલી 6279, અનુ. જાતિ 4057, ક્ષત્રિય 2541, રબારી 2361, મુસ્લિમ 2210, પટેલ 1581 સહિત 32,283 મતદાતા છે, જ્યારે સામખિયાળી જિલ્લા પંચાયતની સીટ હેઠળ આવતી તાલુકા પંચાયતની લલિયાણા, સામખિયાળી-1 અને 2, જંગી અને વોંધમાં આહીર જ્ઞાતિનું પ્રભુત્વ જોવા મળે છે, તેમના 5336, કોળી 4679, પટેલ 3300, રબારી 2660, મુસ્લિમ 1680, બ્રાહ્મણ 1090, પ્રજાપતિ 1480, ક્ષત્રિય 980, જૈન 515, લોહાણા 447 તેમજ અન્ય જ્ઞાતિ સહિત આ બેઠકો ઉપર કુલ 30,849 મતદાતા છે.  - જિલ્લા તાલુકા પંચાયતનો ઇતિહાસ : કચ્છ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસ અવિરત પંચાયતીરાજ આવ્યા બાદ 1995માં ગાબડું પડયું અને ત્રણ બેઠક પૈકી એક બેઠક વોંધની કોંગ્રેસને ગઈ, બે બેઠક આધોઈ અને ચોબારી ભાજપને મળી. વર્ષ-2000ની ચૂંટણીમાં પુન: કોંગ્રેસને ત્રણેય બેઠક ચોબારી, આધોઇ અને વોંધ મળી.  વર્ષ-2005માં ભાજપ એક મેળવી અને ચોબારીમાં વિજય મેળવ્યો, સામે કોંગ્રેસે આધોઈ અને વોંધ ઉપર વિજય મેળવ્યો. વર્ષ-2010ની ચૂંટણીમાં ભાજપને આધોઈ અને ચોબારી બેઠક મળી. કોંગ્રેસે વોંધ બેઠક પર વિજય મેળવ્યો. વર્ષ-2015માં ભચાઉ તાલુકાની જિલ્લા પંચાયતની ચાર બેઠક થઈ જેમાં ભાજપને બે બેઠક સામખિયાળી અને ચીરઈ નાની મળી. કોંગ્રેસ પણ ચોબારી અને આધોઇ બેઠક પર વિજેતા બન્યું. ગત ટર્મ એટલે વર્ષ-2021માં ચારેય બેઠક ઉપર ભાજપે કબજો જમાવી દીધો, જેમાં ચોબારી, આધોઈ, નાની ચીરઈ અને સામખિયાળીમાં ઉમેદવારો વિજય થતાં જિલ્લા પંચાયત પર ભચાઉ તાલુકાનું વર્ચસ્વ રહ્યું. પ્રમુખ, કારોબારી ચેરમેન અને સિંચાઇ સમિતિના ચેરમેન ભચાઉ બેઠકથી બન્યા. - વિકાસ ઉપર લોકોને વિશ્વાસ છે : ધારાસભ્ય : ભાજપ છેવાડાના માનવીની ચિંતા કરે છે. ધારાસભ્ય તરીકેના કાર્યકાળ દરમ્યાન 100 કરોડથી વધુના રસ્તાનાં કામો ભચાઉ વિધાનસભા હસ્તકના ગ્રામ્ય વિસ્તારમાં કરાયા હોવાનું કહી આ કામો જીત અપાવશે, તેવું ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ કહ્યું હતું. ભારત સરકાર તથા ગુજરાત સરકાર દ્વારા અલગ-અલગ યોજનાઓ તળે વ્યાપક વિકાસનાં કામો કરવામાં આવે છે. ભચાઉ તાલુકા પંચાયતના ગ્રામીણ વિસ્તારમાં જૂનો વાંઢિયા નર્મદા કેનાલનો જે પ્રશ્ન હતો, તે હલ થયો છે અને પાણી પણ તેમાં શરૂ થઈ ગયું છે. 