ઉદય અંતાણી અને ઘનશ્યામ મજેઠિયા દ્વારા : રાપર, તા.
18 : કચ્છમાં ફુંકાયેલા ઔદ્યોગિકીકરણનો
પવન જેને સ્પર્શયો નથી, પરંતુ નર્મદાના નીરથી નવપલ્લવીત થઈને હરિયાળા
અને કૃષિ ક્ષેત્રે અગ્રેસર બન્યો છે.
એક સમયે ગાડાવાટના બદલે અત્યારે ત્રણ રાષ્ટ્રીય ધોરીમાર્ગ અને પહોળા આંતરિક રસ્તા નિર્માણ
પામ્યા છે, ત્યારે વર્ષ 2007થી તાલુકા અને જિલ્લા પંચાયતની
બેઠકો ઉપર સત્તારૂઢ ભાજપ સતત ચોથી ટર્મ મેળવવા માટે વિકાસની વાટે આગળ વધ્યું છે, તો વિપક્ષ
કોંગ્રેસ તાલુકામાં આરોગ્યની ખૂટતી
કડી, શિક્ષકોની ઘટ સહિતના મુદ્દાને આગળ વધારીને તાલુકા અને જિલ્લા પંચાયતની બેઠક અંકે કરવા માટે વ્યાયામ
આદર્યો છે. તાલુકાના પ્રવાસ દરમ્યાન લગ્નસરાની મોસમ વચ્ચે ખાટલા બેઠકો, કાર્યાલય ઉદ્ઘાટન સાથે પ્રચારનો ધમધમાટ જારી રહ્યો છે. - રોટેશનનાં કારણે તમામ
નવા ઉમેદવારો : વિસ્તારની
દૃષ્ટિએ મોટા અંતરિયાળ એવા રાપર તાલુકા પંચાયતની
24 અને જિલ્લા પંચાયતની પાંચ બેઠકમાં
રોટેશનનાં કારણે `નો રિપીટ'ની સ્થિતિ થઈ છે અને બંને બેઠક ઉપર ભાજપ-કોંગ્રેસ વચ્ચે સીધો જંગ છે, તો ત્રીજા પરિબળ આમ આદમી પાર્ટીએ પણ ઝંપલાવ્યું છે. તાલુકા પંચાયતની 24 બેઠક માટે 66 ઉમેદવાર અને જિલ્લા પંચાયતની
પાંચ બેઠક માટે 13 ઉમેદવાર ચૂંટણી
મેદાનમાં છે. - જ્ઞાતિવાર આંકડા : કચ્છનાં પ્રવેશદ્વાર આડેસરને સમાવતી ભીમાસર (ભુટકિયા) બેઠકમાં
રજપૂત (4900) અને કોળી (4050) સમાજના મતો નિર્ણાયક રહ્યા
છે, તો મુસ્લિમ સમાજ 3150 મતદાર સાથે ત્રીજા અને અ.જા.
સમાજ 2600 અને રબારી સમાજ 2200 જેટલા મતદાર સાથે ચોથા અને
પાંચમા સ્થાને છે. આહીર સમાજ 1950 મતદાર અને બ્રાહ્મણ સમાજ પણ
1700 જેટલા મત ધરાવે છે. આ બેઠકમાં
આ સિવાય અન્ય મતદારો દરબાર, ભરવાડ અને
અન્ય સમાજનું પણ મોટું મતદાન છે. કુલ મતદાન 28950નું છે. ફતેહગઢ બેઠકમાં
પણ કોળી સમાજ (8650) અને રજપૂત સમાજ (4550)નું પ્રભુત્વ છે. કુલ 30135 મતદાર ધરાવતી આ બેઠકમાં રબારી, દરબાર અને પટેલોના પણ મોટા પ્રમાણમાં મતો છે.