70 કરોડથી વધુના ખર્ચે ગ્રામીણ વિસ્તારમાં રોડ નેટવર્ક બનાવવામાં આવ્યું છે. દરેક યોજનાનો લાભ લોકો સુધી પહોંચાડવામાં આવ્યો છે, પાંચ વર્ષમાં ગ્રામીણ વિસ્તારમાં વિકાસ એ હરણફાળ ભરી છે. શિક્ષકોની ભરતી થઈ છે, જ્યારે આરોગ્ય વિભાગમાં થોડાક સમયમાં ડોક્ટરોની અને અન્ય સ્ટાફની ભરતી પણ થઈ જશે, લોકોને વિકાસ ઉપર વિશ્વાસ છે તેમ ઉમેર્યું હતું. ગત ટર્મમાં 16 બેઠક અંકે સત્તાપક્ષને વિકાસકામો ઉપર વિશ્વાસ છે, જ્યારે વિપક્ષે પડતર પ્રશ્નોને લઇને સત્તા મેળવા મેદાનમાં ઉતાર્યું છે. તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં સમસ્યાઓ ઉકેલાઈ છે, તો કેટલીક સમસ્યા વણ ઉકેલાયેલી છે, ત્યારે આગામી 26મીએ મતદારો શું ચુકાદો આપે છે તે જોવું રહ્યું. - ગ્રામ્ય વિસ્તારમાં સુખાકારી વધી : ભચાઉ ખાતે ઈન્ચાર્જ વાઘુભા જાડેજાએ રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓના અમલીકરણથી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં સુખાકારી વધી હોવાનું કહ્યું હતું. અનેક વિકાસ કામો થયા છે, જેથી ભાજપ તમામ બેઠકો ઉપર જંગી લીડથી જીત મેળવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. - સ્વાસ્થ્ય-શિક્ષણમાં સ્ટાફ નથી, ખેડૂતો પણ પરેશાન : કોંગ્રેસ : ભચાઉ તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં માળખાગત સુવિધાઓનો સદંતર અભાવ છે, તેમ જણાવીને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મંત્રી અને તાલુકા પંચાયતની ચૂંટણીના સંકલન કરતા ભરતભાઈ ઠક્કરે કચ્છમિત્ર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ સીએચસી અને આરોગ્ય સેન્ટર છે. સ્ટાફ નથી તેનાં કારણે ગ્રામીણ વિસ્તારને સારી આરોગ્ય સેવાઓ મળતી નથી. વર્ષોથી સત્તાધારી પક્ષ અહીં સ્ટાફની ભરતી કરતો નથી, તો શિક્ષણમાં પણ મોટા પાયે મહત્તમની ઘટ છે. હાઇવેના પટ્ટામાં બહારના શિક્ષકો છે, જે મોરબી બાજુથી આવે છે તે ક્યારે આવે છે અને ક્યારે જાય છે તે કોઈને ખબર હોતી નથી. બાળકોનું ભાવિ ધૂંધળું થતું જાય છે. વર્ષોથી રજૂઆતો કરાય છે, પણ આરોગ્ય અને શિક્ષણમાં સ્ટાફની ભરતી કરવામાં આવતી નથી, તો ખેડૂતોને પણ અનેક સમસ્યાઓ છે. ખાસ કરીને વાંઢિયામાં જે ખેડૂતોને હેરાન કર્યા છે, તેની કોઈ સીમા નથી અહીં મોટી મોટી કંપનીઓ દાદાગીરીથી લાઈનો નાખે છે અને તેનું કોઈ વળતર અપાતું નથી અને સત્તાધારી પક્ષ પ્રશાસનનો ઉપયોગ કરીને ખેડૂતોને પરેશાન કરે છે, તેમ જણાવ્યું હતું અને ગ્રામીણ વિસ્તારના લોકો કોંગ્રેસને સમર્થન આપી રહ્યા છે. લોકો ખૂલીને સામે નથી આવતા તેની પાછળ ડર છે, પરંતુ કોંગ્રેસને સમર્થન આપી રહ્યા છે. ખાસ કરીને ખેડૂતો પણ કોંગ્રેસની સાથે છે. ગાગોદર વાંઢિયા કેનાલ અને ભચાઉ-વાંઢિયા કેનાલ શરૂ કરવામાં આવતી નથી, તેની સીધી અસર સિંચાઈ ઉપર પડી રહી છે અને કોંગ્રેસ તમામ સીટો ઉપર જીતી રહી હોવાનો દાવો પ્રદેશમંત્રી દ્વારા કરવામાં આવ્યો હતો. 

Panchang

dd