ફતેહગઢ બેઠકમાં ભાજપ અને કોંગ્રેસનાં બે મહિલા ઉમેદવાર જ મેદાનમાં હોવાથી દ્વિ-પાંખિયો
જંગ છે. 30350 જેટલા મતદાર
ધરાવતી ગાગોદર બેઠકમાં કોળી અને લેવા પટેલ સમાજ 8800 અને 7600 મતદાર સાથે
નિર્ણાયક ભૂમિકા ભજવશે. અહીં પણ ભાજપ અને કોંગ્રેસ
વચ્ચે સીધો મુકાબલો છે. પલાંસવા બેઠક પર રજપૂત સમાજના 6750 અને કોળી સમાજના 6250 જેટલા મતદારો છે, તો લેવા પટેલ સમાજ પણ 4050 મતદાર સાથે ત્રીજા નંબરે છે.
પલાંસવા કુલ 28850 જેટલા મતદારો જિલ્લા પંચાયતની
મોટી રવ બેઠકમાં પણ કોળી સમાજના 6400, તો આહીર સમાજના
3350, લેવા પટેલના 3300, દરબારોના 2750, મુસ્લિમોના 2650, અ.જા.ના 2500 અને રબારી સમાજના 2150 મત છે. - એસ.આઈ.આર.માં 31,737 મતદાર ઘટયા : રાપર વિધાનસભામાંથી
એસઆઈઆરની કામગીરી બાદ મતદારયાદીમાંથી 31,737 મતદારનાં નામ કમી કરવામાં આવ્યાં છે, તો 2953 જેટલાં નામ ફોર્મ નંબર 6, 7 અને 8થી ઉમેરવામાં
આવ્યા છે. સંભવત: એસઆઈઆર દરમિયાન મતદારયાદીમાં થયેલો ફેરફાર પણ ક્યાંક પરિણામ બદલી
શકે! - શાસનનો ઈતિહાસ : આ તાલુકામાં આવતી પાંચ બેઠકમાં કોંગ્રેસનો ગઢ ગણાતા આ તાલુકાએ
સરેરાશ ભાજપના ઉમેદવારોને જ જીતાડયા છે. ભૂતકાળમાં જિલ્લા પંચાયતમાં પ્રમુખ તરીકે લક્ષ્મણાસિંહ
સોઢા, જાગૃતિબેન શાહ, કારોબારી
ચેરમેન તરીકે વાઘજીભાઈ પ્રજાપતિએ, તો ઉપપ્રમુખ તરીકે કલુભા જાડેજા,
વણવીરભાઈ સોલંકી વગેરે આ પદ પર રહી ચૂક્યા છે. - ચૂંટણીમાં જે થાહે ઈ હાચું
: રાપર તાલુકાના પ્રવાસ દરમ્યાન મતદારોએ
મન કળવા દીધા ન હતા. સામખિયાળી-રાધનપુર ચાર માર્ગીય ધોરીમાર્ગ કે જે છ માર્ગીય
બનવા જઈ રહ્યો છે, તે
રસ્તા ઉપર મળી ગયેલા મતદારને પૂછતાં
ગામઠી ભાષામાં જ કહ્યું ચૂંટણીમાં જે થાહે
એ હાચું. તાલુકાના મોટા અને દાતાઓના ખર્ચથી પેવરબ્લોકથી મઢાયેલા રસ્તા એવા ગાગોદર ગામની બજારમાં ચાની દુકાનમાં ચૂંટણીની ચર્ચા જામી
હતી. એક વયસ્ક મતદારે ચૂંટણીમાં જે થાય તે ગામનું કાંઈ ન થાય તેવું કહી રોષ વ્યક્ત કર્યો હતો. બે ખેતર
વચ્ચેના પાકા ડામર રસ્તે ઘાણીથર ગામમાં પહોંચ્યા
ત્યાં મળેલા માલધારીએ ચૂંટણી હારામાં હારી
હોવાનું કહ્યું હતું. તો અમુક ગામોમાં વિવાદમાં
ગ્રામ્ય વિસ્તારના કામો થતાં ન હોવાનો બળાપો પણ કેટલાક મતદારોએ કર્યો હતો,
તો હાઈવેપટ્ટીના અન્ય એક ગામમાં
બુઝુર્ગ મતદારે બાંધી મુઠ્ઠી લાખની કહી છેલ્લા બે દિવસમાં જે થાય તે હાચું તેવું
ચહેરા ઉપર હાસ્ય સાથે કહ્યું હતું, તો અન્ય ગ્રામજનોએ કેન્દ્ર
સરકાર દ્વારા મતદારોએ કેન્દ્ર સરકારની ખેડૂતલક્ષી યોજનાઓ આશીર્વાદરૂપ હોવાનું કહ્યું
હતું. આડેસર પાસે મળેલા ભાજપ અગ્રણીઓ ડોલરરાય
ગોર, કેશુભા જાડેજા, બળવંત વી. ઠક્કરે નર્મદાના કમાંડમાં ન રહેલા
ગ્રામ્ય વિસ્તારને સમાવેશની યોજના સહિતના
વિકાસનાં કામો જંગી જીત અપાવશે તેવું જણાવ્યું
હતું. - મુંબઈવાસીઓને ચૂંટણી સુધી રોકવાનો વ્યાયામ : રાપર વિધાનસભા, નગરપાલિકા,
ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મુંબઈથી
મતદારો આવતા હોય છે અને મતદારોને મુંબઈથી લાવવા
માટે બસની પણ વ્યવસ્થા કરાતી હોય છે, પરંતુ આ વખતે અખાત્રીજના
લગ્નસરાની મોસમના કારણે મોટી સંખ્યામાં વાગડના
મુંબઈગરાઓ આવી ગયા છે, પરંતુ હવે તેમને 26મી
સુધી રોકવા માટે વ્યાયામ કરવો પડશે અને તેનાથી પરિણામમાં ઊલટફેર થશે તેવું અગ્રણીએ
જણાવ્યું હતું. આ વખતે લાવવા માટે નહીં મુંબઈ મોકલવા માટે બસની વ્યવસ્થા કરવી પડશે
તેવી ચર્ચાએ જોર પકડયું છે. વર્ષ 2007થી સતત તાલુકા પંચાયતમાં ભાજપનું પ્રભુત્વ રહ્યું છે અને જિલ્લા
પંચાયતની બેઠક ઉપર પણ લાંબા સમયથી ભાજપ ક્લીન સ્વીપ કરી રહ્યું છે. રાપર તાલુકામાં
દરેક ચૂંટણીમાં મતદાનની પેટર્ન જુદી-જુદી જોવા મળે છે. શાણા મતદારો
કોઈ ફોડ પાડતા નથી, પરંતુ છેલ્લા બે દિવસમાં કોના પાસાં સવળા પડે છે તેના
ઉપર જ પણામનો મદાર રહેશે. પાંચ હજાર કરોડનાં
કામો થકી તમામ બેઠક ઉપર જંગી લીડ મળશે : ધારાસભ્ય
: રાપર
જિલ્લા પંચાયતની તમામ બેઠકોના કાર્યાલય ઉદઘાટન કાર્યક્રમ
ભાજપ દ્વારા હાથ ધરાયો હતો. આ દરમ્યાન
રાપર તાલુકાના ચિત્રોડ ખાતે ગાગોદર
બેઠકના કાર્યાલયનું ઉદઘાટન સમારોહ પૂર્ણ થયા
બાદ મળેલા ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજા અને તેમના પ્રતિનિધિ કુલદીપસિંહ વીરેન્દ્રસિંહ
જાડેજાએ વિકાસના જ મુદ્દા ઉપર તાલુકા અને જિલ્લા
પંચાયત ઉપર ભાજપ ક્લીન સ્વીપ કરશે, તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. - વિકાસનાં પાંચ હજાર કામ : રાપર વિધાનસભામાં અત્યાર સુધીમાં ચારથી
પાંચ હજાર કરોડના વિકાસકામો થયા છે. કોંગ્રેસ ઉમેદવારો ઉતારવામાં પણ હાંફી ગઈ છે અને કોંગ્રેસ માત્ર જાતિવાદની જ વાત કરતી હોવાનો
આક્ષેપ કર્યો હતો. રાપર તાલુકાના કમાંડ બહારના વિસ્તારના ગામો માટેની 1300 કરોડની યોજના મંજૂર થઈ છે.
આ ઉપરાંત નર્મદાના વધારાના નીરનું કામ તેમજ
નવા નેશનલ હાઈવેને મંજૂરી સહિતના પ્રકલ્પોથી
ભવિષ્યમાં તાલુકાનો ગ્રામ્ય વિસ્તાર સુવિધાથી
સજ્જ બનશે તેવું કહી આ કામો જ ભાજપને જિલ્લા
પંચાયતની તમામ પાંચ બેઠક ઉપર જીત અપાવશે તેવું કહ્યું હતું. - શિક્ષક, આરોગ્યકર્મીઓની ઘટ સહિતના મુદ્દા કોંગ્રેસ ઉઠાવશે
: ભચુ આરેઠિયા : રાપર કોંગ્રેસના
અગ્રણી ભચુભાઈ આરેઠિયાએ આ ચૂંટણીમાં રાપર તાલુકામાં આવતી જિલ્લા પંચાયતની પાંચ બેઠકમાંથી
ત્રણથી ચાર અને તાલુકા પંચાયતની 24માંથી 16થી 18 બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવારો જીતશે, તેમ જણાવ્યું હતું. મજબૂત અને ભરોસાપાત્ર ઉમેદવારો,
પાવરગ્રીડ કંપનીઓ દ્વારા ખેડૂતોને થયેલો અન્યાય, શિક્ષકો અને આરોગ્યકર્મીઓની ઘટ્ટ, ભ્રષ્ટાચાર,
અસામાજિક તત્ત્વોનો ત્રાસ જેવા મુદ્દાઓ લઈ કોંગ્રેસ લોકો સમક્ષ મત માગશે
તેમ જણાવ્યું હતું. કોઈ સભાઓ કે રોડ શો કરવાને બદલે કોંગ્રેસ મતદારોનો ડોર-ટુ-ડોર સંપર્ક
કરી લોકોને સમજાવશે એમ ભચુભાઈએ જણાવ્યું હતું. મુંબઈ અને અન્યત્ર વસતા વાગડવાસીઓ પણ
લગ્નગાળો હોવાથી 80 ટકા જેટલા
મતદારો વાગડમાં આવ્યા છે, જેમાંથી 20 ટકા ન રોકાય તો પણ 60 ટકા મુંબઈવાસીઓ મતદાન કરીને
જશે એમ જણાવી કોંગ્રેસના વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. - રાપર વર્ષોથી અવિકસિત
: આમ આદમી પાર્ટી : રાપર તાલુકામાં વિધાનસભામાં
ચૂંટણી લડયા બાદ તાલુકા અને જિલ્લા પંચાયતની
20 બેઠક ઉપર લડીને
આમ આદમી પાર્ટી ત્રીજા પરિબળ તરીકે
ઊભરી રહી છે. રાપરમાં ચૂંટણીનો મોરચો સંભાળતા
આપના પૂર્વ પ્રમુખ ડો. કાયનાત અન્સારીએ જણાવ્યું
હતું કે, વિકાસની
સંભાવના છે તેવા રાપર તાલુકાની અત્યાર સુધી અવગણના કારવામાં આવી છે. અત્યાર
સુધી આ વિસ્તાર અવિકસિત જ રહ્યો છે, ત્યારે તાલુકામાં ઉદ્યોગો સ્થપાય, ખેતી ક્ષેત્રના એકમો પણ સ્થપાય તે
દિશામાં કામ કરાશે તેવું જણાવ્યું હતું. તાલુકાનો
સર્વાંગી વિકાસ આમ આદમી પાર્ટીનો મુખ્ય ધ્યેય રહેશે તેવું જણાવ્યું હતું.